દુનિયાના ઘણા ભાગમાં કોરોનાના વધતા કેસની વચ્ચે બ્રિટનના વૈજ્ઞાનિકોએ વેક્સિનના ચોથા ડોઝ વિશે એક મોટી વાત કહી છે. દેશમાં કરવામાં આવેલી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ફાઈઝર અને મોડર્ના વેક્સિન્સનો ચોથો ડોઝ સુરક્ષિત છે. સાથે તે ત્રીજા ડોઝની સરખામણીએ શરીરમાં વધારે ઈમ્યુનિટી વધારે છે. આ સ્ટડી ધ લાન્સેટ ઈન્ફેક્શિયસ ડિસીઝ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.
બ્રિટનમાં લોકોને 'સ્પ્રિંગ બુસ્ટર' આપવામાં આવી રહ્યો છે
બ્રિટિશ સરકાર કોરોના વેક્સિનનો ચોથો ડોઝ તે લોકોને આપી રહી છે, જેમની ઈમ્યુનિટી ઘણી કમજોર છે. તેને 'સ્પ્રિંગ બુસ્ટર' તરીકે આપવામાં આવી રહ્યો છે. સંશોધકોનું કહેવું છે કે, સ્ટડીમાં સંપૂર્ણ ડેટા સામે આવતા પહેલા લોકોમાં એન્ટિબોડીનું સ્તર જાળવી રાખવા માટે આ એક સાવચેતી વ્યૂહરચના છે. આ વર્ષના અંત સુધી વેક્સિનનો બુસ્ટર ડોઝ બાકીના લોકોને પણ આપવામાં આવશે.
166 લોકો પર સ્ટડી થઈ
આ સ્ટડીમાં 166 લોકોને સામેલ કરવામાં આવ્યા. આ લોકો જૂન 2021માં ફાઈઝર અથવા એસ્ટ્રાજેનેકા વેક્સિન્સના બંને ડોઝ લીધા પછી ફાઈઝરનો ત્રીજો ડોઝ પણ લઈ ચૂક્યા હતા. વેક્સિન્સને મિક્સ એન્ડ મેચ કરનાર આ રિસર્ચમાં સામેલ લોકોને ફાઈઝરનો ડોઝ અથવા મોડર્નાનો અડધો ડોઝ ચોથા ડોઝ તરીકે આપવામાં આવ્યો. ત્રીજા અને ચોથા ડોઝની વચ્ચે 7 મહિનાનું અંતર રાખવામાં આવ્યું.
ચોથા ડોઝની કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ નથી
વૈજ્ઞાનિકોના અનુસાર, વેક્સિનની સાઈડ ઈફેક્ટ્સમાં લોકોને થાક લાગવો અને હાથમાં થોડીવાર સુધી દુખાવો થાય છે. જો કે, ચોથા ડોઝની કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ હજી સુધી જોવામાં નથી આવી. આનાથી સાબિત થયું કે વેક્સિનનો ચોથો ડોઝ પણ લોકો માટે સલામત અને અસરકારક છે. સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું કે સ્પ્રિંગ બુસ્ટરે લોકોમાં એન્ટિબોડીનું સ્તર પહેલા બુસ્ટર કરતાં વધાર્યું છે.
ચોથો ડોઝ કમજોર ઈમ્યુનિટીવાળા માટે ફાયદાકારક
સ્ટડીમાં સામેલ પ્રોફેસર સાઉલ ફાઉસ્ટ જણાવે છે કે- પરિણામ દર્શાવે છે કે વર્તમાન સ્પ્રિંગ બુસ્ટર કરતા વધારે સંવેદનશીલ લોકોની ઈમ્યુનિટીમાં વધારો થઈ રહ્યો છે.
COV-BOOST ટ્રાયલ નામની આ સ્ટડી યુનિવર્સિટી હોસ્પિટલ સાઉથેમ્પ્ટનના વૈજ્ઞાનિકોએ કરી છે. તેના અંતર્ગત ઘણી અન્ય સ્ટડી પણ કરવામાં આવી રહી છે, જેમ કે-વેક્સિનના બીજા અને ત્રીજા ડોઝની વચ્ચેના અંતરની તપાસ, mRNA વેક્સિન્સના ચોથા ડોઝની અસર, ઓમિક્રોન વેરિઅન્ટની વેક્સિનની અસર અને 18થી 30ની ઉંમરના લોકોમાં આંશિક ડોઝની તપાસ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.