સ્વાસ્થ્ય / હર્નિયા ફક્ત ઓપરેશનથી જ મટી શકે છે, વિલંબ થવા પર બીમારી જીવલેણ બને છે

Treatment is the only operation of hernia, delay can lead to fatal disease

Divyabhaskar.com

Dec 03, 2019, 01:25 PM IST

હેલ્થ ડેસ્કઃ હર્નિયા એટલે કે સારણગાંઠ એ ખૂબ જ સામાન્ય રોગ છે, જે લગભગ બે ટકા લોકોમાં જોવા મળે છે. તેથી આ સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાણવું જરૂરી છે. ઘણીવાર માહિતીના અભાવ અથવા ખોટી માહિતીને લીધે હર્નિયાના દર્દીઓ યોગ્ય સમયે યોગ્ય સારવારથી વંચિત રહે છે અને પછી આ રોગ એટલો ગંભીર બની જાય છે કે જીવને જોખમ ઊભું થઈ જાય છે.

હર્નિયા શું હોય છે?
પેટની માંસપેશીઓના કોઈપણ ભાગમાં નબળાઇ હોવાને કારણે પેટની અંદરના અવયવો, સામાન્ય રીતે આંતરડા બહાર આવવા લાગે છે અને તે એ ભાગમાં ફુગ્ગા જેવો સોજો બનાવી દે છે. આ સામાન્ય રીતે નાભિ, જાંઘ અથવા પેટના જોડાણવાળા ભાગ (ઇનગ્યુનલ રિજન/ગ્રાઇન) અથવા પેટમાં અગાઉ કરેલા ઓપરેશનની જગ્યાએ થાય છે. આ સામાન્ય રીતે પુરુષોમાં વધુ જોવા મળે છે. તે કોઈપણ વય જૂથમાં જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી થઈ શકે છે.

લક્ષણો
પેટના કોઈપણ ભાગમાં ફુગ્ગા જેવો સોજો આવે છે. આ સોજો ઉભા રહેવાથી, ઉધરસ ખાવાથી, ચાલવાથી, વજનદાર સામાન ઊંચકવાથી અથવા પેશાબ દરમિયાન જોર કરવાથી મોટો થઈ જાય છે. સોજાવાળા વિસ્તારમાં સતત હળવો દુખાવો પણ થાય છે.
આ સોજો ઊંઘવાથી અથવા હાથથી દબાવવામાં આવે ત્યારે તે ગોળ-ગોળ અવાજ સાથે અંદર જતો રહે છે અથવા નાનો થઈ જાય છે.
તીવ્ર દુખાવો, ઊલટી થવી, પેટ ફૂલવું અથવા ટોઇલેટ ન થવી એ પણ આ વાતનો સંકેત હોય છે કે હર્નિયા ફસાઈ ગયું અથવા અટકી ગયું છે. આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવા દર્દીએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

સારવાર કેમ જરૂરી છે?
હર્નિયા સામાન્ય દિનચર્યામાં અસ્વસ્થતા અથવા પીડા પેદા કરી શકે છે. વજન ઉતારવામાં અથવા ભારે કામ કરવામાં પણ મુશ્કેલી આવે છે. એટલે સુધી કે જાતીય જીવનને પણ અસર થાય છે. સમય જતા હર્નિયામાં સુધારો તો નથી આવતો પણ તે જતો પણ નથી. પરંતુ તે સમય જતા વધતો જાય છે અને ગંભીર સ્વરૂપ લઈ લે છે. આવું ઘણા રોગોમાં થાય છે. હર્નિયામાં આંતરડું ફસાઈ જાય કે અટકી પડે તો જીવનું જોખમ થઈ શકે છે. તેથી, તેની તાત્કાલિક સારવાર થવી જોઈએ.

સારવાર શું છે?
ઓપરેશન જ આ રોગનું એકમાત્ર સમાધાન છે. કોઈપણ દવા, ઔષધિઓ, યોગ હર્નિયાને દૂર કરી શકતા નથી. બેલ્ટ બાંધવો એ પણ યોગ્ય સારવાર નથી અને કેટલીકવાર નુકસાન પહોંચાડી શકે છે. ઓપરેશનમાં વિલંબ થતા તેની ગૂંચવણ જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ રોગ વિશે જાણ થતાંની સાથે જ શક્ય તેટલું જલ્દી યોગ્ય સર્જનને બતાવીને ઓપરેશન કરવું જોઈએ. આ ઓપરેશન નવજાતથી લઈને 100 વર્ષ સુધીની કોઈપણ ઉંમરે કરી શકાય છે. ઓપરેશન ઘણી રીતે કરવામાં આવે છે, જે દર્દીની ઉંમર અને અન્ય પરિબળો પર આધારિત હોય છે. તપાસ પછી જ સર્જન ઓપરેશનની યોગ્ય પદ્ધતિ જાણી શકે છે.

હર્નિયા થવા પર શું સાવચેતી રાખવી?

 • વધુ પડતો ભારે સામાન ન ઉઠાવવો.
 • શૌચ અથવા યુરિન દરમિયાન કોઈપણ પ્રકારનું જોર ન કરો.
 • જો તમને ઉધરસ હોય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ કારણ કે, તેનાથી હર્નિયા પર વધારે દબાણ આવે છે.
 • હર્નિયા પર દબાણ પડતી કસરત ન કરો.
 • લાંબા સમય સુધી ઊભા ન રહો.
 • ધૂમ્રપાન કરવાનું તરત જ બંધ કરી દો.
 • વહેલી તકે નિષ્ણાત અને યોગ્ય સર્જનની સલાહ લઇને ઓપરેશન કરાવો.

હર્નિયાનું કારણ

 • ટીબી, અસ્થમા વગેરેને કારણે સતત આવતી ઉધરસ.
 • કબજિયાત અથવા સ્થૂળતા.
 • પ્રોસ્ટેટમાં ગાંઠ અથવા પેશાબની નળીમાં અવરોધ.
 • વારસાગત અથવા જન્મજાત.
 • લિવરનો ગંભીર રોગ.
 • પ્રોટીનની ઊણપ, કુપોષણ.
 • અતિશય ધૂમ્રપાન.
 • ભારે વજન ઉપાડવું.
 • સ્નાયુઓની નબળાઇ.
 • વૃદ્ધાવસ્થા અથવા લકવો.
X
Treatment is the only operation of hernia, delay can lead to fatal disease

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી