ડૉક્ટર્સ ડે સ્પેશિયલ / કોરોના સામે જંગ લડતાં લડતાં સંક્રમિત થયા અને જીત્યા આ જાંબાઝ ડૉક્ટરો

These valiant doctors became infected while fighting against Corona and won
X
These valiant doctors became infected while fighting against Corona and won

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 08:16 AM IST

આજે નેશનલ ડૉક્ટર્સ ડે છે. આ નિમિત્તે અમે PPE કિટ પહેરીને કોરોના સામેનો જંગ લડી રહેલા કેટલાક એવા ડૉક્ટરો સાથે વાત કરી, જેઓ ખુદ આ વાઈરસથી સંક્રમિત થયા અને જેમણે સફળતાપૂર્વક તેને માત આપી. આ તબીબો કોરોના સામેની લડાઈના તબીબ અને દર્દી બંને તરફના રસપ્રદ અનુભવો ‘દિવ્ય ભાસ્કર’ સાથે શૅર કરે છે. ‘દિવ્ય ભાસ્કર’ માટે આ ડૉક્ટરો સાથે વાત કરી પ્રિયંકા પંચાલ, ઈશિતા શાહ, ફોરમ પટેલ અને મેઘા કાપડિયાએ.

દવા નહોતી એટલે દર્દીઓને સાંત્વનાના ડોઝ આપતાઃ ડૉ. વિવેક પટેલ

ડૉ. વિવેક પટેલ

26 વર્ષીય યંગ ડોક્ટર અને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ઊભી કરેલી 1200 બેડની કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. વિવેક પટેલને પણ કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. પોતાના આ અનુભવ વિશે ‘દિવ્યભાસ્કર’ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ‘મારા ડોક્ટર તરીકેની કરિયરમાં કોવિડ-19ની બીમારી એકદમ નવી અને પડકારજનક હતી. મેડિકલ સ્ટડીમાં દરેક રોગ અને તેની સારવાર અંગે ભણ્યા અને ડોક્ટર બન્યા બાદ તે જ્ઞાનનો ઉપયોગ દર્દીઓની સારવારમાં કર્યો. પરંતુ કોવિડ-19ની કોઈ દવા ના હોવાથી દર્દીઓને અમે દવા સાથે સાંત્વનાના ડોઝ આપતા. જે એક ડોક્ટર તરીકે મારા માટે નવો અને પડકારજનક અનુભવ હતો. શારીરિક રીતે મજબૂત હોવાની સાથે દર્દીએ કોરોના સામેની જંગ જીવતા માટે મેન્ટલી પણ સ્ટ્રોંગ હોવું જરૂરી હોવાથી અમે દર્દીને સતત મોટિવેટ કરતા રહેતા હતા. એ સમયે દર્દી જ અમારી પ્રાથમિકતા હતા. આ વસ્તુ જ કદાચ આજ માસ્ટર મેડિસિન બની અને ઘણા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા. એકાદ મહિના સુધી દર્દીઓની સેવા કર્યા બાદ મને પણ કોરોનાનો ચેપ લાગ્યો અને મારે પણ સારવાર લેવી પડી. ચોક્કસ તકેદારી, રેગ્યુલર ઈમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટઅપ થાય તેવી વસ્તુઓનો ડેઈલી લાઈફમાં સમાવેશ કરીને હું પણ કોરોના સામેની જંગ જીત્યો. મારાં પત્ની જે પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં ડોક્ટર છે તે પણ કોરોના સંક્રમિત થતાં અમે બંનેએ એકબીજાથી અલગ રહીને સારવાર લીધી. બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ અમે ઘરે પણ અલગ-અલગ રૂમમાં રહીને કોરોનાની ગાઇડ લાઈન્સને લક્ષ્મણરેખા સમજી ક્યારેય ક્રોસ ના કરી. જ્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ ના કરીએ ત્યાં સુધી તે વસ્તુ આપણે ફીલ નથી કરી શકતા. એક ડોક્ટર તરીકે  કોવિડ-19ના દર્દીઓની સારવાર દરમિયાન તેમની શારીરિક પીડા જ્યારે હું પોતે કોરોના પોઝિટિવ થયો, ત્યારે દર્દી અને તેના પરિવાર પર શું વીતે છે તે હું કોરોના પોઝિટિવ થઈને શીખ્યો. આજે હું હોસ્પિટલમાં દર્દીને પરિવારનો સભ્ય જ સમજી સારવાર કરી રહ્યો છું’.

