હેલ્થ ટિપ્સ:પિઝા બોક્સથી લઈને લિપસ્ટિકમાં આ ખતરનાક કેમિકલનો ઉપયોગ થઇ રહ્યો છે, અનેક બીમારીઓની શક્યતા

2 મહિનો પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

આપણે ખાવા-પીવામાં હાઈજીનનું સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ. પરંતુ જાણ્યે-અજાણ્યે આપણે એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જેની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આજના દિવસે બધી જ વસ્તુમાં કેમિકલ હોય છે, જે આપણી જિંદગી તો આસાન બનાવી રહી છે પરંતુ ઘણી બીમારીઓ ઘર કરી જાય છે. આવું જ એક કેમિકલ છે PFAS (per-and polyfluoroalkyl substances).

શું હોય છે PFAS?
દિલ્લી યુનિવર્સિટીના રામજસ કોલેજમાં કેમેસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર હેમંત ગંગવારએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, PFAS એટલે કે પર એન્ડ પોલીફલૂરોકાઈલ એક કેમિકલ છે. જેમાં કાર્બન અને ફ્લોરીન હોય છે. જે જલ્દીથી તૂટતું નથી. આ કારણે જ આ કેમિકલ પર્યાવરણમાં મિક્સ નથી થતું.

ભારતમાં PFASનો સૌથી વધુ ઉપયોગ ટેક્સટાઇલ અને કોસ્મેટિક્સ ઈન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવી રહ્યો છે. ઘણા દેશોમાં પ્રતિબંધ હોવા છતાં ભારતમાં તેનો બેફામ ઉપયોગ ઘણી વસ્તુઓ બનાવવામાં થઈ રહ્યો છે. આ કેમિકલ પુરુષો કરતાં સ્ત્રીઓ માટે વધુ નુકસાનકારક છે. આ કેમિકલની અસર પ્રજનન ક્ષમતા અને લીવર પર પડે છે. આ સાથે જ થાયરોઈડની સમસ્યા પણ થઈ શકે છે.

ખાવા-પીવા અને ત્વચા દ્વારા શરીરમાં પ્રવેશ કરે
PFAS સ્ટેન ફ્રી અને વોટર પ્રૂફ છે. ચીને આ કેમિકલ 1980માં બનાવવાનું શરૂ કર્યું હતું. તે માણસનાં લોહીમાં ખોરાક સાથે ભળી શકાય છે. આ કેમિકલ ત્વચા દ્વારા પણ શરીરમાં પ્રવેશી શકે છે.

પીરિયડસના અન્ડરવેર પ્રાઈવેટ પાર્ટને અસર કરી શકે
પીરિયડ અન્ડરવેર ભારતમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. તે મેન્સ્ટ્રુઅલ કપ અથવા પેડની જેમ કામ કરે છે. તેમને પહેરવાથી જરાય ભીનું નથી લાગતું. તે જ સમયે જે મહિલાઓને વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા વધુ હોય છે અથવા પેશાબની સમસ્યા હોય છે, તેમના માટે આ અન્ડરવેર ફાયદાકારક છે. પરંતુ તેને લીકેજ ફ્રી બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રાઈવેટ પાર્ટ માટે હાનિકારક સાબિત થાય છે. PFASથી મહિલાની પ્રજનન ક્ષમતાને ઘટાડી શકે છે.

ખતરનાક કેમિકલનો કોસ્મેટિકમાં પણ ઉપયોગ
દરેક છોકરી સુંદર દેખાવા માટે કોસ્મેટિકસનો ઉપયોગ કરે છે. PFAS જેવા ખતરનાક કેમિકલનો લોશન, લિપસ્ટિક, નેઈલ પોલિશ, ફાઉન્ડેશન, આઈ શેડો અને મસ્કરામાં ઉપયોગ કરવામાં આવે છે. કોસ્મેટિક્સ લાંબા સમય સુધી ચાલી શકે તે માટે PFASનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકન કેમિકલ સોસાયટીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે યુએસએ અને કેનેડામાં 200થી વધુ દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં PFASનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શરીરમાં ઝેર ખોરાક સાથે ઓગળી જાય છે
PFASનો ઉપયોગ નોન-સ્ટીક વાસણો બનાવવા માટે પણ થાય છે. ઘણા અભ્યાસોમાં કહેવામાં આવ્યું છે કે, નોનસ્ટિક વાસણોમાં ખોરાક ન બનાવવો જોઈએ. પરંતુ આ સિવાય પણ આ ઝેરી કેમિકલ આપણા શરીરમાં ઘણી રીતે જઈ રહ્યા છે. PFASનો ઉપયોગ સેન્ડવીચ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ, પિઝા જેવી ખાદ્ય ચીજોના પેકિંગ કવરમાં થાય છે. એ જ રીતે તેનો ઉપયોગ માઈક્રોવેવ પોપકોર્ન બેગમાં થાય છે. આ સ્થિતિમાં તે અજાણતા તમારા શરીરમાં ઓગળી જાય છે. વર્ષ 2015માં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંકશનના એક સંશોધનમાં 97% અમેરિકન લોકોના લોહીમાં આ કેમિકલ જોવા મળ્યું હતું.

ડેન્ટલ ફ્લોસમાં કરવામાં આવે છે ઉપયોગ
બ્રશ કરવાની સાથે આપણે દાંત સાફ કરવા માટે ડેન્ટલ ફ્લોસનો પણ ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેમાં પણ આ કેમિકલ મળી આવ્યું છે. જોકે, આ પ્રોડક્ટ બનાવતી ઘણી કંપનીઓએ આ હકીકતને ફગાવી દીધી છે. પરંતુ જર્નલ ઓફ એપોસ્ટ્રોફ સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.