ટૂથપિકનો ઉપયોગ કરતા હો તો સાવધાન...:આ આદતથી તમને નુકસાન થઇ શકે છે, દાંતમાં ગેપ, જડબામાં નુકસાન અને પેઢામાં લોહીની સમસ્યા થઇ શકે

19 દિવસ પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

આપણી આજુબાજુ ઘણા લોકો એવા હોય છે જેને જમ્યા બાદ ટૂથપિક નાખવાની કે દાંત ખોતરવાની આદત હોય છે. તમારી આ નાની આદત દાંત અને પેઢા માટે સમસ્યા બની શકે છે અને અનેક રીતે નુકસાન કરે છે. ઓર્થોડોન્ટિસ્ટ ડૉ. ઝફર ખાન જણાવે છે કે, ટૂથપિક વડે દાંત ખોતરવાની આદતથી દાંત અને પેઢાને શું નુકસાન થઈ શકે છે?

દાંત નબળા પડી જાય છે
ટૂથપિક નાખવાની કે માચિસની સળીથી દાંત ખોતરીને ચાવતા હોય છે. જેના કારણે દાંતમાં પોલાણ થાય છે, પેઢાને નુકસાન થાય છે ને દાંત નબળા પડી જાય છે.

દાંતની વચ્ચે જગ્યા પણ થઇ શકે છે
ટૂથપિકથી જે લોકો દાંત સાફ કરે છે, તે લોકોનાં દાંતની વચ્ચે જગ્યા થઇ શકે છે, જે દેખાવમાં પણ ખરાબ લાગે છે. આ સાથે જ ખોરાક પણ ફસાઇ જવાથી સડાની પણ સમસ્યા થઇ શકે છે.

દાંતના પેઢા માટે નુકસાનકારક
વારંવાર ટૂથપિકના ઉપયોગથી દાંતના પેઢા નબળા થઇ જાય છે. ઘણીવાર દાંત સાફ કરતા સમયે ટૂથપિક તૂટી જાય છે અને ટૂથપિકનો ટુકડો દાંતમાં ફસાઇ જાય છે, જેના કારણે નુકસાન થાય છે.

પેઢામાંથી લોહી નીકળવું
ટૂથપિક નાખવાથી કે માચિસની સળીથી દાંત ખોતરવાને કારણે પેઢામાં ઇજા થાય છે. જેના કારણે પેઢામાંથી લોહી નીકળે છે.

ટૂથપિક થી દાંતને નુકસાન થાય છે
ટૂથપિક થી દાંતને નુકસાન થાય છે

આદતને છોડવા માટે આ ઉપાય કરો

  • જે લોકોને ટૂથપિક વડે દાંત ખોતરવાની આદત હોય છે તેમાંથી ધીમે ધીમે છૂટકારો મેળવવા માટે, જમ્યા બાદ દર વખતે કોગળા કરવાની ટેવ પાડવી જોઇએ. જો તમે કોગળા માટે મીઠું સાથે નવશેકું પાણીનો ઉપયોગ કરો છો તો દાંત માટે વધુ સારું રહેશે.
  • ટૂથપિક વડે દાંત ખોતરવાની આદત છોડી દેવી જોઇએ. આમ છતાં ન છૂટે તો સળીને બદલે લીમડાની સળીનો ઉપયોગ કરવો જોઇએ.
  • યાદ રાખો, હંમેશાં જમ્યા બાદ બ્રશ કરવું જોઇએ, જેના કારણે દાંત સાફ થઇ જશે અને દાંતમાં ખોરાકના કણો પણ નહી રહે. બ્રશ કર્યા બાદ તમને ટૂથપિકનો ઉપયોગ કરવાની પણ જરૂર નહી રહે.

તમારા દાંતની બીમારીને નજરઅંદાજ ન કરો

નિયમિત ચેકઅપ કરાવો
દાંતની દેખભાળ માટે દાંતનું નિયમિત ચેકઅપ કરાવવું જરૂરી છે. દાંતમાં દુખાવો, સડો, સેન્સિટિવિટી થવાની રાહ ન જુઓ. વર્ષમાં એકવાર ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવો. જેથી દાંતમાં થતી મુશ્કેલીને અગાઉથી જ રોકી શકો છો.

દાંતની બીમારીને નજર અંદાજ ન કરો
આપણને કોઈ પણ સમસ્યામાં થોડો આરામ મળતાં જ ભૂલી જઇએ છીએ, પરંતુ એ દાંત માટે જોખમી સાબિત થઇ શકે છે. સારવાર ગમે તે હોય, જો ડોક્ટરે રિ-ચેકઅપ માટે કહ્યું હોય, તો ચોક્કસપણે ચેકઅપ કરાવવું જોઇએ. ખાસ કરીને રુટ કેનાલ, દાંત કાઢવા, પેઢાની સર્જરી જેવી પરિસ્થિતિઓમાં, ઘાને મટાડવામાં અને સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થવામાં સમય લાગે છે, તેથી નિયમિતપણે ફોલોઅપ કરાવવું જોઇએ.

