કોરોનાની હાજરીમાં નવાં વર્ષની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાની ભયાવહ સ્થિતિમાં કેવી રીતે તમે હેલ્ધી રહી શકો અને લાંબું જીવન જીવી શકો તે સવાલ તમારા મનમાં ઉદભવતો હશે. આ સવાલનો જવાબ અમેરિકાના ડૉ. માઈકલ ગ્રેગરે તાજેતરમાં આપ્યો છે. CDC (સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન)ના એક રિસર્ચનો હવાલે ડૉ. ગ્રેગરે કહ્યું કે, એક સ્વસ્થ અને લાંબું જીવન 3 આદતો પર આધાર રાખે છે.
ન્યૂટ્રિશનથી ભરપૂર ડાયટ, ધૂમ્રપાનથી દૂર રહેવું અને દરરોજ 21 મિનિટ એક્સર્સાઈઝ આ 3 આદત અપનાવી લાંબું જીવન જીવી શકાય છે. આ લાઈફસ્ટાઈલ ફોલો કરવાથી મૃત્યુ થવાની સંભાવના 82% સુધી ઘટી જાય છે.
આ 3 આદતો ફોલો કરો
1. હેલ્ધી ડાયટને પ્રાયોરિટી આપો
ડૉ. ગ્રેગર જણાવે છે કે શરીર સ્વસ્થ રાખવા માટે તેલ, મસાલા અને જંકફૂડથી દૂર રહેવું જોઈએ. ડાયટમાં મેક્સિમમ ફળ અને શાકભાજી સામેલ કરો. શરીરનું ઓક્સીડેશન થાય એટલે વ્યક્તિ જલ્દી વૃદ્ધ અને બીમાર થઈ જાય છે. એન્ટિઓક્સીડન્ટ્સથી ભરપૂર ડાયટ લેવાથી આ પ્રક્રિયા ધીમી થઈ જાય છે.
ડૉ. ગ્રેગરે ચેતવણી આપતા જણાવ્યું કે બને ત્યાં સુધી માંસાહાર ખોરાક ઓછો લેવો જોઈએ. ફળ અને શાકભાજીમાં માંસાહારની સરખામણીએ 64 ગણાં વધારે એન્ટિઓક્સીડન્ટ્સ હોય છે.
2. ધૂમ્રપાનથી દૂર રહો
યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિસીનના એક રિસર્ચ પ્રમાણે ધૂમ્રપાન અને વ્યક્તિની ઉંમર વચ્ચે કનેક્શન છે. ધૂમ્રપાન કરવાથી મહિલા અને પુરુષ બંનેના DNAને નુકસાન પહોંચે છે અને આયુષ્ય ઘટે છે. સારું ડાયટ લેતા હો પરંતુ ધૂમ્રપાનની આદત હોય તો તેનાથી તમારી ઉંમર ઘટી જાય છે.
3. દરરોજ એક્સર્સાઈઝ
મહામારીમાં લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમને કારણે ફિઝિકલ એક્ટિવિટી પર રોક લાગી ગઈ. ડૉ. ગ્રેગરના જણાવ્યા પ્રમાણે, ફિઝિકલ એક્ટિવિટી ન કરી બેસી રહેવાની આદત પણ ધૂમ્રપાન જેટલું જોખમ ધરાવે છે. ડૉક્ટરે સલાહ આપતાં જણાવ્યું કે દરરોજ મિનિમમ 21 મિનિટ સુધી એક્સર્સાઈઝ કરવી જોઈએ. તેમાં જોગિંગ, રનિંગ સાથે તમારી મનગમતી રમત પણ રમી શકો છો.
હેલ્ધી રહેવા માટે ઓનલાઈન કામ અને અભ્સાય દરમિયાન થોડી થોડી મિનિટે બ્રેક લેવો જોઈએ. તમારા ઘરે પાલતુ પ્રાણી હોય તો તેની સાથે બહાર ફરવા જાઓ અને કુદરતી વાતાવરણમાં થોડો સમય પસાર કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.