ચૂલા પર શેકેલી મકાઈનો સ્વાદ બધા ને દાઢે જ વળગેલો હશે. મકાઈનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તમને સૂપ, સલાડ,પિત્ઝા કે અન્ય ફૂડમાં સ્વીટ કોર્ન એટલે કે મકાઈનો સ્વાદ અચૂક આવશે. મકાઇમાંથી ચિપ્સ અને પોપકોર્ન તો મળે જ છે પરંતુ મકાઇમાંથી સ્વીટનર અથવા ગ્લુકોઝ સીરપ પણ તૈયાર કરે છે.
આજે અમે તમને જણાવીશું કે મકાઈ ફક્ત ટેસ્ટ માટે જ ન ખાવી જોઈએ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બેહદ ફાયદાકારક છે.
100 ગ્રામ સ્વીટ કોર્નમાં ભરપૂર ફાઈબર હોય છે
મકાઈમાં વિવિધ પ્રકારના પોષક તત્ત્વો હોય છે જેમાં ફાઈબર મહત્ત્વનું છે. કૃષિ વૈજ્ઞાનિક આરપીએસ નાયક જણાવે છે કે, 100 ગ્રામ સ્વીટ કોર્નમાં 2.70 ગ્રામ ફાઈબર હોય છે. ફાઈબર પાચન માટે જરૂરી હોવાથી ડાયટમાં સામેલ કરવું જોઈએ.
બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સુકન્યા ચક્રવર્તી જણાવે છે કે, સ્વીટ કોર્ન મકાઈની એક જાતિ છે. જેને ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે. આપણને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો તેને નિયમિતપણે શેકીને અથવા બાફીને ખાવામાં આવે તો હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ અનેકગણું ઓછું થઇ જાય છે.
પ્રેગ્નન્સીમાં ખાવાથી પોષક તત્ત્વો મળે છે
ડાયટિશિયન ડૉ. વિજયશ્રી પ્રસાદ જણાવે છે કે, સ્વીટ કોર્નમાં ફોલેટ પણ હોય છે જેને આપણે વિટામિન B-9 કહીએ છીએ. આ ફોલેટ હેલ્ધી લાલ રક્તકણો બનાવવામાં મદદરૂપ છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્વીટ કોર્ન ખાવાથી ગર્ભસ્થ બાળકનો વિકાસ સારો થાય છે. દરરોજ આપણને 200 માઇક્રોગ્રામ ફોલેટની જરૂર હોય છે જ્યારે ગર્ભાવસ્થામાં તે 300 થી 400 સુધી પહોંચે છે. કેટલીકવાર ફોલિક એસિડના ફોર્ટિફાઇડ ખોરાક દ્વારા જરૂરિયાત પૂરી થાય છે. આ સ્થિતિમાં સ્વીટ કોર્ન ખા ખાવી બેસ્ટ છે કારણ કે 100 ગ્રામ સ્વીટ કોર્નમાં 50 માઇક્રોગ્રામ ફોલેટ જોવા મળે છે.
થાયમિનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે
સ્વીટ કોર્નમાં વિટામિન બી-1 હોય છે જેને થાયમિન કહેવામાં આવે છે. જેના કારણે નર્વસ સિસ્ટમ, મગજ, હૃદય, સ્નાયુઓ, પેટ અને આંતરડાને ઘણો ફાયદો થાય છે. થાયમિન કાર્બોહાઇડ્રેટ્સને ઊર્જામાં રૂપાંતરિત કરે છે.18 વર્ષથી વધુ ઉંમરના લોકોને દરરોજ 1.2 માઇક્રોગ્રામ થાયમિનની જરૂર હોય છે. જ્યારે સગર્ભા સ્ત્રીને 1.4 માઇક્રોગ્રામ થાયમિન ની જરૂર હોય છે.જે સ્વીટ કોર્ન દ્વારા પરિપૂર્ણ કરી શકાય છે.
વિટામિન સીની ઉણપને દૂર કરવા માટે ખાઓ સ્વીટકોર્ન
ડૉ. વિજયશ્રી જણાવે છે કે, વિટામિન સીની ઉણપને દૂર કરવા સ્વીટ કોર્ન પણ ખાવી ખુબ જ જરૂરી છે. શેક્યા પછી ખાવાથી તેમાં રહેલા વિટામિન સીની નાશ પામે છે તેથી બાફેલી સ્વીટ કોર્ન ખાવી વધુ સારી માનવામાં આવે છે. વિટામિન સી શરીરમાં આયર્નની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે.
થાક દૂર થાય છે
સ્વીટ કોર્નને પોટેશિયમ અને મેગ્નેશિયમનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. જેના કારણે હાડકાં અને સ્નાયુઓ મજબૂત થાય છે. જ્યારે પણ થાક લાગે ત્યારે સ્વીટ કોર્ન ખાવાથી શરીરમાં શક્તિ આવશે. પોટેશિયમ શરીરમાં પ્રવાહીને પણ બેલેન્સ કરવાનું કામ કરે છે.તેનાથી સ્નાયુઓને આરામ મળે છે.
નિયમિત ખાવાથી બાળકોનું વજન વધે છે
ઘણા માતા-પિતા ફરિયાદ કરે છે કે તેમના બાળકનું વજન નથી વધી રહ્યું. કેટલાક બાળકો ઓછા વજન સાથે જન્મે છે. બાળકોનું વજન વધારવા માટે સ્વીટ કોર્ન આપવી જોઈએ. તેનાથી બાળકોના સ્નાયુઓ વધે છે. આ સાથે જ તેમની નર્વસ સિસ્ટમ પણ મજબૂત હોય છે. સ્વીટ કોર્ન ત્વચા અને આંખ સંબંધિત રોગો પણ થતા નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.