વહેલા ઊઠે વીર:આપણા વડીલો સાચું જ કહેતા, સૂર્યોદય પહેલાં જાગવાથી અનેક બીમારીઓ દૂર થાય છે, પર્ફેક્ટ વેકઅપ ટાઇમ જાણો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

'રાત્રે વહેલા જે સૂઇ, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વઘે, વળી સુખમાં રહે શરીર' આ કહેવત બહુ જૂની છે. જેનો મતલબ છે, રાતે વહેલા સૂઈ જઈને સવારે જલ્દી જાગવું શરીર માટે ફાયદાકારક છે. ઘરના વયો-વૃદ્ધ લોકો પણ સવારે વહેલા જાગવાની સલાહ આપે છે. ત્યારે એ સમજવું મુશ્કેલ થઇ જાય છે કે, આખરે જાગવાનો સૌથી બેસ્ટ સમય કયો છે? સવારે વહેલા જાગવાના ફાયદા જણાવી રહ્યા છે, દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. આર. પી. પરાશર.

બ્રાહ્મમુહૂર્તમાં જાગવું છે બેસ્ટ
ઘરના વૃદ્ધ લોકો એટલે કે દાદા-દાદી કે નાના-નાની હંમેશાં બ્રાહ્મમુહૂર્તમાં જાગવાની સલાહ આપે છે. ઘણીવાર આપણા મનમાં સવાલ થાય છે કે, બ્રાહ્મમુહૂર્તમાં જાગવું એટલે શું? આવો જાણીએ, બ્રાહ્મમુહૂર્ત શુભ સમય છે, જે સૂર્યોદયના 1 કલાક 36 મિનિટ પહેલાં શરૂ થાય છે અને 48 મિનિટ પહેલાં પૂરો થાય છે. આ સમય દરમિયાન જે વ્યક્તિ જાગે છે તે વ્યક્તિ પોતાને ફિટ અને ચપળ અનુભવે છે.

બ્રાહ્મમુહૂર્તમાં જ કેમ જાગવું જોઈએ?
ડૉ. પરાશર જણાવે છે કે, સવારે વહેલા એટલે કે, બ્રાહ્મમુહૂર્તમાં જાગવાથી આપણા શરીરને અનેક રીતે ફાયદો થાય છે. બ્રાહ્મમુહૂર્તમાં જાગવાથી કોઈપણ વ્યક્તિ આધ્યાત્મિકતા સાથે જોડાઈ શકે છે કારણ કે આ સમય જ્ઞાન મેળવવા માટેનો હોય છે. યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો કરવા માટે જાગવાનો આ ઉત્તમ સમય છે. આ સમયે જાગવું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે સારું માનવામાં આવે છે. વહેલી સવારે જાગવાથી ચારે બાજુ શાંતિ હોય છે, હવા સ્વચ્છ જોવા મળે છે. ધ્યાન માટે આ શ્રેષ્ઠ સમય છે, આધ્યાત્મિક પુસ્તકો વાંચવા અને કસરત કરવા માટે પણ આ શ્રેષ્ઠ સમય છે.

સવારે જાગવાનો સૌથી સારો સમય કયો છે?
કોઈ પણ વ્યક્તિ બ્રાહ્મમુહૂર્તથી સૂર્યોદય વચ્ચે કોઈપણ સમયે જાગે છે તો તે બેસ્ટ છે. આ સમયે પ્રકૃતિમાં સાત્ત્વિક ગુણો હોય છે. તે મનને શાંત કરે છે અને ઇન્દ્રિયોને તાજગી આપે છે, તેથી સૂર્યોદય પહેલાં ઊઠવું ખૂબ જ સારું માનવામાં આવે છે.

ડૉ. પરાશરે કહે છે કે, ઋતુ પ્રમાણે સૂર્યોદયના સમય પણ બદલાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ પોતાના મૂળ સ્વભાવ, મન અને શરીરની પ્રવૃત્તિ પ્રમાણે જાગવું જોઈએ. આયુર્વેદમાં શરીરની પ્રકૃતિનું વર્ણન ત્રણ પ્રકારમાં કરવામાં આવ્યું છે - વાત, પિત્ત અને કફ.

આયુર્વેદ અનુસાર, આપણું શરીર ત્રણ પ્રકૃતિઓથી બનેલું છે - વાત, પિત્ત અને કફ. જો આ પ્રકૃતિમાં અસંતુલન થાય તો 80 ટકા રોગોનું કારણ બને છે, એટલે કે જે લોકો વારંવાર બીમાર પડે છે. ઈલાજ કરાવ્યા બાદ પણ એક બાદ એક બીમારી ચાલુ જ રહે છે. આ બીમારીઓ વાત, પિત્ત અને કફના અસંતુલનને કારણે થાય છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને ડાયટ પણ શરીરના 'ત્રિદોષ'ને અસર કરે છે અને અનેક રોગોનું કારણ બને છે. વાત, પિત્ત અને કફને યોગ અને આયુર્વેદિક શાસ્ત્ર દ્વારા બેલેન્સ કરી શકાય છે.

