બોટૉક્સથી વધતી ઉંમર પર ફુલસ્ટોપ લાગશે:આ 'ઝેર' બનાવશે તમને યુવાન, જાડી ત્વચાને કારણે પુરુષોને મહિલાઓ કરતાં હાઈ ડોઝ અપાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉંમર ગમે તેટલી હોય પણ દરેક વ્યક્તિ સુંદર દેખાવા ઈચ્છે છે. તમે બોલિવુડની અભિનેત્રીઓ રેખા, હેમા માલિની કે અનિલ કપૂરને જ જોઈ લો. આ બધાની ઉંમર 65 વર્ષ ઉપર છે તેમછતાં આજે પણ તે યુવાન દેખાય છે. 50ની ઉંમરને વટાવી ચૂકેલી માધુરી દિક્ષિતને જોઈને પણ એવું લાગે છે કે, જાણે તેમની ઉંમર વધતી જ નથી પરંતુ, શું ઉંમરને વધતી રોકવી શક્ય છે? શું ઉંમર વધવાની સાથે મોઢા પર કરચલીઓ ન આવે તે શક્ય બને? તો તેનો જવાબ છે- ના. એવું માનવામાં આવે છે કે, વૃદ્ધત્વના લક્ષણ 30 વર્ષની ઉંમર પછી શરુ થઈ જાય છે પણ વધતો સ્ટ્રેસ, ખરાબ ડાયટ અને જીવનશૈલીના કારણે ઉંમરની પહેલા જ મોઢા પર કરચલીઓ આવી જાય છે.

જો કે, આજકાલ એવી ઢગલાબંધ બ્યુટી ટ્રીટમેન્ટ આવી ગઈ છે કે, જે તમારી ત્વચાને યુવાન રાખવામાં મદદ કરશે. એવી જ એક ટ્રિટમેન્ટ છે ‘બોટૉક્સ’. જો કે, તમે તમારી જીવનશૈલી અને ડાયટમાં બદલાવ લાવીને પણ સરળતાથી યુવાન દેખાઈ શકો. આ અંગે વાત કરતા પહેલા આપણે બોટૉક્સ વિશે થોડી માહિતી મેળવીએ. ઘણા લોકપ્રિય સ્ટાર્સ આ બ્યુટી ટ્રિટમેન્ટને ફોલો કરે છે. 90ના દાયકાની બોલિવુડ અભિનેત્રી નિલમ કોઠારી સોનીએ થોડા સમય પહેલા ‘બોટૉક્સ’ કરાવતા સમયે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો હતો. હોલિવુડ અભિનેત્રી કિમ કર્દાશિયાએ પણ પોતાની સુંદરતાનું આ રહસ્ય તેના ચાહકો સાથે શેર કર્યું હતું.

એક પ્રકારનું ઝેર છે ‘બોટૉક્સ’
‘બોટૉક્સ’ એક એવું ડ્રગ છે કે, જે વાસ્તવમાં ઝેર છે. તે ક્લૉસ્ટ્રીડિયમ બોટુલિનમ (Clostridium Botulinum) નામના બેક્ટેરિયાથી બને છે. આ એ જ ઝેર છે કે, જે ફૂડ પોઈઝનિંગનું કામ કરે છે પણ આજકાલ તેનો ઉપયોગ બ્યુટી ટ્રિટમેન્ટમાં ખૂબ જ વધુ પડતો થઈ રહ્યો છે. ‘બોટૉક્સ’ ફેસ ફ્રિઝિંગ ઈન્જેક્શન છે, જે તમારા ચહેરાની માંસપેશીઓને ફ્રિઝ કરી દે છે. જો કે, ઉંમર વધવાની સાથે તેમના ચહેરા પર ફાઈન લાઈન્સ દેખાવા લાગે છે કારણ કે, ઉંમર વધવાની સાથે સ્કિન ઢીલી પડવા લાગે છે અને તેના કારણે ચહેરા પર કરચલીઓ આવવા લાગે છે.

