કોરોના પછી ફ્લોરોનાનું જોખમ!:શું હોય છે ફ્લોરોના સંક્રમણ? કોરોનાની સરખામણીએ 'ફ્લોરોના'નું જોખમ કેટલું ખતરનાક? જાણો વિગતે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લોરોનામાં ન્યૂમોનિયા, માયોકાર્ડિટિસ અને અન્ય શ્વાસ સંબંધિત બીમારી થઈ શકે છે

આખી દુનિયા પર કોરોનાના નવાં વેરિઅન્ટ ઓમિક્રોનનું જોખમ તોળાઈ રહ્યું છે. તેવામાં ઈઝરાયલથી ભયભીત સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલની ગર્ભવતી મહિલાને કોવિડ-19 અને ઈન્ફ્લુએન્ઝાનું ડબલ સંક્રમણ થયું. આ બીમારીનું નામ 'ફ્લોરોના' છે. આ નવી બીમારીએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે.

ફ્લોરોના
મળતી માહિતી પ્રમાણે, ફ્લોરોના ડેલ્ટા અથવા ઓમિક્રોનની જેમ કોરોનાનો કોઈ નવો વેરિઅન્ટ નથી. ફ્લોરોનાથી પીડિત દર્દી કોરોના વાઈરસ અને ઈન્ફ્લુએન્ઝા બંને વાઈરસથી એક સાથે પીડાય છે. તેનાથી સંક્રમણનું વધારે જોખમ રહે છે. મહામારીની એન્ટ્રી થયા બાદ ફ્લોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.

ફ્લોરોના કેટલો જોખમી?
કોરોના વાઈરસ આપણા શ્વસન તંત્ર પર અસર કરે છે તો ઈન્ફ્લુએન્ઝાના સંક્રમણથી ન્યૂમોનિયા અને માયોકાર્ડિટિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. તે એટલી ગંભીર હોઈ શકે કે દર્દીનું મૃત્યુ થઈ શકે છે.

ઇઝરાયલ સ્વાસ્થ્ય મંત્રાલય અને અમેરિકાના CDCના રિપોર્ટ પ્રમાણે, ફ્લોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાંમાં ઈઝરાયલની હોસ્પિટલમાં આશરે 1849 ઈન્ફ્લુએન્ઝાના દર્દીની સારવાર કરવામાં આવી. ઓમિક્રોનના કારણે કોરોનાના કેસ દરરોજ બમણા થઈ રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઈઝરાયલમાં ઓમિક્રોનની લહેર આગામી 3 અઠવાડિયાંમાં પીક પર હશે.

ફ્લોરોનાનાં લક્ષણો
ડેટા પ્રમાણે, ફ્લોરોનાથી પીડિત વ્યક્તિમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. તેમાં ન્યૂમોનિયા, માયોકાર્ડિટિસ અને અન્ય શ્વાસ સંબંધિત બીમારી થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે.

ફ્લોરાના સામે ઈમ્યુનિટી
કાયરો યુનિવર્સિટી હોસ્પિટલના ડૉ. નહલા અબ્દેલ વહાબીએ અલ વતન ન્યૂઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ફ્લોરોના દરેક વ્યક્તિને અલગ અલગ રીતે સંક્રમિત કરી શકે છે. તેનું કારણ લોકોની ઈમ્યુનિટી છે. ખરાબ ઈમ્યુનિટી ધરાવતા લોકોમાં હૃદયની માંસપેશીમા સોજો આવી શકે છે. એક સાથે 2 ગંભીર વાઈરસ શરીર પર અટેક કરે ત્યારે સ્થિતિ ગંભીર બને છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ
ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે સરકારને ભલામણ કરી છે કે 6 મહિનાની ઉંમરથી મોટી વ્યક્તિને ઈન્ફ્લુએન્જાની વેક્સિન આપવામાં આવે. ઈઝરાયલમાં ફ્લોરોનાના વધારે કેસ હોઈ શકે છે. જોકે અત્યાર સુધી કોઈ નવા કેસની ઓળખ થઈ નથી.