જો તમે હજી સુધી કોરોનાની વેક્સિન નથી લીધી તો આ આર્ટિકલ જરૂરથી વાંચો. હા વેક્સિન પછી પણ આપણને સંક્રમણ થઈ શકે છે, પરંતુ તે આપણને ગંભીર રીતે બીમાર થવાથી અને મૃત્યુના જોખમથી બચાવે છે. અમેરિકાની હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ તાજેતરમાં તેનું મહત્ત્વ જણાવવા માટે એક રિસર્ચ કર્યું છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે વેક્સિનેટેડ લોકોને કોરોનાથી મૃત્યુનું જોખમ નથી રહેતું.
આ રીતે રિસર્ચ થયું
CDCએ પોતાના રિસર્ચમાં અમેરિકાના 12,28,664 લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખી. આ સ્ટડી ત્યારે કરવામાં આવી હતી જ્યારે દેશમાં ડેલ્ટા વેરિઅન્ટ તબાહી મચાવી રહ્યો હતો. આ તમામ લોકોએ ડિસેમ્બર 2020થી ઓક્ટોબર 2021ની વચ્ચે કોરોનાની વેક્સિન લીધી હતી. સ્ટડીમાં આ પરિણામો સામે આવ્યા છે.
વીજળી પડવાથી મૃત્યુનું જોખમ કોરોના કરતા વધારે છે
એકંદરે, સંશોધનના અનુસાર, વેક્સિન લીધા પછી દર 1.5 લાખ લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થઈ શકે છે.
આ આંકડો આગમાં મરી ગયેલા લોકોની સંખ્યા જેટલો છે. સાથે જ વેક્સિનેટેડ લોકોના મૃત્યુની સંભાવના કોરોનાની તુલનામાં વીજળી પડવાથી અને ભૂંકપથી વધારે થાય છે. આવા લોકોમાં કોરોનાની તુલનામાં કાર એક્સિડન્ટથી મૃત્યુની સંભાવના 3 ગણી વધારે છે.
બાળકો માટે જોખમ પણ ઓછું છે
અગાઉના ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે બાળકોને કોરોનાથી મૃત્યુનું જોખમ ઘણું ઓછું છે. માત્ર 0.001% બાળકો જ્યારે વાઈરસથી સંક્રમિત થાય છે ત્યારે પોતાનો જીવ ગુમાવે છે. તેનો અર્થ એ થયો કે બાળકોને કોરોના કરતા, કાર એક્સિડન્ટ, આત્મહત્યા, મર્ડર, પાણીમાં ડૂબવાથી, હૃદયની બીમારી અને કેન્સરથી મૃત્યુનું જોખમ વધારે રહે છે.
ભારતમાં અત્યાર સુધીમાં 171.28 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, ભારતમાં અત્યાર સુધી 171.28 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 46.44 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્યારે દેશમાં માત્ર 60 વર્ષથી ઉપરના ગંભીર બીમારીથી પીડિત લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને કોવેક્સિનનો બીજો ડોઝ આપવાનું શરૂ થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.