તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Thlet Substance Used In Food Packaging Materials May Cause Increase Risk Of Cancer And Other Disease Know How To Prevent It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂડ પેકેજિંગ મટિરિયલમાં વપરાતા થેલેટ પદાર્થથી કેન્સર સહિતની બીમારીઓનું જોખમ, જાણો બચવાના ઉપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેકેજિંગ વખતે તમામ ખાદ્યસામગ્રી પર તાપમાન, સમય , માઇક્રોવેવ સેફ સહિતનાં અનેક સૂચનો લખેલા હોય છે
  • પ્લાસ્ટિકમાં ફ્લેક્સિબિલિટી, પારદર્શિતા અને ટકાઉપણું લાવવા માટે થેલેટ ઉમેરવામાં આવે છે
  • થેલેટ વધતાં જતાં તાપમાન અને એસિડિક વસ્તુના સંપર્કમાં આવવાથી કેમિકલ રિલીઝ કરે છે
  • ઘન સ્વરૂપે રહેલાં ખોરાક કરતાં પ્રવાહી સ્વરૂપની વાનગીઓમાં થેલેટ વધારે મિશ્રિત થાય છે
  • વિવિધ પ્લાસ્ટિક ફૂડ આઈટમ્સનો ટ્રાવેલિંગ ટાઈમ પણ તેની ગુણવત્તા પર અસર કરે છે

ઈશિતા શાહ: પ્લાસ્ટિક વિશે બે મુખ્ય વાતો દીવા જેવી સ્પષ્ટ છે. એક, પ્લાસ્ટિક વગર જીવવું અશક્ય છે. બે, આપણો દેશ ‘પ્લાસ્ટિક બોમ્બ’ પર બેઠો છે અને આ જ પ્લાસ્ટિક માત્ર આપણા દેશનાં જ નહીં, સમગ્ર દુનિયાનાં પર્યાવરણનો ખંગ વાળી રહ્યું છે. એટલે જ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની ઝુંબેશ શરૂ થઈ છે. દરઅસલ, પ્લાસ્ટિક અનેક પ્રકારના પોલિમર પદાર્થોમાંથી બને છે. વિવિધ જાતના પોલિમર પદાર્થોના મિશ્રણથી જુદાંજુદાં પ્લાસ્ટિક બને છે. તેમાંથી કેટલાંક પ્રકારનાં પ્લાસ્ટિક પર્યાવરણ સાથે આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિકની ગુણવત્તા તેમાં કયા પ્રકારનાં પોલિમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના પર રહેલી છે. ફૂડ પેકેજિંગ, ફૂડ સ્ટોરેજ, બેવરેજીસ (વિવિધ પ્રકારનાં પીણાં), કોલ્ડ ડ્રિન્ક્સ સહિતની આઇટેમ્સનાં પેકેજિંગ માટે વિવિધ પ્રકારનાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. પેકેજિંગ વખતે તમામ ખાદ્યસામગ્રી પર તાપમાન, સમય , માઇક્રોવેવ સેફ સહિતનાં અનેક સૂચનો લખેલાં હોય છે. આ સૂચનોને વાંચી, સમજીને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જ હિતાવહ સાબિત થાય છે.


છેલ્લા થોડા સમયથી ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગનું વલણ વધી ગયું છે. ઓનલાઇન ઓર્ડર કરવામાં આવેલા ફૂડની ડિલિવરી પ્લાસ્ટિક મટિરિયલમાં જ કરવામાં આવે છે. ફૂડ ડિલિવરી માટે વપરાતું પ્લાસ્ટિક કયા પ્રકારનું છે તેને સમજ્યા વગર તેનો ઉપયોગ કરવો એ જોખમી સાબિત થઇ શકે છે. વિવિધ પ્રકારનાં પ્લાસ્ટિકની તાપમાન ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી ગરમ ગરમ ફૂડ ડિલિવરીના ચક્કરમાં આપણે આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દેતા હોઈએ છીએ. આવો ખોરાક ખાવાથી સ્વાસ્થ્યને કેવું નુકસાન થાય છે અને પ્લાસ્ટિક શા માટે જોખમી સાબિત થઈ શકે છે તે જાણવા માટે ‘DivyaBhaskar.Com’એ અમદાવાદની ‘મિશન ગેસ્ટ્રો હોસ્પિટલ’ના ડિરેક્ટર ગેસ્ટ્રોએન્ટ્રોલિજિસ્ટ ડો. ચિરાગ એન. શાહ સાથે વાત કરી હતી. તેમની પાસેથી જાણ્યું કે પ્લાસ્ટિક સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય.

