આપણા શરીરમાં વિટામિન અને મિનરલ્સ ખુબજ જરૂરી છે. તો આજની લાઇફસ્ટાઇલને કારણે અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. લોકો વિટામિનની ઉણપ પૂરી કરવા માટે વિટામિન સપ્લીમેન્ટ્સ લેવાનો આગ્રહ રાખે છે. તબીબો અને આરોગ્ય નિષ્ણાતોના મતે શરીર માટે જરૂરી વિટામિન્સની ઉણપ દવાઓથી નહીં પરંતુ આહારથી પણ પૂરી થવી જોઈએ. તો એ પણ જાણવી જરૂરી છે કે, કયા ફળો અને શાકભાજીમાંથી વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં મળે છે. ડૉ.વાય.પી. સિંહ જણાવી રહ્યા છે અલગ-અલગ વિટામિન્સ વિશે અને શેમાંથી કુદરતી રીતે વિટામિન્સ મળે છે.
વિટામિન એ માટે સિમલા મિર્ચ, ગાજર અને શક્કરિયા ખાઓ
આંખોને સ્વસ્થ રાખવા, ઇન્ફેક્શનથી બચવા, સોજાને દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિટામિન એઆપણા માટે ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે તમારે ખોરાકમાં વિટામિન Aથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જ જોઈએ .વિટામિન A માટે ખોરાકમાં લીલા શાકભાજી, પાલક, કેપ્સિકમ, શક્કરિયા, ગાજર, પપૈયું, કેરી, દૂધ, દહીં અને ચીઝનો સમાવેશ કરો.
વિટામિન બી માટે સોયાબીન, ટામેટાં, અખરોટ ખાઓ
શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે વિટામિન બી ખુબ જ જરૂરી છે. વિટામિન બીના 8 પ્રકાર છે. વિટામિન B આંખો, ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરે છે. તો નર્વસ સિસ્ટમને પણ સ્વસ્થ રાખે છે. વિટામિન B ના કુદરતી સ્ત્રોત ઇંડા, સોયાબીન, ટામેટાં, અખરોટ, બદામ, ઘઉં, ઓટ્સ, ચિકન, માછલી, દૂધ છે.
વિટામિન સીથી સ્ટ્રોંગ થશે રોગ પ્રતિકારક શક્તિ
વિટામિન-સી શરીરમાં પ્રોટીન જાળવી રાખે છે. તેના એન્ટીઑકિસડન્ટ ગુણને કારણે શ્વસન ચેપ અને ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. ડ્રાય સ્કિન, પેઢામાંથી લોહી નીકળવું, એનિમિયા, ઘા રૂઝાવવામાં વધારે સમય લાગવો, શુષ્ક વાળ, ઓછી રોગપ્રતિકારક શક્તિ, સાંધામાં દુખાવો અને નબળા દાંત એ વિટામિન-સીની ઉણપના લક્ષણો છે.
સાઇટ્રસ ફળો વિટામિન સીનો ભંડાર છે
વિટામિન-સીની ઉણપ પુરી કરવા માટે નારંગી, લીંબુ, કીવી, અનાનસ, ચેરી, બ્લુબેરી, પપૈયા, ટામેટા અને બ્રોકોલી ખાવું જોઈએ. આ સિવાય જામફળ, દૂધ, બીટરૂટ, કોબી, આમળા, સલગમ, મૂળાના પાન, સૂકી દ્રાક્ષ અને કેપ્સિકમમાં પણ આ પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. વિટામિન-સીનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેના કારણે શરીરમાં આયર્ન વધી શકે છે. આ ઉપરાંત, પેટમાં ગડબડ, ઉબકા, ઉલટી, હાર્ટબર્ન, માથાનો દુખાવો અને ઊંઘમાં તકલીફ પણ થઈ શકે છે.
તડકામાંથી વિટામિન ડીની ઉણપ પુરી કરો
વિટામિન ડીથી હાડકાં મજબૂત થાય છે તો દાંત માટે પણ જરૂરી છે .આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. સૂર્યપ્રકાશ સિવાય માછલી, દૂધ, ચીઝ, ઈંડા, મશરૂમ જેવા ખોરાકમાંથી પણ વિટામિન ડીની ઉણપને પૂરી કરી શકાય છે.
જૈતૂન, પપૈયું, મગફળીમાંથી વિટામિન ઇ મળે છે
એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર વિટામિન ઇ હાર્ટ માટે આરોગ્યપ્રદ છે. આંખની રોશની માટે પણ વિટામિન ઈ જરૂરી છે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. ક્રોહન રોગ અને સિસ્ટિક ફાઈબ્રોસિસમાં ફાયદાકારક છે. વિટામિન ઈને કારણે વાળ ગ્રોથ વધે છે. વિટામિન ઇની ઉણપથી સ્નાયુઓમાં દુખાવો, નબળાઇ થાય છે.વિટામિન E ના કુદરતી સ્ત્રોતો ઓલિવ, પપૈયા, મગફળી અને માછલી છે.
વિટામિન કે માટે લીલા શાકભાજી ખાઓ
વિટામીન-કે બે પ્રકારના હોય છે. પહેલા- વિટામિન-K1, તે લીલા શાકભાજી અને વનસ્પતિ તેલમાંથી મળે છે. બીજું- વિટામિન-K2, તે માંસ, ઈંડા અને ચીઝમાં જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ એથેરોસ્ક્લેરોસિસથી પીડિત હોય અને ખોરાકમાં વિટામિન-કે1 લે તો તેને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 21 ટકા ઘટી જાય છે.
જો એથેરોસ્ક્લેરોસિસના દર્દીઓ તેમના આહારમાં વિટામિન-K2 પર્યાપ્ત પ્રમાણમાં લે છે, તો આ દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 14 ટકા ઓછું થઈ જાય છે. વિટામિન K લીલા પાંદડાવાળા શાકભાજી, સરસવ, મૂળો, ઘઉં, જવ, પાલક, બીટ ગ્રીન્સ, ઓલિવ ઓઈલ, લાલ મરચાં, કેળા, સ્પ્રાઉટ્સ, રસદાર ફળોમાંથી મેળવવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.