ડાન્સ બન્યો દર્દીઓની દવા:માનસિક બીમારીઓ પર દવાઓ કરતાં 'સોશિયલ પ્રિસ્ક્રિપ્શન' વધુ અસરકારક છે

2 મહિનો પહેલાલેખક: રેચલ ચેન
  • કૉપી લિંક

93 વર્ષીય રૂથની અમેરિકાની મેસેચ્યુએટ્સ જનરલ હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં મુલાકાત સામાન્ય હતી. એ સમય દરમિયાન રૂથની છાતીમાં ભારે દુખાવાની ફરિયાદ હોવા છતાં એની માંદગી સમજાતી નહોતી અને એ વાતથી એના ડૉક્ટર અરદેશર હાશમી નારાજ થયા હતા. મહિનામાં કમ સે કમ બે વખત રૂથને ઇમરજન્સી રૂમમાં લાવવી પડતી હતી અને તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ રિઝલ્ટ નોર્મલ આવતા હતા. રુથ પોતે કહેતા હતા કે, છાતીમાં અસહ્ય દુખાવો થાય છે, પરંતુ ઈમરજન્સી નંબર 911 ડાયલ કર્યા બાદ એમ્બ્યુલન્સના આવવાથી આ દુખાવો ખતમ થઈ જતો.

ક્લીવલેન્ડ ક્લિનિકમાં જેરિએટ્રિક ઇનોવેશનના અધ્યક્ષ ડૉ. હાશમી જણાવે છે કે, રૂથની ઇમરજન્સી રૂમ તરફ દોડ લગાવવી સામાન્ય નહોતી. વર્ષ 2015 પહેલાં તેની હાલત ઘણી સામાન્ય હતી. ઘણીવાર રૂથ સાથે લાંબી વાતચીત બાદ ડૉ. હાશમીને તેનું કારણ સમજાયું હતું. તેમને જાણવા મળ્યું કે, છાતીમાં તીવ્ર દુખાવાની આ સમસ્યા 2015માં જ શરૂ થઈ હતી, જ્યારે રુથનો પૌત્ર કોલેજનો અભ્યાસ કરવા માટે ઘરથી દૂર ચાલ્યો ગયો હતો. હવે તે એક મોટા ઘરમાં એકલી રહેતી હતી. હવે તેમને તેમના એરિયામાં સ્થિત ડાન્સ સ્ટુડિયોમાં લઈ જનાર કોઈ નહોતું. રૂથ વિચારતી કે, જો તે એકલી જ ઘરમાં સીડી પરથી નીચે પડી જાય તો કોઈ પાડોશીને ખબર પણ ના પડે. આ વિચાર આવતાં જ છાતીમાં અસહ્ય દુઃખાવો થતો અને પૅનિક અટેક શરૂ થઈ જતો.

ડૉ. હાશમી જાણતા હતા કે રૂથની સારવાર પેઇનકિલર્સ અને એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી કરવી શક્ય નથી. તેથી, તેમણે રુથને એક જેરિયાટ્રિક કેર મેનેજર (ઘરડાં લોકોની સાર-સંભાળ રાખનાર સ્વયંસેવકો) પાસે લઈ ગયા, જે તેને તેમના એરિયાના બોલરૂમ ડાન્સ સ્ટુડિયોમાં પાછા લઈ ગયા. જ્યારે તે સ્ટુડિયોમાં તેની ખુરશી પર બેઠી સંગીત સાથે પગ થિરકાવતી ત્યારે પણ તે તેની સાથે જ રહેતા. તેણે રૂથને તેના સમુદાય અને તેના પ્રિય સંગીત સાથે ફરીથી જોડાવાની તક આપી. આ થેરેપી શરૂ થતાં જ રૂથના પેનિક એટેકનો અંત આવ્યો હતો. ડૉ. હાશમીએ જે કર્યું તે તબીબી ભાષામાં ‘સોશિયલ પ્રિસ્ક્રિપ્શન’ તરીકે ઓળખાય છે.

સોશિયલ પ્રિસ્ક્રિપ્શન શું છે?