આગળ વધતા પહેલા આ ગ્રાફિક્સના માધ્યમથી તમે જાણી લો કે, કઈ ઉંમરમાં કઈ ટ્રિટમેન્ટ કરાવવી જોઈએ

‘બોટૉક્સ’ કોઈ ટ્રિટમેન્ટ નથી, બ્રાન્ડ છે
આજે ભલે કરચલીઓને અટકાવવા માટે ‘બોટૉક્સ’ લોકપ્રિય બની ગયું છે પણ આ કોઈ ટ્રિટમેન્ટ નથી પણ કંપનીનું બ્રાન્ડ નેમ છે. સૌથી પહેલા આ જ બ્રાન્ડે એન્ટી એજિંગ માટે Botulinum નામના ઈંજેક્શન બનાવ્યા હતા. આજકાલ એન્ટી એજિંગ માટે ઘણી બધી બ્રાન્ડ માર્કેટમાં આવી ગઈ છે.

‘બોટૉક્સ’ કેવી રીતે કામ કરે છે, જાણી લો
‘બોટૉક્સ’ ઈંજેક્શનના માઘ્યમથી મગજથી ચહેરા સુધીની માંસપેશીઓ સુધી પહોંચનારા સિગ્નલને બ્લોક કરી દે છે, જેથી માંસપેશીઓ સંકોચાઈ નહી. સરળ શબ્દોમાં કહીએ તો ‘બોટૉક્સ’ ઈંજેક્શનથી મસલ્સ થોડા સમય માટે પેરેલાઈઝ્ડ થઈ જાય છે, જેથી વૃદ્ધત્વ પર અમુક સમય માટે ફુલસ્ટોપ લાગી જાય છે. ઉંમરની અસરને રોકવાનો સાચી રમત આ જ છે. તેનું ઈંજેક્શન ફોરહેડ લાઈન એટલે કે માથા પર, ક્રો ફીટ એટલે કે આંખો પાસેની લાઈન્સ અને ક્રાઉન લાઈન્સ એટલે કે ભમર પાસેની લાઈન્સમાં લગાવવામાં આવે છે. આ પ્રોસેસ મિનિટોની છે. તેમાં વ્યક્તિને બેભાન કરવાની જરુર પડતી નથી અને તે જ કોસ્મેટિક સર્જરી કહેવાય છે.

ટ્રિટમેન્ટ લેતા પહેલા સ્કિનની તપાસ કરવી જરુરી
ગુરુગ્રામની પારસ હોસ્પિટલમાં ડર્મેટોલોજિસ્ટ ડૉ. વિનય સિંહે જણાવ્યું કે, 30 વર્ષ પછી ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે કારણ કે, ત્વચાને યુવાન બનાવનાર પ્રોટિન ફાઈબર ‘કોલેજન’ ઓછું દેખાવા લાગે છે. તેનું કારણ વર્ક પ્રેશર, પર્યાવરણમાં ફેરફાર કે હોર્મોનમાં ફેરફાર હોઈ શકે. ‘બોટૉક્સ’ હંમેશા એક સારા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસેથી જ કરાવવું જોઈએ કારણ કે, જો આ પ્રોસેસમાં થોડી પણ ગડબડ થાય તો તમારો ચહેરો બગડી શકે છે. આ ટ્રિટમેન્ટ કરાવતા પહેલા સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક જરુર કરજો.

ડર્મેટોલોજિસ્ટ્સ સૌથી પહેલા સ્કિનની તપાસ કરે છે અને તે શોધવાનો પ્રયાસ કરે છે કે, કઈ જગ્યાએ કેટલા યુનિટ Botulinum આપવામાં આવશે. દરેકની ત્વચા અલગ હોય છે તેમજ વૃદ્ધત્વની પ્રક્રિયા પણ અલગ હોય છે. આવી સ્થિતિમાં Botulinumની માત્રા પણ તે મુજબ નક્કી કરવામાં આવે છે. ડૉ. વિનય સિંહ કહે છે કે, Botulinum સલામત છે. તપાસ બાદ સ્કિન સ્પેશિયાલિસ્ટને ખબર પડે છે કે, ટ્રીટમેન્ટ લેનારની ઉંમર કેટલી સ્પીડમાં વધી રહી છે. કરચલીઓ કેટલી ઊંડી હોય છે, કયા સ્નાયુઓ ફ્રિઝ થઈ જશે?

બોટૉક્સ ટ્રીટમેન્ટ કરચલીઓ પ્રમાણે કરવામાં આવે છે. ચાલો ગ્રાફિક્સ દ્વારા કરચલીઓને સમજીએ.