ડૉ. પ્રશાંત મુકદમે ડાયાબિટીસ, BP અને બાયપાસ સર્જરી પછીયે કોરોનાને માત આપી

ડૉ. પ્રશાંત મુકદમ

અમદાવાદની એલ.જી. હોસ્પિટલના એમ.એસ. ફિઝિશિયન 57 વર્ષના ડૉ. પ્રશાંત મુકદમ પ્રોફેસર ઓફ સર્જરી જર્નલ અને લેપ્રોસ્કોપી સર્જન છે. તેમણે ‘દિવ્ય ભાસ્કર’ સાથે પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું કે, ‘21 મેના રોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સૌથી ખાસ વાત એ હતી કે મને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારી હતી અને અગાઉ બાયપાસ સર્જરી પણ કરાવી હતી.’ તેમ છતાં ડૉ. પ્રશાંત મજબૂત મનોબળ સાથે કોરોનાની સામે લડ્યા અને કોરોનાને માત આપી. તેમને કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન કે વેન્ટિલેટરની પણ જરૂર નહોતી પડી. સામાન્ય રીતે જ્યારે 50 વર્ષથી વધુ ઉંમરની અને કોમોર્બિડિટી ધરાવતી વ્યક્તિને કોરોના થાય ત્યારે તેને વેન્ટિલેટર કે ઓક્સિજનની જરૂર પડતી હોય છે, પરંતુ ડોક્ટર પ્રશાંત કહે છે કે મને એની કોઈ જરૂર નહોતી પડી. તેમણે કહ્યું કે, ‘50 વર્ષથી ઉપરના લોકો યોગ અને પ્રાણાયમ કરે તો તેમને કોરોનાની અસર ઓછી થાય છે. શરૂઆતમાં જ્યારે કોરોના અમદાવાદમાં ફેલાયો હતો ત્યારે તેમણે એક દર્દીનું ઓપરેશન કર્યું હતું અને તેને રજા આપી એના ચાર દિવસ બાદ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ દરમિયાન અમારા સ્ટાફના 14 ડોક્ટરોમાંથી 4 ડોક્ટરોનો કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમના સંપર્કમાં આવેલા બીજા 10 ડોક્ટરોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, ત્યારે હું એકલો 21 દિવસ સુધી ડ્યૂટી પર રહ્યો હતો. તેઓ એકલા હાથે  એલજી હોસ્પિટલમાં 24 કલાક ખડેપગે રહીને દર્દીઓની સારવાર કરી હતી.’ વેલ, અત્યારે તો તેઓ સાજા થઈને ફરીથી ફરી પાછા કોરોના દર્દીઓની સારવારમાં લાગી ગયા છે. બાય ધ વે, ગૂગલની સ્કોલર એપમાં ડૉ. પ્રશાંત મુકદમના નામનાં 12 રિસર્ચ પેપર પણ છે, જે રસ ધરાવતા લોકો સર્ચ કરીને વાંચી શકે છે.