સોશિયલ પ્રિસ્ક્રિપ્શનમાં, ડૉક્ટરો તેમના દર્દીને તેમની પરિસ્થિતિ અનુસાર નૃત્ય, સંગીત અથવા પેઇન્ટિંગ વર્ગો અથવા નેચર વોક જેવી પ્રિસ્ક્રાઈબ કરી શકે છે.
સોશિયલ પ્રિસ્ક્રિપ્શનમાં, ડૉક્ટરો તેમના દર્દીને તેમની પરિસ્થિતિ અનુસાર નૃત્ય, સંગીત અથવા પેઇન્ટિંગ વર્ગો અથવા નેચર વોક જેવી પ્રિસ્ક્રાઈબ કરી શકે છે.

આમાં ડૉક્ટર ડાન્સ, મ્યુઝિક કે પેઇન્ટિંગ ક્લાસ જેવી કોઈપણ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં જોડાવાની, સામાજિક કાર્ય માટે સ્વયંસેવક બનવાની અથવા પોતાના દર્દીની સ્થિતિ અનુસાર નેચર વોક જેવી વસ્તુઓ કરવાની સલાહ આપે છે. આ ઍક્ટિવિટિ તેમના શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે પણ કરવામાં આવે છે. અમેરિકામાં વસ્તીની સરેરાશ ઉંમર વધી રહી છે અને લાંબા ગાળાના રોગો તથા માનસિક સ્વાસ્થ્યને લગતાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દવાઓ અપેક્ષા મુજબ કામ કરતી નથી.

કોરોનાકાળમાં વધેલી એકલતાના સમયમાં આ વાત વધુ સ્પષ્ટ રીતે સાબિત થઈ છે. સ્વાસ્થ્યના સામાજિક પરિબળો પર કામ કરી શકે તેવી દવાઓની સૂચિમાં ખૂબ જ ઓછાં શસ્ત્રો છે. આવી સ્થિતિમાં ‘સોશિયલ પ્રિસ્ક્રિપ્શન’ એક સમાધાન બની શકે છે. સામાજિક પ્રિસ્ક્રિપ્શનને હજી સુધી સત્તાવાર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. જોકે, યુકેમાં આ વ્યાખ્યા નક્કી કરવી એ સારાં સંકેત હોઈ શકે છે, કારણ કે અહીંની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (NHS) એકમાત્ર મોટી હેલ્થ કેર સિસ્ટમ છે, જે રાષ્ટ્રીય સ્તરે સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગને ભંડોળ પૂરું પાડે છે. બ્રિટેનની કોલેજ ઓફ મેડિસિનના અધ્યક્ષ અને સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ ઝુંબેશ શરૂ કરનારા લોકોમાંના એક ડૉ. માઇકલ ડિક્સન કહે છે કે, ‘આ વ્યાખ્યાનો અવકાશ મોટો રાખવો જોઈએ. મારા મતે કોઈપણ બાબત ઉપયોગી થઈ શકે છે કે, જે દર્દી અને સ્થાનિક ડૉક્ટર બંનેને લાગે કે પરિસ્થિતિ વધુ સારી બનાવી શકે છે.'

સ્થાનિક ડૉક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે

યુ.એસ. અથવા અન્ય દેશોમાં સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ હજી પણ ભાગ્યે જ જોવા મળે છે.
યુ.એસ. અથવા અન્ય દેશોમાં સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ હજી પણ ભાગ્યે જ જોવા મળે છે.