બોટૉક્સ સારવારના ઘણા પ્રકારો છે
મેસોબોટૉક્સ (Mesobotox): આ બોટૉક્સનું બેબી વર્ઝન છે. તેમાં બોટોક્સને ઓછી માત્રામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. તેથી ખ્યાલ આવી શકે કે, શરીરમાં તેની અસર કેવી રીતે થઈ રહી છે? તેને એક પ્રકારની ટેસ્ટિંગ પ્રોસેસ પણ કહેવામાં આવે છે.

માસેટર બોટૉક્સ (Masseter botox): તે જો (જડબા) લાઈનનો બોટૉક્સ છે. આમાં માસેટર નામના માંસપેશીને રિલેક્સ કરવામાં આવે છે. આ સ્નાયુનો ઉપયોગ ખોરાક ચાવવા માટે થાય છે. બોટૉક્સ ઈન્જેક્શન આપ્યા બાદ જો (જડબું) સ્ક્વેર થઈ જાય છે, જેના કારણે ચહેરો પાતળો દેખાય છે. આપણા દેશમાં 22 વર્ષથી નાની ઉંમરના લોકોએ તેને લેવાનું શરૂ કરી દીધું છે. તેના દ્વારા ચહેરાનો આકાર બદલાય છે. તેની અસર 8 મહિના સુધી રહે છે.

નેફર્ટીટી લિફ્ટ બોટૉક્સ (Nefertiti lift Botox): તેને ગળામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. તેનો હેતુ ગળા અને જડબાની લાઈનને કડક બનાવવાનો છે.

બોટોક્સ ટ્રીટમેન્ટમાં કેટલીક આડઅસરો પણ થાય છે જે થોડા સમય પછી મટી પણ જાય છે, ગ્રાફિક્સમાંથી સમજો.

ટ્રિટમેન્ટ લેનાર લોકોમાં 70 ટકા મહિલાઓ છે
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જન ડૉ. લલિત ચૌધરીએ જણાવ્યું હતું કે, કેમીકલ પીલ, લેસર જેવી ટ્રિટમેન્ટ એજિંગના પહેલા તબક્કે આપવામાં આવે છે. વાત કરતી વખતે જ્યારે ચહેરાના હાવભાવ અને ચહેરાની રેખાઓ વધુ દેખાવા લાગે છે ત્યારે તેના માટે ‘બોટૉક્સ’ ટ્રીટમેન્ટ લેવામાં આવે છે. જ્યારે વધુ કરચલીઓ હોય ત્યારે સ્કિન લિફ્ટિંગ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો 'થ્રેડ લિફ્ટ' જેવી નોન-સર્જિકલ સારવાર કરાવે છે, જેને ટાળવી જોઈએ. તેમની અસર લાંબા સમય સુધી રહેતી નથી. તેની આડઅસર પણ થાય છે. તેનાથી ચહેરા પર ડાઘ પડી શકે છે અને ચહેરો પણ ખરાબ થઈ શકે છે. એક સારો સ્કિન સ્પેશિયાલિસ્ટ ક્યારેય તેની ભલામણ કરતો નથી.

સ્ત્રી-પુરુષ બંને એન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ માટે આવે છે, પરંતુ તેમાં 70 ટકા મહિલાઓ છે. આ સારવાર માટે દરરોજ ઓછામાં ઓછા 5 લોકો પહોંચે છે. જો કે, સુંદર દેખાવા માટે કરચલીઓ છુપાવવી એ કોઈ નવી વાત નથી. મહિલાઓ સદીઓથી આવું કરતી આવી છે. ત્યારે તેની પદ્ધતિઓ જુદી-જુદી હતી. ચાલો ઇતિહાસના પાનાને પાછા ફેરવીએ અને તમને ઇજિપ્ત લઈ જઈએ પરંતુ, તે પહેલાં કયા લોકોએ બોટૉક્સ સારવાર ટાળવી જોઈએ તે જાણીએ.

એન્ટિ-એજિંગ માટે ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી, પરંતુ બોટૉક્સની શોધ પાછળ કોઈ બ્યુટી ટ્રિટમેન્ટનો ખ્યાલ નહોતો. આ વિશે અમે તમને આગળ જણાવીશું, પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે, બોલિવૂડની કઈ અભિનેત્રીઓ બોટૉક્સ ટ્રીટમેન્ટને લઈને ચર્ચામાં છે.

