આશાનું કિરણ:ટૂંક સમયમાં AIDS, કેન્સર જેવી બીમારી માટે પણ વેક્સિન તૈયાર થઈ શકે છે, mRNA વેક્સિન પર ટ્રાયલ ચાલુ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સામેની વેક્સિન દુનિયાની પ્રથમ mRNA બેઝ્ડ વેક્સિન
  • ઈન્ફ્લુએન્ઝા, AIDS સહિતની બીમારી માટે mRNA ટેક્નોલોજીની વેક્સિનના ટ્રાયલ થઈ રહ્યા છે

કોરોના વાઈરસ સામે કારગર ફાઈઝર અને મોડર્ના જેવી વેક્સિન mRNA ટેક્નોલોજીથી તૈયાર થઈ છે. હવે વૈજ્ઞાનિકો આ જ ટેક્નોલોજીથી AIDS, કેન્સર અને ઝિકા વાઈરસ જેવી બીમારી નાબૂદ કરવા માગે છે. mRNAથી બનેલી વેક્સિન આ ઘાતક બીમારી પર અસરકારક સાબિત થઈ શકે છે.

mRNA ટેક્નોલોજી
mRNAથી આપણી કોશિકાઓમાં પ્રોટીન બને છે. આ જિનેટિક કોડ એક નાનો ભાગ હોય છે. આપણા શરીર પર કોઈ પણ વાઈરસ અથવા બેક્ટેરિયા અટેક કરે છે ત્યારે આ ટેક્નોલોજી આપણા સેલ્સને એક મેસેજ મોકલે છે. તેથી વાઈરસ અથવા બેક્ટેરિયા જેવાં પ્રોટીન જેવું જ પ્રોટીન આપણા શરીરમાં પ્રોડ્યુસ થાય છે. ત્યારબાદ તે આપણી ઈમ્યુન સિસ્ટમમાં એન્ટિબોડીઝ બનાવે છે.

એક વખત ફોર્મ્યુલા સમજી જવાય તો આ ટેક્નોલોજીથી વેક્સિન જલ્દી અને સરળતાથી બની જાય છે. સાથે જ શરીરની ઈમ્યુનિટી મજબૂત થાય છે. કોરોના સામેની વેક્સિન દુનિયાની પ્રથમ mRNA બેઝ્ડ વેક્સિન છે.

આ બીમારીઓની અસરકારક વેક્સિન બની શકે છે
1. ઈન્ફ્લુએન્ઝા

હાલની ઈન્ફ્લુએન્ઝા વેક્સિન 40-60% અસરકારક છે. વૈજ્ઞાનિક જણાવે છે કે mRNAથી વધુ અસરકારક વેક્સિન બનાવી શકાય છે. અમેરિકામાં તેના ટ્રાયલ શરૂ થઈ ગયા છે. ફાઈઝર કંપનીએ ટ્રાયલ માટે 600 અને મોડર્ના કંપનીએ 180 વોલન્ટિયર્સ પર રિસર્ચ શરૂ કર્યું છે.

2. HIV/એઈડ્સ

હાલ HIVથી થતી બીમારી AIDS (એક્વાયર્ડ ઈમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ)ની દુનિયામાં કોઈ સારવાર નથી. દશકોથી વૈજ્ઞાનિકો તેની વેક્સિન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ વાઈરસ શરીરની અંદર પ્રવેશી છુપાઈ જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે mRNAથી બનેલી વેક્સિન ઈમ્યુન સિસ્ટમને આ વાઈરસની ઓળખ કરતાં શીખવાડી શકે છે. અમેરિકામાં તેના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે.

3. ઝિકા વાઈરસ
જો ગર્ભવતી મહિલાઓ ઝિકા વાઈરસથી સંક્રમિત થાય તો બાળકનો જન્મ વિકલાંગતા સાથે થઈ શકે છે. આ બીમારી માટે અત્યાર સુધી કોઈ વેક્સિન નથી. હાલ મોડર્ના mRNA વેક્સિન પર ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે.

4. સાયટોમેગાલો વાઈરસ
આ સામાન્ય વાઈરસ નવજાત બાળકો માટે હાનિકારક સાબિત થાય છે. સંક્રમિત બાળકોમાં બહેરાશ અને ઓછા વિકાસ દર જેવી સમસ્યા થઈ શકે છે. આ વાઈરસની વેક્સિન બનાવવા માટે વૈજ્ઞાનિકો 6 પ્રકારની mRNA વેક્સિનનો ટ્રાયલ કરી રહ્યા છે.

5. કેન્સર
કેન્સરની mRNA વેક્સિનના ફેઝ-2 ટ્રાયલની તૈયારી શરૂ થઈ છે. તેને જર્મનીની બાયોએનટેક કંપની ડેવલપ કરી રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ વેક્સિનથી કેન્સર અને ટ્યુમરના પ્રોટીન ટાર્ગેટ કરી શકાશે. ઈમ્યુન સિસ્ટમ ટ્યુમર સેલ્સને ઓળખતી થઈ જશે તો તેના વિરુદ્ધ એન્ટિબોડીઝ પણ બનવા લાગશે. આ વેક્સિનથી ટ્યુમર સેલ્સ નાશ પામશે અને કેન્સર સેલ્સ ફરી સજીવન થવાની સંભાવના નહિ રહે.