• Gujarati News
  • Lifestyle
  • Health
  • Survive! From Dengue To Leptospirosis Fever In The Monsoon Season Can Make You A Victim, Know The Symptoms And Get Treatment

મોન્સુન ફિવર:બચીને રહેજો! ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુથી લઈને લેપ્ટોસ્પાયરોસીસ તાવ તમને શિકાર બનાવી શકે છે, જાણો લક્ષણો અને કરો સારવાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસામાં આહલાદક વાતાવરણ અને ભારે વરસાદ ગરમીથી તો રાહત આપે છે, પરંતુ આ ઋતુમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ પણ સક્રિય થાય છે, જે બીમારીઓને પણ આકર્ષે છે. ચોમાસાની ઋતુને ‘ફિવર સિઝન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે, આ ઋતુમાં લોકોને 6 પ્રકારનાં તાવ શિકાર બનાવી શકે છે. આ તાવ કોવિડ, ડેન્ગ્યુ, મેલેરિયાથી લઈને ટાઈફોઈડ સુધી કંઈપણ હોઈ શકે છે, જો યોગ્ય ધ્યાન ન આપવામાં આવે તો આ તાવ લાંબા સમયે તમારાં શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે. દરેક વ્યક્તિએ આ સમયે બીમારીનાં લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે આમાંની દરેક બીમારીમાં ચોક્કસ વિશિષ્ટ લક્ષણો હોય છે જે યોગ્ય સારવાર મેળવવામાં મદદ કરી શકે છે.

ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગો સામાન્ય છે અને આ ઋતુમાં લોકો ડેન્ગ્યુ, મેલેરિયા અથવા ચિકનગુનિયા જેવા રોગોના શિકાર પણ બને છે. ગ્લોબલ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર ડૉ. મંજુષા અગ્રવાલે ચોમાસામાં લોકોને અસર કરી શકે તેવાં તાવ વિશે વાત કરી છે, ચાલો જાણીએ.

ડેન્ગ્યુ: આ મચ્છરજન્ય બીમારીના કિસ્સામાં તાવ ઉચ્ચ કક્ષાનો હોય છે, જેની સાથે સાંધાનો ગંભીર દુખાવો, પીઠનો દુખાવો, ચક્કર આવવા, શરદી થવી વગેરે જેવી સમસ્યાઓ થાય છે. આ બીમારીની સારવાર માટે કોઈ ચોક્કસ દવા નથી. આ બીમારીમાં દર્દી માટે હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુ તાવના પણ વિવિધ પ્રકારો છે અને કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ પણ બની શકે છે.

મેલેરિયા: આ બીમારી પરોપજીવીને કારણે થાય છે, તે ચેપગ્રસ્ત મચ્છરનાં કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. શરદી, ધ્રુજારી, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો તેનાં લક્ષણો છે. કોવિડની જેમ મેલેરિયા પણ જીવલેણ બની શકે છે અને એવી સંભાવનાઓ છે કે, તે મગજને નુકસાન પહોંચાડી શકે અને તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

ચિકનગુનિયા: આ બીમારી પણ ચેપગ્રસ્ત મચ્છરનાં કરડવાથી લોકોમાં ફેલાય છે. આ બીમારી ટૂંકા ગાળાના તાવ સાથે જોડાયેલી છે. આ બીમારીનાં વાયરસના ચેપને અટકાવવા માટે હાલમાં કોઈ રસી અથવા દવા નથી.

ટાઈફોઈડ: આ તાવના લક્ષણોમાં ઉબકા, ઉલટી અને ઝાડા શામેલ છે. તે બેક્ટેરિયલ ચેપ છે અને શરીરનાં જુદાં-જુદાં અંગોમાં ફેલાઈ શકે છે. આ બીમારીની જટિલતાઓને રોકવા માટે પ્રારંભિક સારવાર જરૂરી છે. આ તાવથી પીડાતાં લોકોએ સારવાર હેતુસર સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે.

લેપ્ટોસ્પાયરોસીસ: આ બેક્ટેરિયલ બીમારી મનુષ્યો અને પ્રાણીઓ બંનેને અસર કરી શકે છે અને તેનાથી પીડિત વ્યક્તિને માથાનો દુખાવો, શરદી, ઉલટી, કમળો, પેટમાં દુખાવો અને ફોલ્લીઓ થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં કેસ વધી શકે છે, કારણ કે દૂષિત વરસાદી પાણીમાંથી પસાર થતાં લોકોને તે મળી શકે છે. જો તમારાં ચિકિત્સકની સલાહ લીધા પછી એન્ટિબાયોટિક પ્રોફીલેક્સિસ લેવામાં આવે તો તેને અટકાવી શકાય તેવી બીમારી છે.