વર્ષ 1800માં બોટુલિનમ ટૉક્સિન શોધાયું હતું
જર્મન ડૉક્ટર જસ્ટિનસ કેર્નરે વર્ષ 1800માં બોટ્યુલિનમ ટૉક્સિન શોધી કાઢ્યું હતું. ખરેખર, જર્મનીમાં ઘણા લોકોએ ઓછા રાંધેલા માંસ (બ્લડ સોસેજ) ખાવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડૉ. જસ્ટિનસ કેનર આ કેસનો અભ્યાસ કરી રહ્યા હતા. જ્યારે તેને બેક્ટેરિયા બોટુલિનમ ટૉક્સિન મળ્યું, જેને ન્યુરોટોસિન તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તેણે માઇક્રોસ્કોપમાં તેનો અભ્યાસ કરવાને બદલે પોતાની જાતને ઈન્જેક્શન આપ્યું. તેની અસર તેના પર પડી પરંતુ, તે સમજી ગયો કે આ ટૉક્સિનનો ઉપયોગ સારવાર માટે પણ થઈ શકે છે.

આ બેક્ટેરિયા પર સતત સંશોધન ચાલુ રહ્યું. ત્યારબાદ વર્ષ 1978માં અમેરિકન વૈજ્ઞાનિક ડૉ.એલન બી સ્કોટને બોટૉક્સને ઓછી માત્રામાં માણસોમાં ઇન્જેક્ટ કરવાની મંજૂરી મળી ગઈ. પછી તે આ બેક્ટેરિયાનો ઉપયોગ એન્ટી-એજિંગ માટે કરતા હતા. વર્ષ 1991માં ફાર્મા કંપની Allerganને આ ન્યૂરોટોસિનના રાઈટ્સ ખરીદી લીધા હતા અને તેનું નામ બોટૉક્સ રાખ્યું હતું.

વિશ્વમાં બોટૉક્સની લોકપ્રિયતા વધી રહી છે
વર્ષ 2011ના એક અભ્યાસ મુજબ બોટૉક્સ ઇન્જેક્શન સુરક્ષિત છે. તેનો સતત ડોઝ લેવાથી કપાળ પરની કરચલીઓ લાંબા સમય સુધી ગાયબ રહે છે. આ અધ્યયનમાં 30 થી 50 વર્ષની વયની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને કપાળ પર બોટુલિનમ ટૉક્સિનનો ઓછો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સારવાર સતત 2 વર્ષ સુધી આપવામાં આવી હતી. છેલ્લા ડોઝ પર, તે જોવામાં આવ્યું હતું કે બોટૉક્સે તેની કરચલીઓમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.

અમેરિકન સોસાયટી ઓફ પ્લાસ્ટિક સર્જન્સના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં અમેરિકામાં 40 લાખથી વધુ મહિલાઓએ આ સારવાર લીધી હતી. યુકેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ સારવાર પર પ્રતિબંધ છે. ભારતમાં પણ આ ટ્રીટમેન્ટ 18 વર્ષ બાદ જ આપવામાં આવે છે.

બોટૉક્સ ઈન્જેક્શનની અસર 6 મહિના સુધી રહે છે
બોટૉક્સ એક મોંઘી સારવાર છે, જેની અસર 6 મહિના સુધી રહે છે. રિપીટ ડોઝ ન લો ત્યારે કરચલીઓ પાછી આવવા લાગે છે. ડૉ. વિનયસિંહ કહે છે કે, આ સારવાર દરેક પ્રકારની ત્વચાને અનુકૂળ આવે છે, પરંતુ જો કોઈને વાઇરલ ઇન્ફેક્શન કે ન્યુરોલોજીકલ કે બ્લીડિંગ ડિસઓર્ડર હોય તો બોટૉક્સ ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી. ડાયાબીટીસ કે હાઈ બ્લડ પ્રેશરમાં તેમને કંટ્રોલમાં રાખ્યા બાદ જ સારવાર આપવામાં આવે છે.

આ ગ્રાફિક્સ પરથી જાણો બ્યુટી ટ્રીટમેન્ટ બાદ શું-શું સાવચેતી રાખવી પડે છે?

સ્કિનને યંગ રાખવા માટેની આ રીતો પણ છે
સ્કિનની કરચલીઓ દૂર કરવા અને યુવાન દેખાવા માટે નોન-સર્જિકલ કોસ્મેટિક ટ્રીટમેન્ટ પણ બજારમાં ઉપલબ્ધ છે.