1. લીચિંગ
પ્લાસ્ટિકમાં ફ્લેક્સિબિલિટી, પારદર્શિતા અને ટકાઉપણું લાવવા માટે Phthalates (થેલેટ) નામનું તત્ત્વ ઉમેરવામાં આવે છે. થેલેટ વધતા જતા તાપમાન અને એસિડિક વસ્તુના સંપર્કમાં આવવાથી લીચિંગ કરે છે. ફૂડ પેકેટ અથવા ફૂડ કન્ટેનરના પ્લાસ્ટિકમાંથી લીક અથવા ટ્રાન્સફર થતા પ્લાસ્ટિકનાં કેમિકલ્સને લીચિંગ (Leaching) કહેવામાં આવે છે.

2. એસેડિક ગુણ ધરાવતા ખોરાકને પ્લાસ્ટિક કન્ટેનરમાં સ્ટોર કરવાનું ટાળો
ફૂડ પેકેટ અથવા ફૂડ કન્ટેનર સાથે લો-ph એટલે કે એસિડિક ગુણ ધરાવતા ખોરાક જેવાં કે કેટલીક ડેરી પ્રોડક્ટ્સ, સોડા, કેટલાંક બેવરેજીસ, અથાણાં સહિતની પ્રિઝર્વેટિવ્સવાળી વાનગીઓ, સ્વાદે ખાટાં ટામેટાં, લીંબુ પાણી, દ્રાક્ષ, નારંગી જેવાં ફળ અને તેનો જ્યુસ પ્લાસ્ટિકના સંપર્કમાં આવવાથી થેલેટનાં લીચિંગની સંભાવનાઓ વધે છે. લીચિંગની વધારે માત્રાથી સ્વાસ્થ્ય પર થતાં તેનાં  જોખમનું પ્રમાણ વધે છે. ઘન સ્વરૂપે રહેલા ખોરાક કરતાં પ્રવાહી સ્વરૂપની વાનગીઓમાં થેલેટ વધારે મિશ્રિત થાય છે અને સ્વાસ્થ્ય પરનું જોખમ વધારે છે.

3. ન્યૂટ્રલ અથવા આલ્કલાઈન પાણીનો ઉપયોગ કરો
પાણી આપણી મૂળભૂત જરૂરિયાતોમાંથી એક જરૂરિયાત છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે ટ્રાવેલિંગ અથવા દરરોજ નોકરી-ધંધે જતા સમયે કેટલાક લોકો પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પ્લાસ્ટિકને કારણે પાણી પણ ક્યારેક હાનિકારક સાબિત થઈ શકે છે. પાણી ન્યૂટ્રલ અથવા આલ્કલાઈન ગુણ ધરાવતા પાણીને પ્લાસ્ટિકની બોટલ કે જગમાં ભરવાથી ખાસ નુકસાન થતું નથી, પરંતુ જો એસિડિક ગુણ ધરાવતાં પાણીને પ્લાસ્ટિકના સંપર્કમાં વધારે સમય સુધી રાખવામાં આવે તો પાણીમાં પ્લાસ્ટિકનાં કેમિકલ ભળવાની શરૂઆત થઈ જાય છે. બજારમાં મળતી પીવાના પાણીની વિવિધ પ્લાસ્ટિક બોટલ્સ પર પાણી ક્યાં સુધી સુરક્ષિત રહી શકે છે તે લખેલું હોય છે. તેથી બજારમાંથી પાણીની બોટલ ખરીદતાં પહેલાં બોટલ ક્યારે બની હતી તે જાણી લેવું આવશ્યક છે.