ડૉ. ડિક્સન કહે છે કે, આમાં સ્થાનિક ડૉક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તે સમુદાયને વધુ સારી રીતે જાણે છે. તે દર્દી સાથે વાત કરવામાં સમય અને શક્તિ ખર્ચે છે. તે દર્દીની રુચિઓ, સંસાધનો અને પ્રેરણાથી વાકેફ છે. તે સારવાર માટે અસરકારક યોજના તૈયાર કરવા માટે દર્દી સાથે કામ કરી શકે છે, જેમાં તેમની સુવિધા અનુસાર સામાજિક પ્રવૃત્તિઓ સામેલ છે. પરંપરાગત ડૉકટરો શક્ય તેટલી વહેલી તકે દર્દીનું નિદાન કરીને દવાઓ સૂચવવા માંગે છે. જ્યારે સ્થાનિક ડૉકટરો જેમને ડૉ. ડિક્સન 'લિંક વર્કર્સ' કહે છે, તે દર્દી માટે શું મહત્વનું છે તે શોધવાનો પ્રયાસ કરે છે. સોશિયલ પ્રિસ્ક્રિપ્શનમાં કઈ પ્રવૃત્તિ મૂકવામાં આવી છે? તેનાથી બહુ ફરક પડતો નથી. તે કલા, પ્રકૃતિ અથવા સામાજિક કાર્ય સાથે સંકળાયેલી પ્રવૃત્તિ હોઈ શકે છે. તેમાં દરરોજ રસોઈ બનાવતા શીખવું અથવા તમારા કૂતરાં સાથે ચાલવા જવું પણ સામેલ હોઈ શકે છે.

યુ.એસ. અથવા અન્ય દેશોમાં સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ હજુ પણ ભાગ્યે જ જોવા મળે છે. યુ.એસ.માં તેના મોટા હિમાયતી ડૉ. દેબ બુકિનો છે, જે પશ્ચિમ મેસેચ્યુસેટ્સના બર્કશાયરમાં મૈકૉની પેડિયાટ્રિક્સમાં પિડિયાટ્રીશન છે. ડૉ. બુચિનો છેલ્લાં બે વર્ષથી સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ કરી રહ્યાં છે. તે માસ કલ્ચરલ કાઉન્સિલની તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવતાં કલ્ચર-આરએક્સ (Culture-RX) અભિયાનનો એક ભાગ હતાં, પરંતુ આ અભિયાન શરૂ થતાં જ કોરોનાને કારણે દુનિયા થંભી ગઈ હતી. જો કે, કોરોનાએ જ સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગની જરૂરિયાતને વધુ સ્પષ્ટ કરી દીધી હતી.

બાળકોમાં સામાજિક જોડાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે

એક્સપર્ટના મતે ભાગ્યે જ દર્દીઓ ડોક્ટરની કસરત કે પૌષ્ટિક આહાર ખાવાની સલાહ પર ધ્યાન આપતા હોય છે. પરંતુ સોશિયલ પ્રિસ્ક્રિપ્શને પણ આ બાબતોને સરળ બનાવી દીધી છે.
એક્સપર્ટના મતે ભાગ્યે જ દર્દીઓ ડોક્ટરની કસરત કે પૌષ્ટિક આહાર ખાવાની સલાહ પર ધ્યાન આપતા હોય છે. પરંતુ સોશિયલ પ્રિસ્ક્રિપ્શને પણ આ બાબતોને સરળ બનાવી દીધી છે.

ડૉ. બુચિનો તેના દર્દીઓમાંથી એવા બાળકોને સોશિયલ પ્રિસ્ક્રાઈબિંગ માટે પસંદ કરે છે કે, જેમને આનાથી વધુ લાભ થશે. આ એવા બાળકો છે કે, જે પોતાના વધુ વજન, ચિંતા કે ડિપ્રેશનના કારણે ક્યાંય આવતાં-જતાં નથી અથવા તો તેમના પરિવારમાં કોઈને કોઈ કારણસર સમસ્યાઓ આવી રહી છે જે તેમને રોકે છે. ડૉ.બુચિનો સાથે આ પ્રોગ્રામમાં કામ કરનારી નર્સ એડ્રિયન કોન્ક્લીન જણાવે છે કે, તેના ક્લિનિકમાં 8 વર્ષનો બાળક જીમી આવ્યો હતો. તે જન્મજાત એક પીડાદાયક રોગથી પીડાઈ રહ્યો હતો.