રિસરફેસિંગ ટેક્નિક: આમાં કેમિકલ્સ કે લેસર દ્વારા ક્ષતિગ્રસ્ત સ્કિનના પડને સાફ કરવામાં આવે છે. આ તકનીકમાં 3 પદ્ધતિઓનો સમાવેશ થાય છે.

1- કેમિકલ પીલ:
આમાં ચહેરાની ડેડ સ્કિનને દૂર કરવામાં આવે છે, જેમાં 3 પ્રકારની પીલિંગ હોય છે - સુપર ફેશિયલ, મીડિયમ અને ડીપ પીલ. સુપર ફેશિયલમાં ત્વચાના ઉપરના સ્તર (એપિડર્મિસ) અને ત્વચાના મધ્યમ સ્તર (ડર્મિસ)ના સ્કિન સેલ્સને દૂર કરવામાં આવે છે. સુપર ફેશિયલની અસર 2 થી 3 અઠવાડિયા સુધી રહે છે, જ્યારે મીડિયમ કેમિકલ પીલિંગની અસર 6 અઠવાડિયા સુધી રહે છે.

ડીપ પીલમાં ચહેરાનો રંગ ઘાટો કે આછો હોઈ શકે છે. તે પછી તમારે તડકામાં બહાર ન નીકળવું જોઈએ. ચહેરા પર સોજો આવી શકે છે અને ઇન્ફેક્શન પણ ફેલાઇ શકે છે. ડીપ પીલ ક્લિનિંગ કાર્બોલિક એસિડ એટલે કે ફિનાઈલનો ઉપયોગ કરે છે, જે હાર્ટ, કિડની અને લીવર પર ખરાબ અસર કરી શકે છે. તેમાં ગ્લાયકોલિક એસિડ, ટ્રાઇક્લોરોએસિનિક એસિડ, સેલિસિલિક એસિડ, લેક્ટિક એસિડ અને કાર્બનિક એસિડ સ્કિન પર લગાવવામાં આવે છે.

2- માઇક્રોડર્મેબ્રેશન:
આમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા સોડિયમ બાયકાર્બોનેટનો છંટકાવ કરીને સ્કિનના બાહ્ય પડને દૂર કરવામાં આવે છે. જે પછી તડકામાં બહાર જવાની કે ટેનિંગ ક્રીમનો ઉપયોગ કરવાની મનાઈ છે.

3- લેસર રિસરફેસિંગ:
આમાં લોકલ એનેસ્થેસિયા આપીને સ્કિનના ઉપરના ભાગમાંથી લેઝર વડે કરચલીઓ દૂર કરવામાં આવે છે. વિટામિન્સ, ખનિજો સહિત ઘણા સપ્લિમેન્ટ્સ આ પ્રોસેસના 4 અઠવાડિયા પહેલા આપવામાં આવે છે.

ઈન્જેક્શન: તેમાં બોટૉક્સ સારવાર ઉપરાંત કોલેજન સ્ટિમ્યુલેટર્સનો પણ સમાવેશ થાય છે. આમાં ચહેરા પર પોલી એલ લેક્ટિક એસિડ લગાવવામાં આવે છે. આ કેમિકલ બાદ કોલેજન બનવા લાગે છે, જે કરચલીઓ દૂર કરે છે.

સર્જરી: આમાં ઓપરેશન દ્વારા ચહેરામાં ફેરફાર કરવામાં આવે છે. બે પ્રકારની સર્જરી હોય છે.

1- લિપોસક્શન: આમાં ગાલ પરથી ચરબીના કોષો દૂર થાય છે. તે 30 મિનિટથી 1 કલાકનો સમય લે છે. 3થી 4 અઠવાડિયા પછી ચહેરો પાતળો અને યુવાન દેખાવા લાગે છે.

2- ફેસ લિફ્ટઃ ગાલ, જડબાની રેખાઓ અને ગળાના ભાગને ઠીક કરે છે, જેનાથી ત્વચા ઢીલી પડે છે. વધારાની ત્વચા દૂર થાય છે. તેમાં 4 કલાકનો સમય લાગે છે. ડૉકટરો કહે છે કે, આ શસ્ત્રક્રિયા પછી ૩ અઠવાડિયાનો બેડ રેસ્ટ જરુરી છે.

