આખું વિશ્વ કોરોનાવાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે તેવામાં કોરોનાના દાતા ચીનમાં વધુ એક વાઈરસે પગપેસારો કર્યો છે. આ વાઈરસનું નામ SFTS છે. તેને બુન્યા વાઈરસના નામથી પણ ઓળખાય છે. આ વાઈરસ કરોળિયા જેવા લાગતા જંતુ ‘ટિક’થી ફેલાય છે. અત્યાર સુધીમાં ચીનમાં આ વાઈરસથી 60 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 7 લોકો મૃત્યુ પામ્યાં છે. ચીનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત 6 મહિનામાં પૂર્વ ચીનના જિઆંગસુ પ્રાંતના 37 લોકો SFTS વાઈરસથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ પૂર્વ ચીનના અનહુઈ પ્રાંતના 23 લોકો સંક્રમિત થયા હતા.
સંક્રમિતોમાં લ્યુકોસાઈટોસિસ અને બ્લડ પ્લેટલેટ્સનું પ્રમાણ ઘટ્યું
જિઆંગસુની રાજધાની નાનજિંગમાં વેંગ નામની મહિલા આ વાઈરસથી સંક્રમિત થઈ હતી. તેને તાવ અને ઉધરસ જેવા લક્ષણો હતા. વેંગના શરીરમાં લ્યુકોસાઈટોસિસ અને બ્લડ પ્લેટલેટ્સનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું હતું. 1 મહિનાની સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
સંક્રમિતના લોહી અને પરસેવાથી પણ વાઈરસ ફેલાય છે
જેઝિયાંગ યુનિવર્સિટીની એક હોસ્પિટલમાં કામ કરનારા ડૉ. શેંગ ઝિફાંગ જણાવે છે કે, આ વાઈરસનું સંક્રમણ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. સંક્રમિત દર્દીના લોહી અને પરસેવાથી પણ SFTS વાઈરસ ફેલાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેનાથી વધારે ગભરાવાની જરૂર નથી હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
SFTS નવો વાઈરરસ નથી
ચાઈનીઝ મીડિયાના રિપોર્ટ અનુસાર, SFTS વાઈરસ કોઈ નવો વાઈરસ નથી. વર્ષ 2011માં આ વાઈરસના સમૂહને અલગ કરવામાં આવ્યો હતો. આ વાઈરસ Bunyavirus (બુન્યાવાઈરસ) સમૂહનો છે.
બુન્યા વાઈરસથી જોડાયેલા 7 સવાલો
આ વાઈરસ શું છે?
આ વાઈરસ સિવિઅર ફિવર વિથ થ્રોમ્બોસાયટોપીનિયા સિન્ડ્રોમનું કારણ છે. તેથી તેનું નામ SFTS વાઈરસ છે. તે બુન્યા સમૂહનો હોવાથી તેને બુન્યા વાઈરસ કહેવાય છે.
કેવી રીતે ફેલાય છે આ વાઈરસ?
બુન્યા વાઈરસનું વાહક કરોળિયા જેવું લાગતું જંતુ ‘ટિક’ છે. ટિક જ્યારે માણસોને ડંખે છે તો તેનું સંક્રમણ ફેલાય છે.
શું આ વાઈરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે?
ચીનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાઈરસ સંક્રમિત વ્યક્તિના લોહી અને પરસેવાથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
વાઈરસનાં લક્ષણો કેવા હોય છે?
વાઈરસથી સંક્રમિત લોકોને તાવ, પ્લેટલેટ્સ અને લ્યુકોસાઈટોસિસનું પ્રમાણ ઘટવા સહિતનાં લક્ષણો જોવા મળે છે.
વાઈરસથી મૃત્યુનું જોખમ કેટલું?
ચાઈનીઝ સ્વાસ્થ્ય સંસ્થા CDCના મત પ્રમાણે, આ વાઈરસથી મૃત્યુનું જોખમ 12% છે.
શું આ વાઈરસની કોઈ રસી છે?
ના, અત્યાર સુધી તેની કોઈ રસી શોધાઈ નથી.
વાઈરસથી બચાવ કેમ કરવો?
સંક્રમિત લોકોથી દૂર રહેવું. જંગલો અને વધારે લીલોતરી વાળી જગ્યાએથી પસાર ન થવું જોઈએ. ટિક આ પ્રકારના વિસ્તારોમાં જ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.