4. વધારે ગરમ પાણીનો સંગ્રહ પ્લાસ્ટિકની બોટલમાં ન કરવો જોઈએ
લીચિંગનું પ્રમાણ પાણીના તાપમાન પર પણ આધાર રાખે છે. 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પ્લાસ્ટિકની પાણીની બોટલમાં રહેલાં પાણીને કોઈ નુકસાન થતું નથી, પરંતુ જેમ જેમ તાપમાન વધે છે તેમ લીચિંગ વધારે થાય છે. આથી, ઉનાળાની સીઝનમાં પેકેજ્ડ વૉટર કે ઠંડાં પીણાંની બોટલ્સમાં લીચિંગ થવાની શક્યતા વધી જાય છે.

5. માઇક્રોવેવ સેફ પ્લાસ્ટિકનો ઉપયોગ જ  માઇક્રોવેવ માટે કરવ
ગરમાગરમ વાનગીઓ આરોગવી કોને ન ગને? નોકરિયાત વર્ગના લોકો તેમના લંચ બ્રેક દરમિયાન શાક સહિતની કેટલીક વાનગીઓને ગરમ કરવા માટે તેને ટિફિન કન્ટેનર સાથે જ માઈક્રોવેવમાં ગરમ કરતા હોય છે. ‘માઇક્રોવેવ સેફ’ પ્લાસ્ટિક ટિફિનના ડબ્બાને માઇક્રોવેવમાં મૂકવાથી પ્લાસ્ટિક થેલેટ રિલીઝ કરતું નથી, પરંતુ જો અન્ય કોઈ પણ પ્રકારનાં માઇક્રોવેવ સેફ ન હોય તેવા પ્લાસ્ટિકની વસ્તુમાં પ્રવાહી કે અર્ધ પ્રવાહી સ્વરૂપે રહેલી વાનગી ગરમ કરવામાં આવે તો તેમાં વધારે પ્રમાણમાં થેલેટ રિલીઝ થાય છે. તેથી તેની સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે.
પ્લાસ્ટિકના પેકેજ્ડ ફૂડને સીધેસીધું માઇક્રોવેવમાં ગરમ કરવાને બદલે ખોરાકને કાચ અથવા અન્ય માઇક્રોવેવ સેફ વાસણમાં રાખીને ગરમ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
પ્લાસ્ટિક ફૂડ કન્ટેનરમાં આથાવાળી વાનગીનો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ. માર્કેટમાં પ્લાસ્ટિકમાં પૅક કરીને વેચાતાં અથાણાં ખરીદવાનું પણ ટાળવું જોઈએ.
ફૂડ પેકેજિંગ અથવા ફૂડ કન્ટેનરમાં ગરમ પદાર્થોનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
બેબી સુધર (નાનાં બાળકોને શાંત કરવા માટે અપાતી ધાવણી) પણ હાર્ડ પ્લાસ્ટિકની બનેલી હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ.

6. કેન્સર સહિત અનેક રોગો થવાનું જોખમ વધે છે
વોટર બોટલ્સ, પેકેજ્ડ ફૂડ કે પછી ફૂડ કન્ટેનરના સ્વરૂપમાં પ્લાસ્ટિકના ઉપયોગથી કેન્સર થવાની સંભાવના રહેલી હોય છે. આ સિવાય વહેલી તકે ડાયાબિટીસ અને શરીરમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ થવાની પણ શક્યતા રહે છે. પ્રેગ્નન્સી વખતે ગર્ભ ધારણ કરનાર માતાએ જો વધારે પ્રમાણમાં થેલેટનું ગ્રહણ કરી લીધું હોય તો આવનારું બાળક બર્થ ડિફેક્ટ એટલે કે કોઈ ખામી સાથે જન્મ લઈ શકે છે.


આ ઉપરાંત અમે કરેલી રિસર્ચમાં જાણવા મળ્યું કે પ્લાસ્ટિકમાં રહેલાં કેટલાક પ્રકારનાં થેલેટથી કેન્સર સહિતની અનેક બીમારીઓ થાય છે.
વર્ષ 1994માં કેનેડા એસેસમેન્ટ દ્વારા પુરવાર કરવામાં આવ્યું કે DEHP અને B79P પ્રકારનાં થેલેટ મનુષ્યનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.


ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર યુરોપિયન ઇકોનોમિક કમ્યૂનિટી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉંદરો પર કરવામાં આવેલા રિસર્ચ પરથી માલુમ પડ્યું છે કે થેલેટને લીધે પિત્તાશયનું કેન્સર થઈ શકે છે. આ રિસર્ચમાં ઉંદરોનાં શરીરમાં થેલેટ દાખલ કરવામાં આવ્યું હતું. રિસર્ચના પરિણામોથી પુરવાર થયું કે di(2-ethylhexyl) phthalate કેન્સરકારક છે.

7. પ્લાસ્ટિકના બદલે સ્ટીલ અથવા માટીનાં વાસણોનો ઉપયોગ કરવો
ખોરાકના હેતુ માટે બને તો પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ અનિવાર્ય જ હોય તો સોફ્ટ પ્લાસ્ટિકને બદલે હાર્ડ પ્લાસ્ટિકની ફૂડ ગ્રેડની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
પ્લાસ્ટિકના ઓપ્શનમાં સ્ટીલ, જૂનાં કોપરનાં વાસણ અથવા માટીનાં વાસણોનો ઉપયોગ હિતાવહ છે.


રોજિંદા જીવનમાં આપણે જાતભાતનાં ઠંડાં પીણાં, પેક્ડ કોરો નાસ્તો, પેક્ડ અથાણું આ તમામ વસ્તુઓ દેશમાં કયા રાજ્યમાં બનેલી છે અને તેને તમારી થાળી સુધી પહોંચતાં કેટલો સમય લાગ્યો હશે વગેરે જેવી વિગતોમાં આપણે પડતા નથી, પરંતુ આ તમામ પરિબળો તમારી થાળીમાં રહેલી તમારી મનપસંદ વાનગી અથવા તમારા હાથમાં રહેલાં મનપસંદ પીણાની ગુણવત્તા પર અસર કરે છે. અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગના હેડ અને જોઈન્ટ ડિરેક્ટર ડો. અમિત સિંગલ સાથે વાત કરીને તાપમાન અને ટ્રાન્સ્પોર્ટેશન પેકેજ્ડ ફૂડ અને બેવરેજીસ પર કેવી રીતે અસર કરે છે તે વિશે વાતચીત કરી હતી.


ડો. અમિત કહે છે, ‘વિવિધ પ્રકારનાં પ્લાસ્ટિકની તાપમાન સહન કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. તમે બજારમાંથી ખરીદેલાં ફૂડ પેકેટ અથવા બેવરેજીસ પર તે મહત્તમ કેટલાં તાપમાન સુધી સુરક્ષિત રહી શકે છે તેની સૂચનાઓ લખેલી હોય છે. આ સૂચનો કેટલીક બ્રાન્ડ્સ અથવા કંપની દ્વારા વેચવામાં આવતી પ્રોડક્ટ્સમાં જ આપેલા હોય છે. આ સૂચનોને સમજીને જ ફૂડ પેકેટ્સ અને બેવરેજીસનો ઉપયોગ કરવો આવશ્યક છે.’

