અમેરિકી સંશોધનમાં દાવો:કરોડરજ્જુની સમસ્યાઓ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે, જે ચિંતા અને હતાશાના જોખમ તરફ દોરી જાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવા પાછળ ચિંતા સિવાય પણ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. તાજેતરમાં મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં જણાવ્યું છે કે, કરોડરજ્જુની સમસ્યા સામે ઝઝૂમી રહેલા 80 ટકા લોકોને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ હોય છે.

આ રીતે થયું સંશોધન
આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ બે પ્રકારના પુખ્ત વયના લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. પહેલાં એ કે જેમને કરોડરજ્જુની ઈજા અથવા મુશ્કેલી હતી, તેમની સંખ્યા 9 હજારથી વધુ હતી. બીજા એ કે જેમને આવી કોઈ સમસ્યા નહોતી, તેમની સંખ્યા 10 લાખથી વધુ હતી. વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું કે કરોડરજ્જુની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને અસ્વસ્થતા વિકારથી લઈને અનિદ્રા અને બ્રેઈન ફૉગ સુધીની સમસ્યાઓ હોય છે. જોકે, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ કરોડરજ્જુની ઈજાનું પરિણામ નથી, પરંતુ આ બીમારી તંદુરસ્ત લોકો કરતાં આવા લોકોમાં વધુ સામાન્ય હોઈ શકે છે.

ક્રૉનિક પેઈન પણ માનસિક બીમારીઓનું કારણ બને છે
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, કરોડરજ્જુમાં ક્રૉનિક પેઇન એટલે કે લાંબા સમય સુધી ચાલનારો દુખાવો પણ મનુષ્યમાં માનસિક બીમારીઓનું કારણ બની શકે છે. ઘણા લોકોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ કરોડરજ્જુની ઈજાથી નહીં, પરંતુ લાંબા સમય સુધી ચાલનારા દુખાવાથી જોવા મળી હતી.

આ સમસ્યાઓનો ઉકેલ શું છે?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કરોડરજ્જુની સમસ્યાથી પીડાતાં દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ ડૉક્ટરોએ ધ્યાન આપવું જોઈએ. જો દર્દી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના કોઈપણ લક્ષણો દર્શાવે છે, તો તેને રોગની સારવાર માટે પ્રેરિત કરવું જોઈએ.