રિસર્ચ:અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોનોવાઈરસનું પુન:ઉત્પાદન રોકી શકે તેવા સંયોજનોની ઓળખ કરી

2 વર્ષ પહેલા
  • યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું
  • રિસર્ચમાં બોસપ્રિવિઅર અને એન્ટિવાઈરલ ડ્રગ GC-376નો ઉપયોગ કરવામાં આવ્યો
  • આ સંયોજનો કોરોનાવાઈરસનું પુન:ઉત્પાદન થવા દેતા નથી

દુનિયાભરમાં કોરોનાવાઈરસના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે. કોરોનાની રસીની આશાઓ વચ્ચે તેને લઈ અવનવા રિસર્ચો સામે આવી રહ્યા છે. તેવામાં અમેરિકામાં કરવામાં આવેલા એક રિસર્ચના એક આશાવાદી પરિણામો સામે આવ્યા છે. મેડિકલ જર્નલ ‘સેલ રિસર્ચ’માં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે વૈજ્ઞાનિકોએ કોરોનાવારસના કોષોના પુન:ઉત્પાદનને બ્લોક કરતા કેટલાક સંયોજનોની ઓળખ કરી છે. જોકે તેને પ્રયોગ લેબમાં બનાવેલા હ્યુમન સેલ અર્થાત માનવીય કોષો પર કરવામાં આવ્યો હતો.

રિસર્ચ
યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા દ્વારા કરાયેલાં રિસર્ચમાં અમેરિકાના FDA (ફૂડ એન્ડ ડ્રગ) દ્વારા હિપેટાઈસિસ-સી માટે મંજૂરી અપાયેલા બોસપ્રિવિઅર અને એન્ટિવાઈરલ ડ્રગ GC-376નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બંને સંયોજનોથી કોવિડ-19ના મેઈન પ્રોટીઝ એન્ઝાયમ્સ પર હુમલો કરાયો હતો. તેને લીધે વાઈરસના એન્ઝાયમ્સ પ્રોટીન મેળવી શકતા ન હતા અને તેના કોષોનું પુન:ઉત્પાદન કરી શકવામાં નિષ્ફળ રહ્યા હતા. તેને લીધે શરીરમાં નવા વાઈરસના કોષો ઉત્પન્ન થતાં અટકે છે અને તે શરીરના અન્ય કોષોને પણ સંક્રમિત કરી શકતા નથી.

યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના અસોસિએટ પ્રોફેસર યુ શેનના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ એકદમ ઝડપથી પગપસારો કરી રહ્યો છે. તેવામાં નવી એન્ટિવાઈરલ દવાઓ તૈયાર કરવાનો સમય જ નથી. આ પ્રકારના સંયોજનો અને નવી ટેક્નોલોજીની મદદથી ચોકક્સ દવા શોધવામાં મદદ મળી રહેશે.

શેન કહે છે કે, વાઈરસના મેઈન પ્રોટીઝ એન્ઝાયમ્સને નિષ્ક્રિય કરતી દવાઓની ઓળખ કરવી આવશ્યક છે. તેને લીધે વાઈરસની લાઈફ સાઈકલ તોડવામાં મદદ મળી રહે છે. જોકે તેની કેટલીક આડઅસરો પણ છે તેથી સાવચેત રહેવું આવશ્યક છે.

રિસર્ચમાં કુલ 4 દવાની ઓળખ થઈ
યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા અને અરિઝોના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ પ્રકારની કુલ 4 દવાની ઓળખ કરી છે. તેમાં હિપેટાઈસિસની સારવારમાં ઉપયોગી બોસપ્રિવિઅર, એન્ટિવાઈરલ ડ્રગ GC-376, કેલ્પિન ઈનહિબિટર્સ II અને XIIનો સમાવેશ થાય છે. આ તમામ સંયોજનો લેબમાં કોરોનાની સારવારમાં સક્ષમ સાબિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...