વેમ્પાયર ફેશિયલઃ વેમ્પાયર ફેશિયલને PRP એટલે કે ‘પ્લેટલેટ્સ રિચ પ્લાઝ્મા ફેશિયલ’ પણ કહેવામાં આવે છે. આવામાં ગ્રાહકનું લોહી કાઢીને પ્લેટલેટ્સને અલગ કરવામાં આવે છે. પ્લેટલેટ્સમાં કેટલાક પોષક તત્વોને મિક્સ કરી દો અને તેમને ચહેરા પર પાછા ઇન્જેક્ટ કરો. આ ઉપચાર કોલેજન બનાવે છે અને ચહેરા પર તાજગી લાવે છે.

લિફ્ટ ટ્રીટમેન્ટ બાદ ફેશિયલ ન કરાવવું જોઈએ
ડૉક્ટર લલિત ચૌધરીના જણાવ્યા અનુસાર લિફ્ટ ટ્રીટમેન્ટ બાદ ફેશિયલ ન કરવું જોઈએ. જો ફેશિયલ કરાવવું હોય તો નીચેથી ઉપર સુધી હળવા હાથે કરવું જોઈએ. તેનાથી સ્કિનનું લિગામેન્ટ લુઝ થઈ જાય છે. જેટલી પણ લિફ્ટ સર્જરી થાય છે, તે 10 વર્ષ સુધી ચાલે છે. આ થેરાપી બાદ સ્મોકિંગ અને ડ્રિન્કિંગ પર પ્રતિબંધ છે.

આગળ અમે તમને વિશ્વના કેટલાક શક્તિશાળી નેતાઓ વિશે જણાવીશું કે, જે યુવાન દેખાવા માટે બોટૉક્સની સારવાર લે છે પરંતુ તે પહેલાં, ગ્રાફિકથી ઉંમરને રોકવાની સરળ રીતો જાણો​​​​​​​

રશિયાના રાષ્ટ્રપતિ પણ બોટૉક્સનો આશરો લે છે?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ યુવાન દેખાવા માટે બોટૉક્સ કરાવે છે. બ્રિટેનના જાણીતા ન્યુઝપેપર ‘ધ ગાર્ડિયન’ના અહેવાલ મુજબ, ઓક્ટોબર 2011માં યુક્રેનમાં કિવની મુલાકાત બાદ પુતિને બોટૉક્સની સારવાર શરૂ કરી હતી. તે સમયે તે રશિયાના વડાપ્રધાન હતા. તે દરમિયાન તેની આંખોની આસપાસ વાદળી રંગના નિશાન જોવા મળ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે, આ બોટૉક્સ ઇન્જેક્શનની અસર છે. આના પર તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ અને લિબિયાના મોહમ્મદ ગદ્દાફી વિશે પણ આવું જ કહેવામાં આવે છે.

આહારમાં પુષ્કળ પાણી અને વિટામિન સી-સમૃદ્ધ ફળોનો સમાવેશ કરો
ડાયટિશન કામિની સિન્હાના જણાવ્યા અનુસાર, ઉંમર વધતી રોકવા માટે શુદ્ધ દેશી ઉપચાર કરવો જોઈએ. વધુ પાણી પીવો જેથી ત્વચા શુષ્ક ન થાય. આ ઉપરાંત તરબૂચ અને કાકડી જેવા પાણીવાળા ફળો પણ લો. વિટામિન-A, C, K સહિતના એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મોવાળા ફળો અને શાકભાજી ખાઓ. પપૈયું અને નારંગી વિટામિન-Cનો સારો સ્રોત છે. બ્લુબેરીમાં વિટામિન-A અને C હોય છે. તેમાં એન્થોસાયનીન નામની પ્રોપર્ટી છે, જે ત્વચાના કોલેજનને યોગ્ય લેવલ પર રાખે છે. પાલકથી ત્વચામાં ફોલ્લીઓ થતી નથી. ડ્રાયફ્રૂટ ત્વચાના સેલ મેમ્બ્રેનને સુધારે છે અને સૂર્યને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે. દાડમમાં વિટામિન-K હોય છે. તળેલા ખોરાક અને પ્રિઝર્વેટિવ ખોરાકને ટાળવો જોઈએ.