ડૉ. અમરિષ પટેલઃ મારા કોરોના પોઝિટિવ ડૉક્ટર મિત્રે પોતાનો ઓક્સિજન માસ્ક હટાવીને કહ્યું, ‘ડોન્ટ વરી, તને કંઈ નહીં થાય’

ડૉ. અમરિષ પટેલ

કોરોનાને માત આપનારા કોરોના વોરિયર્સમાં અમદાવાદના 40 વર્ષીય ડૉ. અમરિષ પટેલ પણ સામેલ છે. તેઓ સ્પર્શ ચેસ્ટ ડિસીઝ સેન્ટર અને સ્ટર્લિગ હોસ્પિટલમાં કન્સલટન્ટ પલ્મોનોલોજિસ્ટ અને ક્રટિકલ કેર સ્પેશલિસ્ટ તરીકે સર્વિસ આપે છે. તેઓ કહે છે, ‘મારી ડ્યુટી સ્ટર્લિંગના કોવિડ સેન્ટરમાં હતી. કોરોના કેવી રીતે આવ્યો તેને ટ્રેક નથી કરી શક્યો પણ હા મને 11 જૂનથી કોરોના લક્ષણો દેખાયા હતા. તરત જ અગમચેતીના ભાગ રૂપે હું જ્યાં સર્વિસ આપું છું, તે જ હોસ્પિટલના રૂમમાં 16 જૂનથી આઈસોલેટ થયો હતો. તે સમયગાળામાં જ મને જાણ થઈ કે હું પણ કોરોના પોઝિટિવ છું. મને હળવાં લક્ષણો જ હોવાથી એઝિથ્રોમાઇસિન, હાઈડ્રોક્સીક્લોરોક્વીન, મલ્ટિવિટામિનથી સામાન્ય સારવાર અપાઈ અને 21 જૂને હોસ્પિટલમાંથી રજા અપાઈ.’

ડો. અમરિષના મનમાં કેવી જંગ ચાલતી હતી તે જણાવતાં તેઓ કહે છે કે, કોવિડ સેન્ટરમાં અનેક દર્દીઓને ICUમાં સારવાર આપીને તેમની હાલત રૂબરુ જોયા પછી, જો જરાક હૃદયના ધબકારા અને ઓક્સિજન લેવલમાં ફેરફાર આવે તોય મનમાં થોડો ડર રહેતો. પરંતુ સારાં કર્મોને લીધે ન તો મને ઓક્સિજનની જરૂર પડી કે ન તો ICUની. હું મારા પેથોલોજિસ્ટ ડોક્ટર મિત્રની સારવાર કરતો હતો. તેમનો રૂમ મારી બાજુના જ રૂમમાં જ હતો. તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. મને જોઈ મારા મિત્રને બહુ મોટો આંચકો લાગ્યો હતો. પોતાને ઓક્સિજન ચડી રહ્યો હોવા છતાં પણ તેને મને કહ્યું કે ટેન્શન ના લે અમરિષ તું સાજો થઈ જઈશ! આ મોટિવેશને મને મનથી કોરોના સામે લડવામાં ખૂબ મદદ કરી. ડો. અમરિષ થોડાક દિવસ ઘરે આઈસોલેશનમાં રહીને આગામી અઠવાડિયાંથી ફરી ફરજ પર જવા માગે છે. ડો. અમરિષ કહે છે કે, જો તમને 3થી વધારે દિવસ સુધી તાવ આવે તો તેને અલાર્મ ગણીને તરત ડોક્ટર પાસે જઈ સલાહ લેવી જોઈએ.

