નવી ટેક્નોલોજી:હવે લેઝર લાઈટથી સાંધાનો દુખાવો ઓછો કરી શકાશે, તાઈવાનના વૈજ્ઞાનિકોએ નવી પદ્ધતિ વિકસાવી

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈજ્ઞાનિકોનું માનવું છે કે લેઝર લાઈટની સારવારથી સાંધામાં ડેમેજ થયેલાં ટિશ્યુ રિપેર થાય છે
  • સારવારની અસરકારકતા તપાસવા માટે 20 દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું

જો તમે સાંધાના દુખાવાથી પીડિત છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તાઈવાનના વૈજ્ઞાનિકોએ લેઝર લાઈટથી સાંધાના દુખાવાનું નિરાકરણ લાવવાની પદ્ધતિ શોધી લીધી છે. તેના માટે ઘૂંટણના દુખાવાથી પીડિત 20 દર્દીઓ પર વૈજ્ઞાનિકોએ ટ્રાયલ કર્યું હતું. તેમનો દાવો છે કે આ લેઝર લાઈટ સૂર્યના કિરણો કરતાં 100ગણી વધારે ચમકદાર છે. તે આર્થ્રાઈટિસના દર્દીઓ માટે ફાયદાકરક સાબિત થઈ શકે છે. તેની મદદથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનું જોખમ ઘટાડી શકાશે.

આ રીતે લેઝર લાઈટ દુખાવો ઘટાડી રહી છે

  • દર્દીઓના હાથની નસમાં કેથેટરની મદદથી લેઝર લાઈટ એમિટ કરવામાં આવે છે. નસમાં કેથેટર નાખ્યા બાદ 60 મિનિટ માટે લેઝર લાઈટ ઓન રખાય છે. એક દિવસમાં આવું 1 વખત કરવામાં આવે છે. આ કોર્સ 5 દિવસ ચાલે છે.
  • વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનાથી આખાં શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. શરીરમાં પોષકતત્વો અને ઓક્સીજનનું સર્ક્યુલેશન વધવાથી સાંધામાં ડેમેજ થયેલાં ટિશ્યુ રિપેર થાય છે. આ સિવાય સાંધામાં થનારા સોજામાં પણ રાહત મળી રહે છે.
  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રકારની સારવારથી શરીરમાં સ્ટેમ સેલ રિલીઝ થાય છે, જે નવાં ટિશ્યુ તૈયાર કરે છે.

ઓસ્ટિયોઆર્થ્રાઈટિસના દર્દીઓને શા માટે દુખાવો થાય છે
વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ટેક્નોલોજીથી ઓસ્ટિયોઆર્થ્રાઈટિસના દર્દીઓને ઘણી રાહત મળી શકે છે. ઓસ્ટિયોઆર્થ્રાઈટિસ આર્થ્રાઈટિસનો એક પ્રકાર છે, જેમાં સાંધાની કિનારીએ રહેલા કાર્ટિલેજ ધીરે ધીરે ડેમેજ થવા લાગે છે. આવું થવા પર સાંધામાં દુખાવો થવા લાગે છે. પેનકિલર્સ અને એન્ટિ ઈન્ફ્લેમેટરી દવાથી તેની સારવાર કરવામાં આવે છે. કેટલાક કેસમાં ઈન્જેક્શન પણ આપવામાં આવે છે.

બ્લડ સેમ્પલ એકઠા કરવામાં આવી રહ્યા છે
રિસર્ચ પછી દર્દીઓ પર ટ્રાયલ ચાલી રહ્યું છે. તાઈવાનની ટ્રાઈ સર્વિસ જનરલ હોસ્પિટલમાં ચાલી રહેલા ટ્રાયલમાં દર્દીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. અલગ અલગ ગ્રુપમાં 3 દિવસ, 1 મહિના અને 3 મહિનાની થેરપી આપ્યા બાદ લેઝર લાઈટની અસરની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય દુખાવો કેટલી હદે થાય છે તેની પણ તપાસ ચાલી રહી છે.