સવારે આ સમય જાગવું રહેશે બેસ્ટ
આજની ભાગદોડ વાળી જિંદગીમાં લોકોને રાતે જ સૂવાનો સમય મળે છે. તો ઘણા લોકો એવા પણ હોય છે કે, મોડી રાત સુધી કામ કરે છે, તેથી બ્રાહ્મમુહૂર્તમાં જાગવું આ લોકો માટે શક્ય નથી. ડૉ. પરાશર કહે છે કે આવી સ્થિતિમાં સવારે 6:30થી 7 વાગ્યાની વચ્ચે જાગવાનો પ્રયાસ કરવો જોઈએ.

સૂર્યોદય થતાં જ જાગવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
સૂર્યોદય પહેલાં જાગવું તમને ઊર્જા, હકારાત્મકતાથી ભરી દે છે. આ સમયે જાગવું મન અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કોઈપણ વ્યક્તિની જૈવિક ઘડિયાળને નિયંત્રિત કરે છે. સૂર્યોદય સાથે જાગવાથી પાચન, શોષણ અને આત્મસાત્ કરવામાં મદદ મળે છે. જીવનમાં શિસ્ત, શાંતિ, સુખ અને લાંબું આયુષ્ય મેળવવા માટે સવારે સૂર્ય સાથે કે તે પહેલાં જાગવું ખૂબ જ જરૂરી છે.

સવારે જલ્દી જાગવાના ફાયદા
જે લોકો સવારે વહેલા જાગે છે, તેઓ તેમના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખે છે. મોડી રાત સુધી જાગનારાઓની સરખામણીમાં તેઓ ડિપ્રેશનનો શિકાર બનતા નથી. સવારે જે લોકો વહેલા જાગે છે તે લોકોની કામની ઝડપ પણ વધારે હોય છે.

ઓફ્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક કેથરિના વુલ્ફ જણાવે છે કે, દરેક માનવ શરીરમાં એક કુદરતી ઘડિયાળ હોય છે. તેમની ઊંઘ અને સૂવા-જાગવાની પ્રક્રિયા આ રીતે ચાલે છે. તેને 'સર્કેડિયન ક્લોક' કહેવામાં આવે છે. આ ઘડિયાળ પ્રમાણે શરીરને ઊંઘવાની અને જાગવાની ઈચ્છા થાય છે.

સવારે જલદી જાગનારા લોકો સફળ થાય છે
એમાં કોઈ શંકા નથી કે સવારે ઊઠવાના ઘણા ફાયદા છે. સવારે વહેલા ઉઠવાથી તમને કસરત કરવાનો સમય તો મળે છે. દુનિયામાં લગભગ ચોથા ભાગના લોકો એવા છે જેઓ સવારે વહેલા ઊઠવાનું પસંદ કરે છે.

જો સવારે તમને કોઈ પરાણે જગાડે છે તો નુકસાનકારક સાબિત થઇ શકે
શરીર સાથે ક્યારે પણ જબરદસ્તી ન કરવી જોઈએ. જ્યારે શરીર સર્કેડિયન ક્લોક મુજબ આગળ વધે છે ત્યારે પર્ફોર્મન્સ વધુ સારું રહે છે. જો તમે મોડી રાત સુધી જાગનારને સવારે વહેલા ઊઠવા માટે દબાણ કરશો તો તે દિવસભર શરીરમાં આળસ જોવા મળશે. કામ કરવાનું મન નહિ થાય. મગજનો પણ સારી રીતે ઉપયોગ કરી શકશે નહીં. આ સિવાય વજન વધે છે અને સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. કેથરિના વુલ્ફ વધુમાં કહે છે કે, સવારે વહેલા ઊઠવાની કે મોડી રાત સુધી જાગવાની આદત પેરેન્ટ્સ તરફથી મળે છે. તે આપણા ડીએનએમાં છે કે આપણે સવારે વહેલા ઊઠશું કે પછી રાત્રે મોડે સુધી જાગવાની ટેવ પાડીશું.

શરીરના હોર્મોન્સ મોટાભાગે બોડી ક્લોક મુજબ રિલીઝ થાય છે. આદતો બદલવાથી હોર્મોન્સમાં સુધારો-વધારો આવી શકે છે. મોડી રાત સુધી જાગનાર લોકો જો સવારે વહેલો જાગે તો તેના શરીરને લાગશે કે તે સૂઈ રહ્યો છે. તેના હોર્મોન્સ મોડેથી બહાર આવશે. તેનાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.