તાપમાન અને પેકેજ્ડ ફૂડ- બેવરેજીસની ગુણવત્તા
તાપમાન અને પેકેજ્ડ ફૂડ- બેવરેજીસની ગુણવત્તા એક ઉદાહરણથી સમજીએ. ધારો કે, તમે તમારાં મનપસંદ ઠંડાં પીણાંની બોટલ ખરીદીને તેને તમારી કારમાં મૂકીને કાર પાર્ક કરીને તેમે ઓફિસના કામે લાગી ગયા છો. ઠંડાં પીણાની બોટલ પર તેની મહત્તમ તાપમાન ક્ષમતા 25 ડિગ્રી સેલ્સિયસ લખી છે, જેને તમે જોયા વગર તેને કારમાં મૂકી છે. બહારનું તાપમાન 30 ડિગ્રી સે.ની આસપાસ છે અને તડકાને કારણે કારની અંદરનું તાપમાન સહેજે 35-38 ડિગ્રીને વટાવી જાય છે. તેની અસર કારમાં રાખેલી ઠંડાં પીણાની બોટલને પણ થાય છે. તાપમાનની ક્ષમતા વધી જવાને લીધે પ્લાસ્ટિકની બોટલમાં માઈગ્રેશનની પ્રક્રિયા શરૂ થાય છે. ફૂડ પેકેજિંગ મટિરિયલના પ્લાસ્ટિકનાં કેમિકલ તેમાં રહેલી ફૂડ આઈટેમ્સમાં ભળવા લાગે તેને માઈગ્રેશન કહેવામાં આવે છે. આ માઈગ્રેશનથી ઠંડાં પીણાની બોટલમાં પ્લાસ્ટિકનાં કેમિકલ ભળવા લાગે છે. ઓફિસથી ઘરે પરત ફરીને તમે ઠંડાં પીણાની બોટલને ફરી ઠંડી કરવા માટે ફ્રીજમાં મૂકો છો. આ બોટલ ફરી ઠંડી ભલે થઈ જતી હોય પરંતુ તેમા માઈગ્રેશનની પ્રક્રિયાને બદલી શકાતી નથી અને તેમાં રહેલું પીણું જોખમી બની જાય છે. આ રીતે તમારી મનપસંદ ઠંડાં પીણાની બોટલ તમારી જ બેદરકારીને લીધે જોખમી બની જાય છે. તેથી ઠંડાં પીણાની બોટલ હોય કે પછી પેકેજ્ડ ફૂડ તેની તાપમાનની ક્ષમતાની ચકાસણી કરીને જ તેને ઉપયોગમાં લેવી જોઈએ.

ફૂડ આઇટેમ્સના પેકેજિંગનું સ્થળ પણ મહત્ત્વનું છે
વિવિધ પ્લાસ્ટિક ફૂડ આઈટેમ્સનો ટ્રાવેલિંગ ટાઈમ એટલે કે ફૂડ આઈટેમ્સ કે બેવરેજીસનું ઉત્પાદનનું સ્થળ અને તેને તમારા સુધી પહોંચવા માટે લાગતો સમય પણ તેની ગુણવત્તા પર અસર કરે છે. ટ્રાવેલિંગના સમયમાં થતું (અને નરી આંખે ન દેખાતું) પ્લાસ્ટિકનું માઈગ્રેશન ફૂડ આઈટેમ્સની ગુણવત્તાને હાનિ પહોંચાડી શકે છે. આ વાતને એક ઉદાહરણથી સમજીએ તો ઉત્તર ભારતમાં કોઈક બેવરેજીસ અથવા ફૂડ આઈટેમ્સનું પેકેજિંગ કરવામાં આવ્યું છે. તેનાં પેકેજિંગ પછી ઉત્તર ભારતથી તેને ગુજરાતના અમદાવાદની કોઈ એક દુકાનમાં આવતાં સુધીમાં ઘણો લાંબો સમય લાગે છે. ભારતમાં દરેક રાજ્યમાં વિષમ વાતાવરણ જોવા મળતું હોય છે. તે સમયગાળા દરમિયાન તાપમાનમાં આવતા વિવિધ ફેરફારોની અસર બેવરેજીસ અથવા ફૂડ આઈટેમ્સ પર થાય છે. આ આઈટેમ્સની તાપમાનની ક્ષમતા કરતાં રસ્તામાં વિવિધ સ્થળોએ વધારે તાપમાનનો સામનો કરવાથી બેવરેજીસ અથવા ફૂડ આઈટેમ્સમાં માઈગ્રેશન થાય છે. આ માઈગ્રેશન સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હોઈ શકે છે તે લેબોરેટરીમાં માઈગ્રેશન ટેસ્ટ દરમિયાન જ જાણી શકાય છે, પરંતુ બેવરેજીસ અથવા ફૂડ આઈટમ્સમાં માઈગ્રેશન આવવાથી તેની ગુણવત્તા પર અસર તો પહોંચે જ છે.


પ્લાસ્ટિકથી બનેલી ફૂડ આઈટેમ્સ અને ફૂડ કન્ટેનરની ખરીદતાં પહેલાં કેવી સાવચેતી રાખવી જોઈએ તે જાણવા માટે અહીં ક્લિક કરો.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો