• Gujarati News
 • Lifestyle
 • Health
 • Smog And Air Pollution Will Increase In Winter So Corona Is Likely To Increase, What Foods To Eat To Avoid It And What Kind Of Exercise To Do: Learn From An Expert

ઈમ્યુનિટી વધારવા ડ્રાયફ્રૂટ ખાવ:શિયાળામાં સ્મોગ અને વાયુ પ્રદૂષણ વધશે તેથી કોરોના વધવાની શક્યતા, તેનાથી બચવા કેવો ખોરાક લેવો જોઈએઃ જાણો એક્સપર્ટ પાસેથી

પ્રિયંકા પંચાલ2 વર્ષ પહેલા
 • શિયાળામાં સૌથી મહત્ત્વપૂર્ણ છે મસાજ, શિયાળામાં દરરોજ મસાજ કરવી જોઈએ તે કોરોનાની સામે રક્ષણ પણ આપશે
 • ઘરની હવાને શુદ્ધ રાખવા માટે એલોવેરા, એરેકા પામ, મની પ્લાન્ટ, ગરબેરા ડેઝી જેવા છોડ વાવવા જોઈએ
 • શિયાળામાં શાકાહારી ખોરાક જેમ કે, શાક-રોટલી અને દાળ-ભાત એ ઈમ્યુનિટી વધારવા માટે સૌથી સારો ખોરાક

કહેવત છે કે ખાધે- પીધે શિયાળો અને વેઠ કાઢે ઉનાળો. અર્થાત્ શિયાળામાં ભૂખ વધુ લાગે અને નવું નવું ખાવાનું પણ મન વધારે થાય. પરંતુ આ શિયાળો થોડો જુદો છે. કેમ કે, અત્યારે કોરોના હજુ ગયો નથી. ઠંડીમાં ન માત્ર વાયુ પ્રદૂષણ અને સ્મોગ વધશે પરતું કોરોનાવાઈરસનું જોખમ પણ વધી જશે. આવી સ્થિતિમાં લોકોને કોરોના સિવાય અન્ય બીમારીઓનું પણ જોખમ વધારે રહે છે.

તે ઉપરાંત દિવાળીમાં ફટાકડા ફોડવાથી એના જે દૂષિત કણો વાતાવરણમાં ફેલાવાના છે તેનાથી પણ બચવાનું છે. એટલે શિયાળામાં ઈમ્યુનિટી વધારવાની જરૂર છે. ઈમ્યુનિટી મજબૂત હશે તો કોરોનાની સાથે અન્ય બીમારીથી પણ બચી શકાશે. શિયાળામાં ઈમ્યુનિટી વધારવા અને બીમારીથી બચવા માટે શું ખાવું જોઈએ તે વિશે અમદાવાદના આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય પ્રેરક શાહે 'દિવ્ય ભાસ્કર' સાથે વાત કરી. તેમણે કહ્યું કે, ઈમ્યુનિટી વધારવા માટે એવો ખોરાક ખાવો જોઈએ અને એવી એક્સર્સાઈઝ કરવી જોઈએ જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે.

કેવો ખોરાક લેવો જોઈએ અને કેવો ન લેવો જોઈએ?
વૈદ્ય શાહે કહ્યું કે, શિયાળામાં શાકાહારી ખોરાક જેમ કે, શાક-રોટલી અને દાળ-ભાત એ ઈમ્યુનિટી વધારવા માટે સૌથી સારો ખોરાક છે. આવું રિસર્ચમાં પણ સાબિત થયું છે. જર્મનીના વૈજ્ઞાનિકોએ ભારતના ફૂડ પર રિસર્ચ કર્યું હતું તેમાં સાબિત થયું કે હતું કે ભારતીય લોકોનો જે શાકાહારી ખોરાક છે તે ઈમ્યુનિટી વધારવા માટે સૌથી સારો ખોરાક છે. રૂટિનમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકાય.

 • કાજુ
 • શિયાળામાં કાજૂ ઘણા સારા છે તે પેટના રોગો અને ચામડીના રોગ માટે ફાયદાકારક છે.
 • બદામ
 • બદામની તાસીર ગરમ છે પણ તે પુષ્કળ તાકાત આપે છે. બદામ ચાવીને ખાવી જોઈએ. જો તેને ચાવીને ખાવામાં ન આવે તો તેના પૂરેપારા ફાયદા નથી મળતા.
 • પિસ્તા
 • પિસ્તા પચવામાં ભારે છે પરંતુ તે શરીરમાં ગરમી આપે છે. પરંતુ પિત્ત પ્રકૃતિવાળા લોકોએ પિસ્તા ઓછા ખાવા જોઈએ.
 • અખરોટ
 • તેવી જ રીતે અખરોટ પણ પચવામાં ભારે પડે, પણ તે પણ શરીરને ઈમ્યુનિટી આપે છે અને ભૂખ વધારે છે. પરંતુ જે લોકોને કફ વધારે રહેતો હોય તે લોકોએ અખરોટ ઓછા ખાવા જોઈએ.
 • ચારોળી
 • ચારોળી પણ ઘણી રીતે શક્તિ પ્રદાન કરે છે. જો કે, ચારોળી ઠંડી છે અને પચવામાં ભારે તેથી બીમાર લોકોએ તેને ન ખાવી જોઈએ. જે લોકોની પાચન શક્તિ મજબૂત હોય તે લોકોએ ખાવી જોઈએ.
 • દહીં, કેળાથી દૂર રહો
 • શિયાળામાં જે લોકોને કાયમી શરદી અને કફ રહેતો હોય તે લોકોએ દહીં અને કેળાથી દૂર રહેવું જોઈએ.
 • સૂંઠ, તલ
 • શિયાળામાં વસાણામાં સૂંઠ, ગોળ અને ઘીની ગોળીઓ બનાવીને ખાવી. તે નાનાં બાળકોથી લઈને મોટા લોકો પણ ખાઈ શકે છે. તે ઈમ્યુનિટી વધારવા માટે સૌથી બેસ્ટ છે. તે ઉપરાંત તલ શક્તિવર્ધક છે અને તે શરીરને ગરમી આપે છે તેથી આપણે તલ ખાઈએ છીએ.
 • કોપરું અને ગોળ
 • કોપરું અને ગોળ અને શિયાળામાં ઘણા લોકો ખાતા હોય છે કેમ કે, તે શરીરને તાકાત આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં બોડી ડિટોક્સ થાય તે માટે અને ઈમ્યુનિટી વધારવા માટે સૂંઠ, મેથી અને દીવેલ. અધકચરી મેથી અને સૂંઠના પાવડરને દીવેલમાં શેકીને ખાવાથી સાંધાના દુખાવામાં રાહત આપે છે.
 • હળદર, મરી
 • શિયાળામાં જે લોકોને નાક સંબંધિત બીમારી થાય છે, તે લોકોએ એક ચમચી હળદર, એક કાળું મરી, તુલસીનાં 10 પાંદડાં સવારે ખાવાથી રાહત મળે છે. જે લોકોને વધારે ઈમ્યુનિટી વધારવી હોય તો લોકો લીંડી પીપરનો ઉપયોગ કરી શકે છે.

એક્ટિવિટી

 • વૈદ્ય શાહના જણાવ્યા પ્રમાણે, કોઈપણ પ્રકારની કસરત કરી શકાય છે. પરંતુ આયુર્વેદમાં તેનો એક નિયમ છે કે કસરત કેટલી કરવી. આયુર્વેદના સિદ્ધાંત મુજબ તમારી અડધી તાકાત વપરાય એટલી એક્સર્સાઈઝ કરવી જોઈએ. જોકે, તમને કેવી રીતે ખબર પડે કે તમારી અડધી એનર્જી વપરાઈ ગઈ છે, ધારો કે તમે મોર્નિંગ વૉક કરવા જાવ છો, કે જીમમાં એક્સર્સાઈઝ કરો છો તો તેના માટે નક્કી નથી હોતું કે કેટલા સમય સુધી કરવી.
 • આયુર્વેદમાં જણાવાયું છે, સામાન્ય માણસે પોતાની કેપેસિટી પ્રમાણે અડધી એનર્જી વપરાય એટલી એક્સર્સાઈઝ કરવી. જ્યારે કપાળ કે બોચી અને બગલમાં પરસેવો થાય ત્યારે સમજી જવું કે તમારી અડધી તાકાત વપરાઈ ગઈ છે. એટલે પ્રકૃતિ પ્રમાણે માણસે એક્સર્સાઈઝ કરવી જોઈએ. કઈ કસરત અને કેટલી કસરત એ માણસની પ્રકૃતિ પ્રમાણે નક્કી થવી જોઈએ.

