દુનિયાભરમાં કોરોના વાઈરસના નવા સ્વરુપ 'ઓમિક્રોન'એ પગપેસારો કર્યો છે. ઓમિક્રોનથી આવેલી લહેર 1918માં ફેલાયેલી 'સ્પેનિશ ફ્લૂ' મહામારી જેવી જ છે. એક સદી પહેલાં લોકોને માસ્ક પહેરવાની ફરજ પડી હતી. આજે એક સદી પછી ઈતિહાસનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર ક્રિસ્ટોફર મેકનાઈટ નિકોલ્સના મત પ્રમાણે, ઓમિક્રોનની જેમ 1918ની ફ્લૂ મહામારીએ પણ યુવાનો અને સ્વસ્થ લોકોને પોતાની ઝપેટમાં લીધા હતા.
1918માં લોકોની બેદરકારીનું ગંભીર પરિણામ આવ્યું
ધ વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયેલા લેખમાં નિકોલ્સે જણાવ્યું છે કે ફેબ્રુઆરી 1918માં આવેલી ફ્લૂ બીમારી પ્રથમ વિશ્વયુદ્ધને કારણે અમેરિકાથી આખી દુનિયામાં ફેલાઈ હતી. આ મહામારી પણ કોરોનાની જેમ એર બૉર્ન ડિસીઝ અર્થાત હવાના માધ્યમથી ફેલાતી હતી. આખી દુનિયામાં આ મહામારી 6 મહિનામાં ફેલાઈ ગઈ હતી. ઓમિક્રોનની જેમ આ મહામારીમાં પણ મૃત્યુદર ઓછો હતો.
ફ્લૂ મહામારીને કારણે 5 કરોડ લોકોએ જીવ ગુમાવ્યો
ફ્લૂનાં કેટલાંક લક્ષણો ઓમિક્રોન જેવાં જ હતાં. એ સમયે લોકોને તાવ અને શરદી-ઉધરસની સમસ્યા હતી. એક સદી પહેલાં લોકોએ આ બીમારીને 3 દિવસ સુધી આવતો તાવ સમજી અવગણના કરી નાખી. નિકોલ્સના મત મુજબ, ઓક્ટોબર 1918માં આ ફ્લૂનો એક ખતરનાક વેરિયન્ટ સામે આવ્યો હતો. આ વેરિયન્ટને કારણે અમેરિકામાં 1 મહિનામાં 2 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો. 1919ની શરૂઆતમાં ફ્લૂના કેસ અને મૃત્યુદર ઓછો થયો. દુનિયાભરમાં ફ્લૂ મહામારીથી કુલ 5 કરોડ લોકોનાં મૃત્યુ થયાં.
1918 ફ્લૂ મહામારીના સમયે લોકડાઉન જેવી સ્થિતિ હતી
લોકોની બેદરકારીને કારણે 1918ની ફ્લૂ મહામારીના સમયે સરકારે મૂવી થિયેટર, પૂલ અને જાહેર સ્થળો બંધ કર્યાં હતાં. ઘરની બહાર નીકળવા પર લોકોએ માસ્ક પહેરવું ફરિજયાત હતું. માસ્ક ન પહેરનાર લોકોને જેલભેગા કરાયા હતા. ફ્લૂથી સંક્રમિત લોકોને આઈસોલેશનમાં રખાતા હતા. આ મહામારીમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવતું હતું.
એક સદી પહેલાં વેક્સિનના પ્રયાસ સફળ રહ્યા નહિ
નિકોલ્સના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકોએ 1918માં ફ્લૂ માટે વેક્સિન બનાવવાના ઘણા અથાક પ્રયત્નો કર્યા, પરંતુ તે સમયે સફળતા મળી નહિ. આજે સદી પછી કોરોના સામે આપણી પાસે વેક્સિન અવેલેબલ છે, એનો ઉપયોગ થાય એ ખૂબ જરૂરી છે.
ફ્લૂની જેમ કોરોના પણ કાયમી રહેશે
નિકોલ્સનું માનવું છે કે જે રીતે ફ્લૂ વાઈરસ આજે પણ વાતાવરણમાં હાજર છે એમ કોરોના વાઈરસ પણ સંપૂર્ણ રીતે નાબૂદ નહિ થાય. કોરોના વાઈરસ ફ્લૂની જેમ આપણી વચ્ચે સામાન્ય વાઈરસ બનીને રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.