હવામાં ભળી રહેલું રાસાયણિક પ્રદૂષણ બાળકોને વધુને વધુ મેદસ્વી બનાવી રહ્યું છે. વર્ષ 1975ની તુલનામાં વૈશ્વિક મેદસ્વિતા ત્રણ ગણી વધી ગઈ છે અને તેના કારણે જ મેદસ્વીપણું હવે એક ભયંકર રોગચાળો બની ગયો છે. વિશ્વના 4 કરોડથી પણ વધુ બાળકો મેદસ્વિતાનો શિકાર બની ચુક્યા છે અને તેમનું વજન ઘણું વધી ગયું છે. આ સાથે જ 200 કરોડ વયસ્કોનું વજન પણ વધારે થઈ ગયું છે. આ માહિતી હાલ ગ્લોબલ રિસર્ચમાં સામે આવી છે.
આવનારી પેઢીઓ પર પણ જોવા મળશે અસર
સ્વાસ્થ્ય અને ચિકિત્સામાં હજુ સુધી 'ઓબેસોજેન્સ' નામક ઝેરી પદાર્થને સ્વીકાર્યો ના હતો, પરંતુ તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે કે ઓબેસોજેન્સ શરીરના વજનને નિયંત્રિત કરવાની રીતને અસર કરે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, ચોંકાવનારી વાત એ છે કે વજન વધવા માટે અસર કરતાં અમુક રાસાયણિક કેમિકલ્સ જીન્સની કામ કરવાની રીતને બદલી શકે છે અને વારસાગત બની શકે છે, જેના કારણે આવનારી પેઢીઓ પણ આ સમસ્યાનો ભોગ બને છે.
સંશોધકો દ્વારા વધતાં જતાં મેદસ્વીપણાં માટે નોંધાયેલા પ્રદૂષકોમાં બિસ્ફેનોલ-A (BPA) નો સમાવેશ થાય છે, જે પ્લાસ્ટિકમાં વ્યાપકપણે જોવા મળે છે તેમજ કેટલાક જંતુનાશકો, ફ્લેમ રેટરડેન્ટ અને હવાના પ્રદૂષણનો સમાવેશ થાય છે. તે જનીનોને અસર કરે છે અને તમને વધુ ખાવા માટે મજબુર કરે છે. ઓબેસોજેનિક પ્રતિમાન તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ડેટા પૂરો પાડે છે, જે સૂચવે છે કે આ કેમિકલ પ્રદૂષણના કારણે વિશ્વભરના દેશોમાં મેદસ્વીપણાની સમસ્યા ઝડપથી વધી રહી છે.
DDTની આડઅસરો હજુ પણ અસ્તિત્વમાં છે
સંશોધકોનું કહેવું છે કે, જંતુનાશક DDTની આડઅસરોને કારણે તે સમયની મહિલાઓ મેદસ્વિતાનો ભોગ બની હતી. હવે જ્યારે DDT પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આ જ મહિલાઓની પૌત્રીઓમાં મેદસ્વિતાનું કારણ આડકતરી રીતે DDT જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.