પરિવારમાં નશાને લગતી સમસ્યાના કારણે તે દાદી સાથે રહેતો હતો. મર્યાદિત આવક અને તેની માંદગીને કારણે તેનું બહાર નીકળવું ઓછું થઈ ગયું હતું. શાળામાં મિત્રો પણ બનાવી શકતો નહોતો. નર્સ કોન્સિલિને જિમ્મી માટે 'ધ લિટલ મરમેઇડ' નાટકની ટિકિટ ખરીદી. તેણે તેના મિત્ર સાથે નાટક જોવાનું હતું. એક અઠવાડિયા પછી જ્યારે તેણે જિમીની દાદીને ફોલોઅપ માટે બોલાવ્યા ત્યારે પરિણામો આઘાતજનક હતા. દાદીમાએ જણાવ્યું હતું કે, આ એક કલાકનું નાટક જીમીએ પૂરાં આનંદથી નિહાળ્યું હતું. તે ખુશ હતી, કારણ કે આ પહેલી વાર હતું જ્યારે જિમ્મીએ આનંદ સાથે આટલો સમય પસાર કર્યો હતો.

કોન્કલિન કહે છે કે, થિયેટરની ટિકિટ જેવી કંઈક વસ્તુ ખૂબ જ નાની વસ્તુ છે, પરંતુ સમસ્યાઓથી ઘેરાયેલા પરિવાર માટે તે એક મોટી વાત હતી. જીમીએ પહેલી જ વાર આખો એક કલાક ખુશીથી વિતાવ્યો હતો. ડૉ. બુચીનોનું કહેવું છે કે, ડૉક્ટરની નિયમિત કસરત કરવાની કે પૌષ્ટિક આહાર લેવાની સલાહ પર ખૂબ જ ઓછાં દર્દીઓ ધ્યાન આપે છે, પરંતુ સોશિયલ પ્રિસ્ક્રીપ્શનની પ્રવૃત્તિઓને કારણે આ બાબતો પણ સરળ બની છે.

સોશિયલ પ્રિસ્ક્રિપ્શન પર હજી વધુ સંશોધનની જરૂર છે

કેન્સર જેવા રોગોમાં આવી થેરાપીથી ફાયદો થયો છે, પરંતુ આ અંગે હજી સુધી કોઈ વ્યવસ્થિત સંશોધન થયું નથી.
કેન્સર જેવા રોગોમાં આવી થેરાપીથી ફાયદો થયો છે, પરંતુ આ અંગે હજી સુધી કોઈ વ્યવસ્થિત સંશોધન થયું નથી.

હજી પણ આ સારવારનો ખર્ચ ઉઠાવવા માટે સરકાર અથવા વીમા કંપનીઓ સાથે સંમત થવું એ એક મોટો અવરોધ છે. આ માટે વ્યવસ્થિત સંશોધનની જરૂર પડશે અને તે હજી સુધી તે થયું નથી. જે સંશોધન થયું છે, તે સોશિયલ પ્રિસ્ક્રિપ્શનની સંપૂર્ણ અસરને સમજાવતું નથી. વર્ષ 2010માં પ્લોસ મેડિસિન જર્નલમાં પ્રકાશિત 30 લાખ વૃદ્ધો પર થયેલાં એક રિસર્ચ મુજબ એકલતાથી મૃત્યુનું જોખમ એક દિવસમાં 15 સિગારેટ જેટલું વધી જાય છે.

વર્ષ 2015માં લેન્સેટે એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો, જેમાં પ્રાથમિક ચિત્તભ્રમણાવાળા 1,200 પુખ્ત વયના લોકોમાંથી કેટલાકને પરંપરાગત આરોગ્ય સલાહ આપવામાં આવી હતી અને કેટલાકને સામાજિક કાર્ય અને નિયમિત કસરત સાથે જોડવામાં આવ્યા હતા. બીજા ગૃપમાં વધુ સારાં પરિણામો જોવા મળ્યાં હતાં જ્યારે પરંપરાગત આરોગ્ય સલાહ લેનારાઓની સ્થિતિ વધુ કથળી હતી. કેન્સર જેવા રોગોમાં આવી થેરાપીનો લાભ જોવા મળ્યો છે, પરંતુ હજુ સુધી આના પર કોઈ સચોટ રિસર્ચ નથી થયું, જેના કારણે મેડિકલ કમ્યુનિટી સંપૂર્ણપણે પોતાની તરફેણમાં આવી નથી. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી સોશિયલ પ્રિસ્ક્રિપ્શન મર્યાદિત અવકાશમાં વૈકલ્પિક સારવાર રહેશે.