ડબલ માસ્ક પહેરો, કોરોના ભગાડો:ઓમિક્રોનથી બચવું હોય તો એકસાથે 2 માસ્ક પહેરો, 91% સુરક્ષા મળશે; WHOએ જણાવેલી માસ્ક પહેરવાની રીત જાણો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્જીકલ અને N95 માસ્ક ક્યારેય એકસાથે ન પહેરવા જોઈએ
  • સર્જીકલની ઉપર કાપડનો માસ્ક પહેરી શકાય છે

દુનિયાભરમાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કહેર વરસાવી રહ્યો છે. ડબલ માસ્ક પહેરવાથી આ વેરિઅન્ટ સામે સુરક્ષા મેળવી શકાય છે. હોન્ગ કોન્ગના વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચ પછી આ સલાહ આપી છે. કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવતા લોકો માટે ડબલ માસ્ક જરૂરી છે. ડબલ માસ્કિંગથી કોરોના વિરુદ્ધ 91% સુધી સુરક્ષા મળે છે.

હાઈ રિસ્ક પર હો તો ડબલ માસ્ક જરૂરી
માઈક્રોબાયોલોજિસ્ટ યુએન ક્વોક યુંગ જણાવે છે કે જે લોકો પહેલાંથી જ ગંભીર બીમારીથી પીડિત છે તેમણે ડબલ માસ્ક પહેરવા જોઈએ. અનવેક્સિનેટેડ લોકો, ડૉક્ટર્સ અને એરપોર્ટ વર્કર્સને સંક્રમણનું જોખમ વધારે રહે છે. તેમણે ડબલ માસ્કિંગનો આગ્રહ રાખવો જોઈએ.

ચાઈનીઝ યુનિવર્સિટી ઓફ હોન્ગ કોન્ગના પ્રોફેસર ડેવિડ હુઈના જણાવ્યા પ્રમાણે, માસ્ક લગાવવાથી મોઢાની બંને બાજુ ગેપ રહે અથવા માસ્ક ઢીલો હોય તો સંક્રમણનું જોખમ વધે છે. તેથી પબ્લિક ટ્રાન્સપોર્ટ, કન્ટેનમેન્ટ ઝોન, હોસ્પિટલ અથવા ભીડભાડવાળા વિસ્તારમાં ડબલ માસ્ક પહેરવા જોઈએ.

કયો માસ્ક કેટલી સુરક્ષા આપે છે
સામાન્ય રીતે માસ્ક 3 પ્રકારના હોય છે: સર્જીકલ માસ્ક, N95 માસ્ક અને કાપડનો માસ્ક. N95 માસ્ક કોરોના વાઈરસ સામે રક્ષણ માટે સૌથી સુરક્ષિત ગણાય છે. તે સરળતાથી મોં, નાક અને હડપચી કવર કરે છે. તે હવામાં હાજર 95% કણો રોકવામાં સક્ષમ છે. સર્જીકલ માસ્ક 85% સુધી રક્ષણ આપે છે. તો કાપડનો માસ્ક 30%થી 60% સુધી રક્ષણ આપે છે.

કયા 2 માસ્ક એકસાથે પહેરવા જોઈએ
અમેરિકાની હેલ્થ એજન્સી CDC (સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન)ના જણાવ્યા પ્રમાણે, સર્જીકલ માસ્કની ઉપર કાપડનો માસ્ક પહેરી શકાય છે. સર્જીકલ માસ્ક પહેરીએ તો ચહેરા પર થોડી જગ્યા રહે છે તેની ઉપર કાપડનો માસ્ક પહેરવાથી કોઈ ગેપ રહેતી નથી.

એક સાથે 2 સર્જીકલ માસ્ક ક્યારેય ન પહેરવા જોઈએ. કારણ કે 2 સર્જીકલ માસ્ક પહેરીએ તો પણ ચહેરા પર જગ્યા તો રહે જ છે. જો તમે N95 માસ્ક પહેરતા હો તો તેની સાથે બીજો કોઈ માસ્ક પહેરવાની જરૂર નથી. તે સંપૂર્ણ રીતે ચહેરા પર ફિટ થઈ જાય છે. તે એકલો જ સુરક્ષા આપવા સક્ષમ હોય છે.

માસ્કના ઉપયોગની યોગ્ય રીત WHO પાસેથી જાણો

  • માસ્ક પહેરો તે પહેલાં સાબુથી હાથ ધુઓ અથવા સેનિટાઈઝ કરો.
  • નાક, મોં અને હડપચી યોગ્ય રીતે ઢંકાઈ જાય તે રીતે માસ્ક પહેરો.
  • એક વખત માસ્ક પહેરો તો તેને વારંવાર સ્પર્શ કરો નહિ. જો માસ્ક સ્પર્શ કરો તો તરત હાથ ધોઈ લો.
  • માસ્ક હંમેશાં કાનની પાછળની દોરીથી ઉતારો અને પહેરો.
  • સિંગલ યુઝ માસ્કનો ઉપયોગ કર્યા બાદ તેને ડિસ્પોઝ કરી દો. કાપડનો માસ્ક હોય તો ઉપયોગ કર્યા બાદ તરત તેને ધોઈ કાઢો.

માસ્ક કેવી રીતે ડિસ્પોઝ કરશો?
સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે, હંમેશાં માસ્ક નાના નાના ટુકડા કરી ફેંકો. ફેંકતા પહેલાં મિનિમમ 72 કલાક સુધી આ ટુકડા પેપર બેગમાં રાખો. આમ કરવાથી માસ્ક દ્વારા સંક્રમણ ફેલાવાનું જોખમ ઓછું થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...