બ્રેસ્ટ કેન્સર છે ચિંતાજનક:બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાં સુતા સમયે એક્ટિવ થઇ જાય છે ટ્યૂમર, બીજા અંગમાં પણ બનાવે છે ગાંઠ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે કેન્સર જેવી ગંભીર બીમારી પણ સામાન્ય થઇ ગઈ છે. નાની વયના લોકો પણ કેન્સરનો ભોગ બની રહ્યા છે. તો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સરમાં સૂતા સમયે ટ્યૂમર એક્ટિવ થાય છે. જયારે માણસનું શરીર એક્ટિવ રહેતું હોય એટલે કે જાગતા હોય ત્યારે કેન્સરની કોશિકાઓ સામાન્ય રહે છે. પરંતુ સૂતા સમયે આ કોશિકાઓ શરીરની અંદર ઉથલ-પાથલ મચાવે છે. આ જ કારણે બ્રેસ્ટ કેન્સરમાં એક જગ્યા પર ટ્યૂમર ડિટેકટ થાય છે ત્યારે બીજી જગ્યા પર ટ્યૂમર બનવાની શક્યતા રહે છે.

'ધ નેચર' જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સરમાં અન્ય કોઈપણ કેન્સરની તુલનામાં આ પ્રકારની કોશિકાઓ વધુ હોય છે. જ્યારે આ કેન્સરની કોશિકાઓ લોહીમાં પહોંચે છે, ત્યારે અન્ય અંગોમાં પણ ટ્યૂમર જલ્દી જ બની જાય છે. આ કોશિકાને મેડિકલ સાયન્સમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. આ પ્રક્રિયાને મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે.

સ્વિટ્ઝર્લૅન્ડના જ્યુરિકમાં સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના સંશોધકોમાંના એક કેન્સર બાયોલોજીસ્ટ અને સંશોધક એક નિકોલ ઇક્ટોએ જણાવ્યું હતું કે, કેન્સરના કોષો દિવસ કરતાં રાત્રે વધુ એક્ટિવ હોય છે. આ સંશોધન એટલે મહત્વપૂર્ણ હતું કારણ કે તે દર્શાવે છે કે કોષો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આપણા શરીરમાં અંદર ઘડિયાળ હોય છે જીનથી નિયંત્રણમાં રહે છે. જેમાં શરીરમાં થતી બધી જ પ્રક્રિયાની સાથે-સાથે ઊંઘ અને મેટાબોલિઝ્મની પણ ખખબર પડે છે. તો આ પહેલાં અનુમાન લગાડવામાં આવ્યું હતું કે, કેન્સરની કોશિકાઓ એટલી હાર્ડ હોય છે કે, તેને શરીરની બોડી ક્લોકથી કોઈ ફર્ક જ નથી પડતો. પરંતુ જયારે ઉંદર પર રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે સત્ય સામે આવ્યું હતું.

એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરથી પીડિત 30 મહિલાની પસંદગી કરી હતી. જેમાં આ મહિલાઓના 2 વાર સવારે 4 વાગ્યે અને 10 વાગ્યે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સવારે 4 વાગ્યે જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેમાં 80 ટકા CTC લેવલ વધી ગયું હતું. એટલે કે સવારે 4 વાગ્યે જ્યારે લોકો સૂતા હતા ત્યારે કેન્સરના કોષો વધી રહ્યા હતા.

કેન્સરની તપાસમાં આ શોધ છે મહત્વપૂર્ણ
સંશોધકો કહે છે કે, જ્યારે તેઓ કેન્સરને ટ્રૅક કરે છે ત્યારે ડૉક્ટરોએ વધુ સાવચેત રહેવું જોઈએ. જો દિવસ દરમિયાન લોહીના નમૂના લેવામાં આવે તો, કેન્સરના કોષો પકડાઈ શકતા નથી. કેન્સર શોધવા માટે ડોકટરો CTC લેવલ ચેક કરે છે, જે બાયોપ્સીનો એક પ્રકાર છે. બાયોપ્સીથી ખબર પડે છે કે, કેન્સરના કોષોમાંથી ટ્યૂમર બની છે કે નહીં?

ઊંઘ પણ જરૂરી
તો બીજી તરફ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, આ સંશોધનનું પરિણામ એ નથી કે બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિલાઓને ઓછી ઊંઘ લેવી જોઈએ. શરીરના મેટાબોલિઝમ માટે 8 કલાકની ઊંઘ જરૂરી છે. હાલમાં કરવામાં આવેલા કેટલાક સંશોધનોમાં સ્પષ્ટ થયું છે કે કેન્સરથી પીડિત લોકો કે જેઓ ઓછી ઊંઘ લે છે, તેમનું અકાળે મૃત્યુનું જોખમ વધારે છે.

ભારતમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે બ્રેસ્ટ કેન્સરના કેસ
અલગ-અલગ 29 ટાઈપના કેન્સરમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સરના કેસ હોય છે. પહેલાં શહેરી વિસ્તારમાં બ્રેસ્ટ કેન્સરના કેસ વધુ જોવા મળતા હતા, પરંતુ હવે ગામડાઓમાં પણ બ્રેસ્ટ કેન્સરના કેસ જોવા મળી રહ્યા છે. તો સૌથી ચિંતાની વાત એ છે કે, 20થી 22 વર્ષની યુવતીઓમાં પણ બ્રેસ્ટ કેન્સર જોવા મળી રહ્યું છે.

એક લાખ મહિલાઓ પૈકી 25 મહિલા બ્રેસ્ટ કેન્સરથી પીડિત
2017ના એક આંકડા અનુસાર, દર એક લાખ ભારતીય મહિલાઓ પૈકી 25 મહિલા બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. જે પૈકી અડધાથી વધુ મહિલાઓ પણ મૃત્યુ પામે છે. બ્રેસ્ટ કેન્સર માટે BRCA1 અને BRCA2 ઓળખ કરવામાં આવી છે. બધા કેન્સરમાં સૌથી જોખમકારક કેન્સર હોયતો તે છે બ્રેસ્ટ કેન્સર.

ત્રીજા-ચોથા સ્ટેજમાં આવે છે મહિલાઓ સારવાર માટે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચ અનુસાર, ભારતમાં બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિલાઓનું ઓછું જીવિત રહેવાનું કારણ કેન્સરની જાગૃતિનો અભાવ અને સારવારમાં વિલંબ છે. પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતીય મહિલાઓ ત્રીજા કે ચોથા સ્ટેજમાં સ્ક્રીનીંગ માટે આવે છે, ત્યાં સુધીમાં ટયુમર નોંધપાત્ર રીતે વધી જાય છે.