મસાજ અથવા માલિશ
શિયાળામાં સૌથી મહત્ત્વપૂર્ણ છે તો એ છે મસાજ, શિયાળામાં દરરોજ મસાજ કરવી જોઈએ તે કોરોનાની સામે રક્ષણ પણ આપશે. દરરોજ માણસે એની પ્રકૃતિ પ્રમાણે નવશેકું તેલ લઈને મિનિમમ 20 મિનિટ સુધી સાબુ ઘસતા હોય તે રીતે માલિશ કરવી જોઈએ.

નાસ
તેમજ માસ્ક ફરજિયાત પહેરવાના હોવાથી ધૂળ, રજકણથી તો તમને રક્ષણ મળશે તેમ છતાં પણ નાસ લેવા જોઈએ. ગરમ પાણીમાં અજમો નાખીને નાસ લેવા જોઈએ. અજમો પણ એન્ટિવાયરલથી ભરપૂર છે. તે કોરોનાકાળમાં સૌથી વધારે અસરકારક છે.

ઈમ્યુનિટી વધારતા ક્યા ક્યા ઔષધ છે?

 • તેમાં સૌથી પ્રથમ ચ્યવનપ્રાશ આવે છે. ત્યારબાદ આવે છે ધાત્રિ રસાયણ ધાત્રિ એટલે આંબળા. જોકે, આંબળાને પ્રિઝર્વ કરવા માટે લોકો તેનો રસ કાઢીને તેમાં કેમિકલ ઉમેરે છે અને તેમાંથી જે તત્ત્વો મળવાં જોઈએ તે નથી મળતાં. બને એટલું આંબળાને તાજા ખાવા જોઈએ.
 • દરેક લોકોએ સુવર્ણ વસંત માલતી ખાવાની જરૂર નથી. ઘણા વૈદ્ય તેને પ્રિસ્ક્રાઈબ કરે છે. જો કે આ દવા ઘણી મોંઘી છે તેથી કોઈ વૈદ્યની સલાહથી જ આ દવા લેવી જોઈએ.

રેસ્પિરેટરી એલર્જી

 • જેમાં શરદી, છીકાછીંક થવી, શરદી ભરાઈ જવી, અસ્થમા જેવી બીમારી રેસ્પિરેટરી એલર્જી છે. આ બધાથી છૂટકારો મેળવવા માટે તુલસી અને મધનો ઉપયોગ કરવો તેમજ નાસ લેવા જોઈએ. શરદી અને કોરોનાથી બચવા માટે સાદું તેલ અથવા ગાયના ઘીને ટચલી આંગળીમાં બોળીને નાકના નસકોરામાં ચોપડી દેવું જોઈએ. પ્રકૃતિ પ્રમાણે તલનું તેલ અથવા ગાયના ઘી બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી તે નાકમાંથી વાઈરસને શરીરમાં પ્રવેશ કરવા નહીં દે.

ઘરની હવાને શુદ્ધ રાખવા માટે એલોવેરા, એરેકા પામ, મની પ્લાન્ટ, ગરબેરા ડેઝી જેવા છોડ વાવવા જોઈએ.

એલોવેરા: એલોવેરા પ્લાન્ટ ઘણા ગુણકારી છે. એલોવેરા ફાર્મેલ્ડિડાઈડ જેવા હાનિકારક ગેસને દૂર કરે છે.

એરેકા પામઃ ઓ છોડને લિવિંગ રૂમ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. તે હવામાંથી ફાર્મેલ્ડિહાઈડ, કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી ગેસને દૂર કરીને શુદ્ધ ઓક્સિજન આપે છે.

મની પ્લાન્ટઃ મોટાભાગના ઘરમાં મની પ્લાન્ટ જોવા મળે છે. તે હવાને શુદ્ધ કરવામાં મદદગાર છે. તે સરળતાથી ગમે ત્યાંથી મળી જાય છે. મની પ્લાન્ટ ઘરમાં ઓક્સિજનની માત્રા વધારે છે.

ગરબેરા ડેઝી: ચમકતા ફૂલોવાળા આ છોડ હવાને શુદ્ધ કરે છે. તે ઘણા રસાયાણિક તત્ત્વોને ઘરની બહાર નીકાળે છે. તેને તમે તમારા બેડરૂમમાં પણ લગાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...