ડોક્ટરની સલાહ વગર દવા ન લેવી જોઇએ
ડોક્ટરની સલાહ વગર કોઇ પણ દવા લેવાથી નુકસાન થઇ શકે છે. જ્યારે પણ તમને દાંત, મોં કે શરીરના કોઈપણ ભાગમાં કોઈ સમસ્યા જણાય તો તુરંત જ ડૉક્ટર પાસે જાવ, તમારી જાતે જ ઈલાજ શરૂ ન કરો.

ડોક્ટરને જે સમસ્યા હોય તે જણાવો
ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતાં પહેલાં ડેન્ટિસ્ટને જણાવો કે ભૂતકાળમાં કયા રોગોની સારવાર કરવામાં આવી છે. આ સિવાય જો તમે દાંતની કે કોઇ અન્ય દવા લઈ રહ્યા છો અથવા લાંબા સમયથી ખાઈ રહ્યા છો તો તેના વિશે પણ જણાવો .જો તમને કોઈપણ દવાથી એલર્જી હોય તો તમારા ડેન્ટિસ્ટને માહિતગાર કરો. દાંત પણ શરીરનો એક ભાગ છે, તેથી શરીરના બાકીના ભાગો વિશે આપવામાં આવેલી માહિતી ફાયદાકારક બની શકે છે.

દર 3-4 મહિને બ્રશ બદલી નાખો
લોકોને દાંત સાફ કરવામાં બહુ ઓછો સમય લાગે છે. કેટલાક લોકોને દિવસમાં બે વાર દાંત સાફ કરવામાં પણ તકલીફ પડે છે. દાંતને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે તેમને 2થી 3 વાર નિયમ પ્રમાણે સાફ કરવામાં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, વધુ વખત અને ઝડપથી દાંત સાફ કરવાથી દાંતનું ઉપરનું પડ નબળું પડી જાય છે. દાંત સાફ કરવાની સાચી રીત જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સોફ્ટ બ્રશ વડે દાંતની ઉપર અને અંદરની બંને બાજુ સાફ કરો. મોંના દરેક ખૂણા સુધી પહોંચવાનો પ્રયાસ કરો 3-4 મહિને બ્રશને અચૂક બદલો.

જંકફૂડ ન ખાઓ
બજારમાં ઘણી એવી પ્રોડક્ટ્સ હોય છે જે દાંતને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે ઠંડાં પીણાં પીવાં દાંત માટે નુકસાનકારક સાબિત થાય છે. ગરમ કે ઠંડું કંઈપણ ખાધા પછી દાંતમાં કળતર થાય છે. કેન્ડી, ચિપ્સ, ક્રીમ બિસ્કિટ જેવી મીઠી અને ચીકણી વસ્તુઓ ખાવાથી દાંતમાં સડો થાય છે .આ વસ્તુઓ ઓછી ખાવી જોઈએ. જો બાળકો જીદ કરે તો અઠવાડિયામાં એક દિવસ આ વસ્તુઓ આપી શકે છે. જ્યારે પણ બાળકોને આ વસ્તુ આપો છો ત્યાર બાદ દાંત સાફ કરવાનું ભૂલશો નહીં.

લીલાં શાકભાજી અને ફળ ખાઓ
લીલાં શાકભાજી અને ફળ શરીરની સાથે-સાથે દાંત માટે પણ બહુ જરૂરી છે. જે ખાવાથી જરૂરી વિટામિન મળે છે. વિટામિન સી અને વિટામિન ડી બંને દાંત માટે ફાયદાકારક છે. વિટામિન સી પેઢાં માટે જરૂરી છે. તો વિટામિન ડી હાડકાં અને દાંત માટે જરૂરી છે.

ખરાબ આદતો
ઘણા લોકોને આદત હોય છે કે, આખો દિવસ મોઢામાં પેન, પેન્સિલ કે પછી પીન ચાવતા હોય છે, જેનાથી દાંત પર દબાણ આવે છે ને પેઢા પર ખરાબ અસર થાય છે. જો તમને રાત્રે દાંત કચડવાની આદત હોય તો તમે ડેન્ટિસ્ટની સલાહ પર રાત્રે પહેરવામાં આવતા માઉથગાર્ડનો ઉપયોગ કરી શકો છો.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.