સંધિવાની દેશી સારવાર:કેન્સર બાદ હવે સાંધાનો દુખાવો દૂર કરવામાં પણ હળદર અસરકારક સાબિત થઈ, ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો દાવો

એક વર્ષ પહેલા
  • ઘૂંટણના દુખાવા અને સોજાથી પીડાઈ રહેલા આર્થરાઈટિસના 70 દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું
  • 3 મહિના સુધી દર્દીઓને દરરોજ હળદરની બે કેપ્સ્યુલ્સ આપવામાં આવી

આર્થરાઈટિસની સમસ્યા ધરાવતા હોય તો ડાયટમાં હળદર જરૂરથી સામેલ કરો. હળદર સાંધાનો દુખાવો દૂર કરવા માટે પેઇન કિલર જેવું કામ કરે છે. ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, હળદર ઘૂંટણની પીડાથી રાહત આપવા માટે અસરકારક સાબિત થઈ છે.

12 સપ્તાહ સુધી રિસર્ચ ચાલ્યું
હળદરની અસરને સમજવા માટે ઓસ્ટ્રેલિયાની ટેજમેનિયા યુનિવર્સિટીમાં આર્થરાઈટિસના 70 દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું. આ દર્દીઓ ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યા હતા અને તેમના સાંધાના અંદરના ભાગમાં સોજો હતો. તેમને 12 સપ્તાહ સુધી દરરોજ હળદરની બે કેપ્સ્યુલ્સ આપવામાં આવી. ત્રણ મહિના બાદ હળદરની અસર જોવા મળી.

જેમને હળદર આપવામાં નહોતી આવી તેમને સતત દુખાવો થતો હતો
એન્નલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ઘૂંટણના દુખાવાનો સામનો કરી રહેલા જે દર્દીઓએ હળદરની સપ્લિમેન્ટ લીધી હતી તેમનો દુખાવો ઓછો થયો હતો. આ દરમિયાન તેમનામાં કોઈ આડઅસર પણ જોવા નહોતી મળી. તેમજ જે દર્દીઓને હળદર આપવામાં નહોતી આવી તેમને દુખાવો સતત થતો હતો.

હળદર લેનાર દર્દીઓના ઘૂંટણનું સ્કેનિંગ કરવા પર જાણવા મળ્યું કે, આંતરિક રીતે કોઈ ફરક નથી પડતો પરંતુ દુખાવો જરૂરથી ઓછો થાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ અંગે મોટાપાયે ટ્રાયલ કરવાની જરૂર છે.

ભારતીય સંશોધકોએ સાબિત કર્યું, તે કેન્સરથી બચાવે છે
તિરુવનંતપુરમમાં શ્રી ચિત્રા તિરુનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે હળદરથી કેન્સરની સારવારની અમેરિકાની પેટન્ટ પ્રાપ્ત કરી છે. ઈન્સ્ટિટ્યૂટનો દાવો છે કે, હળદરમાં રહેલા કરક્યુમિન તત્ત્વથી કેન્સરની સારવાર કરી શકાય છે. ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે, કેન્સરના ટ્યુમરને શરીરમાંથી દૂર કર્યા બાદ હળદરથી સારવાર કરવામાં આવશે જેથી ટ્યુમરનો નાશ કરીને તેને શરીરમાં ફેલાવવાથી રોકી શકાય.

કરક્યુમિન જ કેમ
મુખ્ય સંશોધનકર્તા ડો. લિસી કૃષ્ણનના જણાવ્યા પ્રમાણે, હળદરમાં રહેલું કરક્યુમિન સરળતાથી શરીરમાં શોષાય જાય છે અને કેન્સરની સામે લડે છે. કેન્સર કોષોનો નાશ કરવા માટે ટ્યુમરવાળા ભાગમાં ડાયરેક્ટ કરક્યુમિન રિલીઝ કરવામાં આવશે. તે સામાન્ય કોષોને નુકસાન ન પહોંચાડીને કેન્સરના કોષો પર સીધો હુમલો કરશે. ઘણા રિસર્ચમાં એ પણ સાબિત થયું છે કે તે, કેન્સરના કોષોને નષ્ટ કરે છે.

આ પણ ફાયદા છે
હળદર પર અગાઉ પણ રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં તેના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે-

રોગો સામે લડવાની ક્ષમતા વધે છે: આયુર્વેદ મુજબ હળદરનો ઉપયોગ હજારો વર્ષોથી દવા તરીકે પણ થાય છે. તેમાં એન્ટિ-ઈન્ફ્લેમેટરી, અને એન્ટિઓક્સિડન્ટથી છે જે તેને સુપરફૂડ સાબિત કરે છે. ડાયટમાં તેને સામેલ કરવાથી ઘણા રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. કોરોનાકાળમાં આયુર્વેદ નિષ્ણાતોએ પણ હળદરવાળું દૂધ પીવાની સલાહ આપી છે.

મગજને સ્વસ્થ રાખે છે: હળદરમાં રહેલું કરક્યુમિન મગજમાં BDNF હોર્મોન્સનું સ્તર વધારે છે જે મગજમાં નવા કોષો બનાવે છે. અલ્ઝાઈમર અને ડિમેન્શિયાનું જોખમ પણ ઘટાડે છે.

ડિપ્રેશન દૂર કરવામાં પણ મદદગારઃ 60 લોકો પર કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, કરક્યુમિન એન્ટીડિપ્રેસન્ટનું કામ કરે છે. જે ડિપ્રેશન ઓછું કરવામાં મદદ કરે છે. રિસર્ચમાં પુરાવા મળ્યા છે કે તે મનુષ્યને ખુશ કરતાં હોર્મોન્સ જેમ કે ડોપામાઇનને રિલીઝ કરવામાં મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...