પોસ્ટ કોવિડ જોખમ:કોરોનાથી રિકવર થયા બાદ પણ લક્ષણો તમને હેરાન કરી શકે છે, તેનું કારણ અને ઉપાય જાણી લો

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમને કોરોના થાય અને થોડા દિવસ પછી રિપોર્ટ નેગેટિવ આવી જાય તો તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા તેની કોઈ ગેરન્ટી નથી. કારણ કે ઘણા દર્દીઓ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનનો શિકાર બની રહ્યા છે. તે વાઈરસથી રિકવર થઈ ગયા બાદ થતી સમસ્યા છે જે લાંબા સમય સુધી રહી શકે છે.

ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, દર્દીઓએ કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યાના આગામી 3 મહિના સુધી સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે આ દરમિયાન પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન થવાની સંભાવના રહે છે. કેટલાક દર્દીઓને સામાન્ય સમસ્યા થાય છે તો કેટલાક દર્દીઓને ગંભીર સમસ્યા થઈ શકે છે.

રિકવરી પછી પણ લક્ષણોનું કારણ સમજો

TV9ના અહેવાલમાં સીનિયર ફિઝિશનય ડૉ. આરપી સિંહે જણાવ્યું કે, જ્યારે કોરોના વાઈરસ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઈમ્યુન સિસ્ટમ તેની સામે લડત આપે છે. આ દરમિયાન શરીરમાં માઈક્રો ન્યૂટ્રિઅન્ટ્સ ખર્ચાય છે તેથી શરીર નબળું પડી જાય છે. માઈક્રો ન્યૂટ્રિઅન્ટ્સની ઊણપને કારણે કમજોરી અનુભવાય છે. તેથી કેટલાક દર્દીઓને 6 મહિના સુધી સમસ્યા રહે છે.

BBC સાથેની વાતચીતમાં મેક્સ હોસ્પિટલના પલ્મોનોલોજીના પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ડૉ. શરદ જોશી જણાવે છે કે, વાઈરસ સામે લડવા માટે શરીરમાં બનેલા એન્ટિજન ઈમ્યુન સિસ્ટમમાં ફેરફાર કરે છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમ વધારે એક્ટિવ થઈ જાય છે. તેને કારણે ચક્કર આવવા, થાક, તાવ અને સાંધાના દુખાવા સહિતના લક્ષણો જણાય છે.

પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનનાં સામાન્ય લક્ષણ

 • શ્વાસ ચડવો અને ગભરામણ
 • થાક અને સુસ્તી
 • ઉધરસ
 • હળવો તાવ
 • બ્રેન ફોગ
 • ધબકારાં વધી જવા
 • માંસપેશીઓ અને સાંધામાં દુખાવો
 • માથાનો દુખાવો
 • ઊંઘમાં અનિયમિતતા
 • ભૂખ ઓછી લાગવી
 • વધારે પરસેવો થવો
 • ચક્કર આવવા
 • ડાયેરિયા
 • પીરિયડ્સ સાયકલમાં ફેરફાર
 • સ્વાદ અને ગંધ ન પારખી શકવી
 • એન્ઝાયટી અને ડિપ્રેશન

પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનનાં ગંભીર લક્ષણો

 • હાર્ટ અને બ્રેન સ્ટ્રોક: નસોમાં લોહીની ગાંઠો બની જવાથી તમને સ્ટ્રોક પણ આવી શકે છે. કારણ કે ગાંઠો જામી જવાથી મગજ સુધી લોહી ન પહોંચે તો બ્રેન સ્ટ્રોક અને હૃદય સુધી લોહી ન પહોંચે તો હાર્ટ સ્ટ્રોક આવી શકે છે.
 • પલ્મોનરી એમ્બ્લોલિઝ્મ: આ કન્ડિશનમાં દર્દીના ફેફસાંના ટિશ્યુ ડેમેજ થાય છે. તેને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
 • મલ્ટિ ઓર્ગન ફેલ્યોર: બ્રેન અને હાર્ટ સહિત કિડની, લિવર સહિતના ઓર્ગન ફેલ થઈ શકે છે.
 • મલ્ટિ સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ: આ સ્થિતિમાં દર્દીના એક સાથે ઘણા અંગોમાં સોજા આવી જાય છે.

કોરોના રિકવરી પછી આ વાતોનું ધ્યાન રાખો

 • કોરોના સંક્રમિત દર્દીએ ડાયટમાં પ્રોટીનની માત્રા વધારી દેવી જોઈએ. માઈક્રો ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર ખોરાક લેવો જોઈએ.
 • શરીરમાં પાણીની ઊણપ ન સર્જાવા દો.
 • યોગાસન કરી બ્રીધિંગ એક્સર્સાઈઝ કરો.
 • એન્ઝાયટી અને ડિપ્રેશનથી બચવા માટે મનપસંદ એક્ટિવિટી કરો.
 • અસામાન્ય લક્ષણ જણાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો

(નોંધ: આ લેખ સામાન્ય માહિતી હેતુ માટે છે. સારવાર અને બચાવ માટે તમે ડૉક્ટરની સલાહ જરૂર લો.)

અન્ય સમાચારો પણ છે...