એ દિવસથી મારી બીજી લાઈફ શરૂ થઈઃ ડૉ. અમિત રાઠોડ

ડૉ. અમિત રાઠોડ

ડૉ. અમિત રાઠોડ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. 10 મેની રાતે તેઓ એક કોરોના પોઝિટિવ ભાઈને સારવાર આપવા ગયા હતા અને તેમણે માસ્ક પહેરેલું ન હતું. દર્દીએ ઉધરસ ખાધી અને તેણે ડૉક્ટરને પણ ચેપ લગાડ્યો. ડૉ. રાઠોડ કહે છે, ‘ચાર જ દિવસની અંદર મને કોરોનાનાં હળવાં લક્ષણો શરૂ થયાં હતાં. થોડો તાવ આવ્યો હતો. તકેદારીના ભાગ રૂપે હું પહેલાંથી જ મારી હોસ્પિટલમા દાખલ થયો હતો અને મારી સારવાર શરૂ કરાઈ. એન્ટિબાયોટિક, એન્ટિવાઈરલ અને સ્ટિરોઈડના ડોઝ અપાયા હતા.’ તેમને સારવારના 8 દિવસ દરમિયાન તો સ્વાદનો પણ અનુભવ થતો ન હતો. સારવાર દરમિયાનના 2 કપરા દિવસ વિશે જણાવતાં તેઓ કહે છે કે, ‘મારા સાથી તબીબો મારી સારી રીતે સારવાર કરી રહ્યા હતા. સતત મારું મોનિટરિંગ ચાલતું હતું. 24 અને 25મેએ મને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તબિયત થોડી નાજુક બની હતી ત્યારે એમ લાગ્યું કે નક્કી હવે મારે ICUમાં શિફ્ટ થવું પડશે. તે દરમિયાન મને ઓક્સિજન પણ અપાયો હતો. ભગવાનની દયાથી મારે ICUમાં જવાનો વારો ન આવ્યો. હું માનું છે કે 26મેથી મારી સેકન્ડ લાઈફ શરૂ થઈ. તેને હું શબ્દોમાં નથી વર્ણવી શકતો.’

ડૉ. ધ્રુવ વિરડીયાઃ ‘પપ્પા કાયમ કહેતા કે દેશની સેવા કરવી હોય તો પાછું વળીને ક્યારેય ન જોવું’

ડૉ. ધ્રુવ વિરડીયા

અમદાવાદની SVP હોસ્પિટલના ICUમાં ફરજ બજાવતા 27 વર્ષીય યુવા તબીબ ડૉ. ધ્રુવ વિરડિયા સ્વીકારે છે કે એક ડૉક્ટરે જન્મ-મૃત્યુને સમાન ભાવે જોવા માટે તૈયાર રહેવું પડે. પરંતુ પોતાની નજર સામે 39 વર્ષના એક કોરોના પોઝિટિવ ટેક્સી ડ્રાઈવરના મૃત્યુએ તેમને હચમચાવી મૂક્યા હતા. ડૉ. ધ્રુવ કહે છે, ‘એ ભાઈ મને વારંવાર કહેતા હતા કે મારે જીવવું છે. મારે નાનો છોકરો છે. તે ભાઈના શરીરમાં 50 ટકા જ ઓક્સિજન હતો અને 2 દિવસ વેન્ટિલેટર પર રહ્યા પછી તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના દીકરાને મેં જોયો નહોતો પણ એણે એક પિતા ખોયાનું દુઃખ હું અનુભવી શકતો હતો.’ ડૉ. ધ્રુવની સારવાર હેઠળ રહેલા એક 64 વર્ષીય વૃદ્ધ 17 દિવસની સારવાર બાદ સાજા થયા ત્યારે સામેથી તેમને મળવા આવેલા અને હૃદય પર હાથ મૂકીને કહ્યું કે, તમે દર્દીઓને સાજા કરવા માટે કેટલી મહેનત કરો છો એ આ દિવસોમાં નરી આંખે જોયું.

જોકે આખો દિવસ ICUમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રહેતાં ડૉ. ધ્રુવ પણ ત્રણેક અઠવાડિયાં પહેલાં સંક્રમિત થયા હતા. પરંતુ એમણે એકદમ જડબેસલાક ફાઈટ આપીને દસ જ દિવસમાં કોરોનાને માત આપી ને ફરજ પર પણ હાજર થઈ ગયા. ડૉ. ધ્રુવ કહે છે, ‘મને ફરીથી કોરોના પોઝિટિવ આવશે તો પણ તેની ચિંતા નથી. મારા પિતા હંમેશાં મને કહેતા કે, દેશની સેવા કરવાની હોય તો ક્યારેય પાછું વાળીને ના જોવું.’

