વર્લ્ડ ચોકલેટ ડે 2022:પ્રેમની સાથે સ્વાસ્થ્યની તંદુરસ્તી પણ જાળવી રાખે છે આ ચોકલેટ્સ, શું તમે આ ફ્લેવર્સ ટ્રાય કર્યા છે?

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે આખા વિશ્વમાં 7 જુલાઈના રોજ ‘વર્લ્ડ ચોકલેટ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. ચોકલેટ એ એક એવી વસ્તુ છે, કે જે આપણાં બધાનાં હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. કોઈને પોતાનો પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવા માટે ચોકલેટથી શ્રેષ્ઠ વિકલ્પ કોઈ જ નથી. કોકો બીન્સમાંથી બનેલી ચોકલેટ વર્ષોથી સૌથી વધુ પ્રખ્યાત અને મનપસંદ મીઠાઈ તરીકે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવામાં સફળ રહી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને ઘટાડવામાં અને શરીરમાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે - જેથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ ઘટે છે. તે લોહી ગંઠાઈ જવાનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ દિવસ સૌપ્રથમ વર્ષ 1981માં ઉજવવામાં આવ્યો હતો. જો ચોકલેટના ઇતિહાસ પર એક નજર ફેરવીએ તો તે 4,000 વર્ષ જૂની છે, તેનું ઉત્પાદન પ્રાચીન મેસોમેરિકામાં શરૂ થયું હતું, જે હવે ‘મેક્સિકો’ તરીકે ઓળખાય છે. પહેલાં કોકોનાં છોડ અહીં ઉગ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને મેક્સિકોની પ્રથમ મોટી સભ્યતા ઓલ્મેક તેમાંથી ચોકલેટ બનાવતી હતી. આખા વિશ્વમાં ચોકલેટની જુદી-જુદી પ્રકારની અનેક ફ્લેવરો મળે છે. આજે અમે તમને અમુક એવી ચોકલેટો વિશે જણાવીશું કે, જે સ્વાદિષ્ટ તો હશે સાથે જ તમારાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ચા ચોકલેટ
ચા પ્રેમીઓ માટે ઘણી બધી બ્રાન્ડે ચોકલેટમાં ચા મસાલાના ફ્લેવરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. Farmers Paul And Mike ચોકલેટ કે જેમાં ઈન્ડિયન ચા મસાલા ફ્લેવર સામેલ છે. આ સિવાય તેમાં આદુ, કાળા મરી, ઈલાયચી, લવિંગ અને જાયફળનું મિશ્રણ પણ સામેલ છે.

કેમલ મિલ્ક ચોકલેટ
ઊંટનું દૂધ એ એન્ટિઓક્સિડન્ટ્સ, ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો અને કેન્સરને રોકવામાં ખૂબ જ અસરકારક છે. તે તમારા બ્લડ સુગર લેવલને પણ મેનેજ કરે છે. ઊંટના દૂધની ચોકલેટ્સ તેમાં સામેલ પોષકતત્વોના માટે વૈશ્વિક સ્તરે ખૂબ જ લોકપ્રિય બની રહી છે. આ દૂધના ફાયદાઓને જાણીને તેને પ્રોત્સાહન આપવા માટે આદવિક ફૂડ્સ, અમૂલ અને હાઈ ફૂડ્સ જેવી અનેક ચોકલેટ કંપનીઓએ કેમલ મિલ્ક ચોકલેટ લોન્ચ કરી છે.

વસાબી ચોકલેટ
શું તમે જાણો છો કે ઉત્પાદનમાં મસાલેદાર તડકો ઉમેરવા માટે જુદી-જુદી બ્રાન્ડ્સ દ્વારા ચોકલેટમાં વસાબીનો ઉપયોગ કરવામાં આવે છે? વસાબીને ‘જાપાનીઝ હોર્સરાડિશ’ પણ કહેવામાં આવે છે. તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-કેન્સર અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ભરપૂર છે, જે તમારાં સ્વાસ્થ્ય માટે ઘણાં લાભદાયી છે. નેસ્લે, કિટકેટ સહિત અનેક બ્રાન્ડ્સ દ્વારા વસાબી-ફ્લેવરની ચોકલેટ્સ રજૂ કરવામાં આવી છે. લિન્ડટ અને કોનેક્સિયન જેવી બ્રાન્ડ્સે પણ આ ફલેવરવાળી ડાર્ક ચોકલેટ લોન્ચ કરી છે.

ચિલી ચોકલેટ
આ રસપ્રદ સ્વાદનું કોમ્બિનેશન ચોક્કસપણે તમને આશ્ચર્યચકિત કરશે. મરચાંનો મસાલેદાર સ્વાદ ચોકલેટની વિલંબિત મીઠાશને સંપૂર્ણ રીતે પૂરક બનાવે છે. એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર મરચાં તમારી ભૂખ ઘટાડવામાં મદદ કરે છે અને ચયાપચયને વેગ આપે છે. તમે Lindt's ની ચિલી ડાર્ક ચોકલેટ અથવા સ્મૂરની મસાલેદાર ઇન્ડિયન ચિલી ડાર્ક ચોકલેટ ટ્રાય કરી શકો છો. Masan & Co.'s કંપનીની મરચાં અને તજની ડાર્ક ચોકલેટ પણ એક સરસ પસંદગી છે.

પીનટ બટર એન્ડ બટર ચોકલેટ
જો તમે એવાં વ્યક્તિ છો જેમને તેમનાં પ્રોટીન શેકમાં પીનટ બટર અને કેળાનું મિશ્રણ પસંદ છે તો પછી તંદુરસ્ત અને પૌષ્ટિક પીનટ બટર અને કેળાના સ્વાદવાળી ચોકલેટને અજમાવી જુઓ. પીનટ બટર અને કેળા બંને પ્રોટીનથી ભરપૂર હોય છે અને તમને ભરપૂર ઉર્જા આપે છે. તમે Wild Opheliaની પીનટ બટર અને કેળાની ડાર્ક ચોકલેટ ખાઈ શકો.