દેશમાં કોરોના બાદ હવે બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે. તેના કેસ વધવાનું કારણ કમજોર ઈમ્યુનિટી પણ છે. ઘરમાં રહીને પણ અમુક હદ સુધી ઈમ્યુનિટીને વધારી શકાય છે. ઉકાળો અને આયુર્વેદિક ચા પણ ઈમ્યુનિટી વધારવા માટેનો સારો ઓપ્શન છે. તુલસી, અશ્વગંધા, મસાલા અને લેમન-ટી પણ બીમારી સામે લડવામાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ, લખનઉના એક્સપર્ટ આશિષ કુમાર જણાવી રહ્યા છે કે આયુર્વેદિક ચા કેવી રીતે બનાવી અને તેના ફાયદા શું છે...
તુલસીની ચાઃ કફ, ઉધરસ, શરદી અને અસ્થમામાં ફાયદાકારક
તુલસીના પાંદડાની ચા બનાવવા માટે તેના તાજા પાંદડા, સૂકાયેલા પાંદડા અથવા પાઉડરનો પણ ઉપયોગ કરી શકાય છે. તુલસીની ચા કફ, ઉધરસ, શરદી, અસ્થમા અથવા બ્રોન્કાઈટિસથી રાહત આપે છે. તુલસીની ચામાં એવા તત્ત્વ હોય છે જે કફથી રાહત આપે છે. તે ઉપરાંત તુલસીની ચામાં એન્ટિસેપ્ટિક, એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે.
તુલસીની ચા બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી ઉકાળી લો, ત્યારબાદ 8થી 10 પાંદડા તુલસીના નાખો. હવે તમે ઈચ્છો તો જરૂરિયાત પ્રમાણે, તેમાં થોડું આદુ અને એલચી પાઉડર પણ મિક્સ કરી શકો છો. 10 મિનિટ સુધી તેને ઉકાળો, ત્યારબાદ ગરણીથી ગાળી લો. તેમાં સ્વાદનુસાર મધ અથવા લીંબુનો રસ નાખીને પીવો. તુલસીની ચામાં દૂધ કે ખાંડ ના નાખો તો સારું, કેમ કે આવું કરવાથી તેના ઓષધીય ગુણધર્મો ઘટી જાય છે.
અશ્વગંધા ચાઃ સોજો અને સંક્રમણને ઘટાડે છે
અશ્વગંધા એક ઔષધીય વનસ્પતિ છે, તેના મૂળનો ઉપયોગ ચા બનાવવા માટે કરવામાં આવે છે, પરંતુ અત્યારે તેના પાંદડાની ચાનું પ્રચલન વધ્યું છે. આયુર્વેદના અનુસાર, અશ્વગંધાના મૂળ અથવા પાંદડાથી બનેલી ચા પીવાથી બીમારી સામે લડવાની ક્ષમતા મજબૂત થાય છે. તેના મૂળમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિવેનમ, એન્ટીઇન્ફ્લેમેટરી અને એન્ટીટ્યુમર ગુણધર્મો હોય છે.
અશ્વગંધાની ચા બનાવવા માટે અશ્વગંધા મૂળ, મધ અને લીંબુની જરૂર હોય છે. એક ગ્લાસ પાણીમાં એક ઈંચ લાંબા અશ્વગંધા મૂળને નાખીને ઉકાળો. પાણી ઉકળી જાય તો તેને ગરણી વડે ગાળીને કપમાં કાઢી લો. હવે તેમાં એક નાની ચમચી મધ અને સ્વાદાનુસાર લીંબુનો રસ મિક્સ કરો. અશ્વગંધા ચા બાળકો, વૃદ્ધો અને મહિલાઓ તમામ માટે ફાયદાકારક છે.
લેમન ટીઃ માથામાં દુખાવો, ગળામાં બળતરા અને સોજો દૂર કરે છે
લેમન ટીમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તે સોજો, બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શનથી બચાવે છે. લેમન-ટીમાં ચાના પાંદડા, લીંબુનો રસ અને ખાંડ નાખીને તૈયાર કરો. લીંબુનો રસ ન માત્ર સ્વાદ વધારે છે પરંતુ રંગ પણ બદલે છે. તેની ચામાં વિટામિન-C વધારે પ્રમાણમાં હોય છે જે બીમારી સામે લડવા રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને સંક્રમણની સામે લડે છે. તે માથામાં દુખાવો, ઉધરસ, અને ગળાની બળતરામાં રાહત આપે છે. લેમન ગ્રાસના પાંદડાથી પણ લેમન-ટી બનાવી શકાય છે.
મસાલા ટીઃ ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે
જો તમે ચાના શોખીન છો તો માસાલા ચા તમારા માટે સારો ઓપ્શન છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે અને ચાની જરૂરિયાત પણ પૂરી કરશે. મસાલા ચા બનાવવી એકદમ સરળ છે. ચા અને દૂધને ઉકાળીને તેમાં કાળા મરી, સૂંઠ, તુલસી, તજ, નાની એલચી, મોટી એલચી, લવિંગ, પીપરિમુલ, જાયફળ, જાવત્રી અને લવિંગનો મસાલો નાખવો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.