ડૉ. કુશલ શાહઃ મારા પર આયુર્વેદિક દવાનો ટ્રાયલ થયો, તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ જ રહ્યો

ડૉ. કુશલ શાહ

SVP હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ઓફ એનેસ્થેશિયામાં ફરજ બજાવતા 25 વર્ષના ડૉ. કુશલ શાહને 18 મેના રોજ તાવ આવ્યો અને એમનો ડર સાચો પુરવાર થયો. એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હતો. એમના સાથી તબીબનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ડૉ. કુશલને ત્રણ દિવસ તાવ રહ્યો અને તેમણે SVPમાં જ સારવાર લીધી. આ સારવાર દરમિયાન તેમની પર પહેલીવાર હોસ્પિટલના હેડ ડોક્ટર્સ દ્વારા આયુર્વેદિક દવાનો ટ્રાયલ કરવામાં આવ્યો. તેમ છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેમને ઉકાળો અને અન્ય ઘરગથ્થુ ઉપચાર કરાવવામાં આવ્યા. આખરે 15 દિવસ પછી તેમનો રિપોર્ટ નેગેટિવ થઈ ગયો. પરંતુ આ દરમિયાન તેમને એક હોટલમાં ક્વોરન્ટિન રહેવું પડ્યું. આ વિશે વાત કરતા ડૉ. કુશલ શાહ જણાવે છે કે, ‘હોટલના એક નાના રૂમમાં આખો દિવસ એકલા રહેવાનું આવ્યું તો શરૂઆતમાં મને બહુ ડિપ્રેસિવ ફીલ થયું. પરંતુ ધીમે-ધીમે મેં આ પરિસ્થિતિ સ્વીકારી અને અન્ય વસ્તુઓ જેમ કે, મોબાઇલ, ટીવી, બુક રિડિંગ વગેરેમાં મન પરોવીને દિવસો પસાર કર્યા. ક્યારેક બીજા ડોક્ટર્સ જેમને પોઝિટિવ આવતા તેઓ બીજા રૂમમાં રહેતા હતા.’ 10 જૂનથી ડૉ. કુશલ ફરી પાછા PPE કિટ પહેરીને કોરોના સામેના જંગમાં લાગી ગયા છે.

આ સફરમાં થયેલા એક હૃદયદ્રાવક અનુભવ વિશે વાત કરતાં ડૉ. કુશલ કહે છે, ‘50 વર્ષના એક કાકાની પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. એમને દસ દિવસ ICUમાં રાખવા પડ્યા હતા. તે કાકા ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા અને એમને ત્રણ ટીનએજ દીકરા હતા. એમને સતત એ ચિંતા રહેતી કે એમને કંઈ થયું તો એમના પરિવારનું શું થશે? મારાથી રહેવાયું નહીં એટલે મેં નંબર લઈને એમના બૉસ સાથે વાત કરી. બૉસે એમના પરિવારનો તમામ ખર્ચો ઉપાડી લેવાની ખાતરી આપી. અને આ સાંભળીને એ કાકાએ છેલ્લા શ્વાસ લીધા હતા.’ જ્યારે 75 વર્ષના એક અન્ય દર્દી પણ એમના હાથ નીચે સારવાર લેવા આવેલા. તેઓ કેન્સર સર્વાઈવર હતા અને ડાયાબિટીઝ તથા બ્લડપ્રેશરથી પણ પીડાતા હતા. એમને ખાસ્સા 25 દિવસ સારવાર લેવી પડી, તેમાંય 16 દિવસ તો ICUમાં રહેવું પડેલું. છતાં એમની જીજિવિષા એટલી જબરદસ્ત હતી કે તેઓ કોરોનાને માત આપીને પછી જ સ્મિત વેરતાં ઘરે ગયેલા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી