સર્વાઇકલ કેન્સર સામેની પહેલી સ્વદેશી વેક્સિન:સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી નવી રસી, 200 થી 400 રૂપિયા ખર્ચ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતને આજે સર્વાઇકલ કેન્સર સામે પહેલી સ્વદેશી વેક્સિન મળી છે. તેનું નામ છે 'ક્વાડ્રીવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સીન (qHPV)' છે. તે સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી (DBT) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ અને SII ચીફ અદાર પૂનાવાલાએ આજે આ વેક્સિન લોન્ચ કરી.

પહેલા જાણો, સર્વાઇકલ કેન્સર શું છે?
સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં સર્વિક્સના કોષોને અસર કરે છે. સર્વિક્સ એ ગર્ભાશયના નીચેના ભાગનો હિસ્સો છે, તે યોનિ સાથે જોડાયેલ છે. કેન્સર આ ભાગના કોષોને અસર કરે છે. સર્વાઇકલ કેન્સરના મોટાભાગના કેસો હ્યુમન પેપિલોમા વાયરસ (HPV)ના વિવિધ પ્રકારોને કારણે થાય છે. HPV એ એક સામાન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારી છે, જે જનનાંગ મસાઓ તરીકે દેખાય છે પછી ધીમે-ધીમે તે સર્વાઇકલ કોષોને કેન્સરના કોષોમાં ફેરવે છે.

તેની કિંમત 200 થી 400 રૂપિયા હશે
પૂનાવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વેક્સિનની કિંમત અંગે ભારત સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. જો કે, આ વેક્સિન સસ્તી હશે અને તેની કિંમત 200 થી 400 રૂપિયાની વચ્ચે હશે. હાલમાં, વેક્સિનના સંશોધન અને વિકાસને લગતી તમામ કામગીરી થઈ ગઈ છે અને હવે તેને બજારમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

9 થી 14 વર્ષની બાળકીઓ માટે વેક્સિનેશન પ્રોગ્રામ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન ( NTAGI) ના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ કહ્યું , ‘ભારતમાં બનેલી વેક્સિનને લૉન્ચ કરવી એ ઉત્સાહથી ભરપૂર છે. મને ખુશી છે કે, અમારી દીકરીઓ અને પૌત્રીઓ હવે આ બહુ રાહ જોવાતી વેક્સિન મેળવવામાં સક્ષમ હશે.ડૉ. અરોરાએ વધુમાં કહ્યું- આ વેક્સિન સર્વાઇકલ કેન્સર પર ખૂબ જ અસરકારક છે અને આ વેક્સિન કેન્સરને અટકાવે છે. 85-90% કિસ્સાઓમાં સર્વાઇકલ કેન્સર વાઈરસને કારણે થાય છે. આ વેક્સિન તે વાઈરસ સામે લડત માટે છે. જો આપણે આ રસી આપણા નાના બાળકો અને દીકરીઓને લગાવીશું તો તે તેના સંક્રમણથી સુરક્ષિત રહેશે અને દેશમાં 30 વર્ષ પછી કેન્સર નહીં થાય.

દેશમાં દર વર્ષે 1.23 લાખ કેસ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC-WHO) મુજબ ભારતમાં દર વર્ષે સર્વાઈકલ કેન્સરના 1.23 લાખ કેસ નોંધાય છે. આમાં લગભગ 67,000 મહિલાઓએ જીવ ગુમાવ્યો છે. આ કેન્સર દેશમાં મહિલાઓમાં બીજા નંબરનું સૌથી કોમન કેન્સર છે. બીજી તરફ વિશ્વની વાત કરીએ તો સર્વાઇકલ કેન્સરમાં ભારત પાંચમા નંબરે છે. વધુમાં, 15 થી 44 વર્ષની વયની સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સર મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે.