દરેક વસ્તુની જેમ એક્સર્સાઈઝ કરવાનો પણ ઓનલાઈન વિકલ્પ આવી ગયો છે. જાપાનની તોહોકુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વર્ચ્યુઅલ રિયાલિટીમાં વ્યાયામ કરવાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે. એટલે કે જે લોકો હેવી એક્સર્સાઈઝ કરવામાં અસક્ષમ હોય છે તેઓ પણ વર્ચ્યુઅલ ટ્રેનિંગ કરી પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. આ સંશોધનને ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયર્નમેન્ટલ રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ગંભીર બીમારીઓના દર્દીઓ માટે પણ ફાયદાકારક
સંશોધકોનું કહેવું છે કે, ફિઝિકલ એક્સર્સાઈઝથી આપણા આખા શરીરને ફાયદો થાય છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે, જે દરરોજ એક્સર્સાઈઝ કરવામાં અસમર્થ હોય છે. તેમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સથી પીડિત લોકો, હૃદયની બીમારીનાં ગંભીર દર્દી અને હોસ્પિટલમાં દાખલ લોકો સામેલ છે. તેના માટે શારીરિક વ્યાયામ નુકસાનકારક હોય શકે છે. આવી સ્થિતિમાં ઈમર્સિવ વર્ચ્યુઅલ રિયાલિટી (IVR)માં ટ્રેનિંગ એક સારો વિકલ્પ છે.
શું છે IVR?
ઈમર્સિવ વર્ચ્યુઅલ રિયાલિટી અથવા IVR એક એવી કમ્પ્યુટર સિસ્ટમ છે, જેનો ઉપયોગ એક કાલ્પનિક દુનિયા બનાવવા માટે કરવામાં આવે છે. આ દુનિયામાં યુઝર પોતાનું જીવન જેવી રીતે ઈચ્છે તેવી રીતે જીવી શકે છે. યુઝરને એવું લાગે છે કે તે ખરેખર પર્યાવરણનો અનુભવ કરી રહ્યો છે.
વૈજ્ઞાનિકોએ વર્ચ્યુઅલ રિયાલિટીની શોધ એન્ટરટેનમેન્ટ માટે કર્યો હતો, પરંતુ હવે મેડિકલ કમ્યુનિટીના સંશોધકો સ્વાસ્થ્ય સાથે તેના કનેક્શનની તપાસ કરી રહ્યા છે.
IVRની શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર અસર
આ પહેલા કરવામાં આવેલા એક રિસર્ચના અનુસાર, આપણી જાતને વર્ચ્યુઅલ રિયાલિટીમાં ફરતા જોવાથી ખરેખર આપણા શરીરમાં પરિવર્તન આવે છે. કાલ્પનિક દુનિયામાં આપણી સાથે કંઈ પણ થવા પર હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. તે સાથે જ મેમરી અને મગજ સાથે સંબંધિત ફાયદા પણ જોવા મળી શકે છે. આ ફેરફાર શારીરિક પ્રવૃત્તિ પછી થતા ફેરફારો જેવા જ છે.
નવા રિસર્ચના પણ કંઈક આવા જ પરિણામ છે. પ્રથમ વ્યક્તિ દૃષ્ટિકોણથી જોવા પર વ્યક્તિ વર્ચ્યુઅલ રિયાલિટીમાં 6.4 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડે છે, ત્યારે વાસ્તવિકતામાં તણાવ અને ચિંતાનું સ્તર નોંધપાત્ર રીતે ઓછું થયું. તે વાસ્તવિક દુનિયામાં કસરત કરવા જેવું હતું.
વૃદ્ધો માટે પણ ફાયદાકારક છે
સંશોધક દલીલા બુરિન જણાવે છે કે, જાપાનની મોટી વસ્તી હવે વૃદ્ધ થઈ રહી છે અને આજે લોકો તરફથી પર્ફોર્મન્સ ડિમાન્ડ ઘણી વધારે છે, આવી સ્થિતિમાં વર્ચ્યુઅલ રિયાલિટીમાં એક્સર્સાઈઝ કરી તેનો ફાયદો ઉઠાવવો એક સારી રીત છે. તેનાથી તમામ લોકોનું સ્વાસ્થ્ય સુધરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.