હેલ્થ:હેમોલેક્રિયાની દુર્લભ બીમારી માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ, વાસ્તવિક જીવનમાં પણ થાય છે; જાણો કારણો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમે ઘણી ફિક્શનલ (કાલ્પનિક) ફિલ્મોમાં લોકોની આંખોમાંથી લોહી નીકળતું જોયું હશે. આ ઘટનાને મોટાભાગે વેમ્પાયર અથવા અલૌકિક પાત્રો સાથે જોડવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે વાસ્તવિક જીવનમાં પણ માણસોની આંખોમાંથી લોહીના આંસુ નીકળી શકે છે? ખરેખર, આ એક દુર્લભ સ્થિતિ છે જેને ‘હેમોલેક્રિયા’ કહેવામાં આવે છે.

હેમોલેક્રિયા એ ઘણી સમસ્યાઓનું લક્ષણ છે
હેમોલેક્રિયા એ એક એવી સ્થિતિ છે કે, જેમાં લોકોની આંખમાં બનેલા આંસુ સાથે લોહી પણ જોવા મળે છે. તે ઘણી બીમારીઓ અને સમસ્યાનું લક્ષણ છે. અહેવાલ પરથી મળતી માહિતી મુજબ સેન્ટર ફોર સાઇટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મહિપાલ સિંહ સચદેવે જણાવ્યું હતું કે, હેમોલેક્રિયા એ હોર્મોનલ ફેરફારો, શરીરમાં સોજો, મહિલાઓમાં પીરિયડ્સ, આંખમાં ઇજાઓ, આઘાત, નાકમાંથી લોહી નીકળવું, હાઈ બ્લડ પ્રેશર, હિમોફિલિયા અને ટ્યુમરના કારણે આવું થઈ શકે છે.

આ સાથે જ અનિયંત્રિત હાઈપર ટેન્શન અને લોહીને પાતળી કરતી દવાઓ જેમ કે, એસ્પ્રિન અને હેપારિનથી પણ હેમોલેક્રિયા થવાની સંભાવના વધુ પડતી રહે છે. આંખોના જુદા-જુદા ભાગોમાં થનારા ટ્રોમાના કારણે પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

હેમોલેક્રિયા એક એવી સ્થિતિ છે, જેમાં મનુષ્યની આંખમાં વહેતા આંસુમાં પણ લોહી જોવા મળે છે.
હેમોલેક્રિયા એક એવી સ્થિતિ છે, જેમાં મનુષ્યની આંખમાં વહેતા આંસુમાં પણ લોહી જોવા મળે છે.

હેમોલેક્રિયામાં થનારી અન્ય સમસ્યાઓ
ફક્ત લોહી ભરેલા આંસુ જ હેમોલેક્રિયાની સ્થિતિને દર્શાવતું નથી. ડૉ. સચદેવના જણાવ્યા મુજબ આ સમસ્યા દરમિયાન ધૂંધળી આંખો, નજરમાં લાલ રંગ, આંખમાં ખંજવાળ કે ઇજા, નિરંતર લાલ આંસુ અને આંખો પર દબાણ જેવી સમસ્યાઓનો પણ સામનો કરી શકાય છે. આ સિવાય માથાનો દુખાવો અને શરીરના અન્ય ભાગોમાં ઈજા અને રક્તસ્રાવ પણ હેમોલેક્રિયાની સ્થિતિના લક્ષણો છે.

હેમોલેક્રિયાનું જોખમ કોને છે?
કંજક્ટિવાઇટિસ (પિંક આઇ)ના દર્દીઓને હેમોલેક્રિયાનું જોખમ રહેલું હોય છે. જેમને અગાઉ આંખમાં ઈજા થઈ હોય, જેમની આંખની રક્તવાહિનીઓ નબળી પડી ગઈ હોય અથવા જેમને આંખમાં ગાંઠ હોય તેમને હેમોલેક્રિયાનું જોખમ પણ રહેલું છે.

કંજક્ટિવાઇટિસના દર્દીઓને હેમોલેક્રિયાનું જોખમ રહે છે
કંજક્ટિવાઇટિસના દર્દીઓને હેમોલેક્રિયાનું જોખમ રહે છે

હેમોલેક્રિયાને અટકાવવાની રીતો
તમારી આંખોને હેમોલેક્રિયાથી બચાવવા માટે નિયમિત આંખની તપાસ કરવી જોઈએ. જો તમને આ બીમારીનું જોખમ હોય તો પણ તમે તેને પહેલાં જ ટાળી શકશો. આંખમાં કોઇ ઇજા થઇ હોય તો તેને ગંભીરતાથી લો. જે લોકોને પહેલેથી જ હેમોલેક્રિયા થયો હોય તો તેમને દવાઓ, આંખના ટીપાં અને સર્જરી કરાવવાની સલાહ તબીબો આપી શકે છે. જો તમને હેમોલેક્રિયાના લક્ષણો જોવા મળે તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

(Disclaimer: આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. હેમોલેક્રિયાને લગતી કે વધુ માહિતી માટે જો કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો.)