માંસાહારી બાળકોની તુલનામાં શાકાહારી બાળકોનું વજન અડધાથી પણ ઓછું હોઈ શકે છે. 2 થી 5 વર્ષના બાળકો પર કરવામાં આવેલા અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે, ભોજનના કારણે આવું થવાની શક્યતા છે. ટોરેન્ટોની સેન્ટ મિશેલ હોસ્પિટલની આગેવાનીમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં આ અંગે ખુલાસો થયો છે.
માંસાહારી અને શાકાહારી બાળકોમાં પોષણ લગભગ સમાન હોય છે
સંશોધકોએ આ રિસર્ચમાં 9 હજાર બાળકોને સામેલ કર્યા હતા. જેમાં કુલ 250 જેટલા શાકાહારી બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બાળકોની ઊંચાઈ, બોડી માસ ઇન્ડેક્સ (BMI) અને પોષણ લગભગ માંસ ખાતા બાળકોની ઊંચાઈ જેટલું જ હતું, પરંતુ જ્યારે તેમના BMIની ગણતરી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, શાકાહારી બાળકોમાં વજન ઓછું રહેવાની શક્યતા 94 ટકા જેટલી વધારે છે.
શાકાહારી બાળકોમાં ઓછું વજન હોવાની શક્યતા વધુ છે
સંશોધનમાં 8,700 માંસાહારી બાળકોમાંથી 78 ટકા બાળકોનું વજન ઉંમર પ્રમાણે યોગ્ય હતું. શાકાહારી બાળકોમાં 79% બાળકોનું વજન ઉંમર પ્રમાણે યોગ્ય હતું. આ ઉપરાંત જે બાળકોનું વજન ઉંમર પ્રમાણે યોગ્ય નહોતું તેમાં માંસાહારી બાળકોનું પ્રમાણ 3 ટકા જ હતું જ્યારે શાકાહારી બાળકોનું પ્રમાણ 6 ટકા હોવાનું સામે આવ્યું છે. આ સંશોધનના આધાર પર વૈજ્ઞાનિકોએ કહ્યું કે, શાકાહારી બાળકોનું વજન ઉંમર મુજબ ઓછું હોવાની શક્યતા વધારે છે.
માંસાહારી બાળકોનું વજન વધારે હોઈ શકે છે
આ સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે, માંસ ખાનારા બાળકોમાં મેદસ્વિતાનું જોખમ વધારે રહે છે. વૈજ્ઞાનિકો દ્વારા તેનું એક કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે, શાકાહારી ખોરાકમાં બાળકોના વિકાસના આવશ્યક પોષક તત્વો હોતા નથી. આ સાથે જ એ પણ ઉમેરવામાં આવ્યું છે કે, એશિયામાં બાળકો મોટાભાગે શાકાહારી હોય છે. જેથી તેમનું ઉંમર પ્રમાણે વજન ઓછું હોય છે.
ભારતમાં બાળકોના વિકાસનું પ્રમાણ અલગ છે
આ અભ્યાસમાં સામેલ બાળરોગ ચિકિત્સક ડો.જોનાથન માગુરીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકામાં બાળકોના વિકાસનું પ્રમાણ અલગ છે. ભારતમાં 5 વર્ષની બાળકીનું વજન 17 કિલો હોવું જોઈએ અને તેની ઊંચાઈ 108 સેન્ટીમીટર હોવી જોઈએ. જ્યારે અમેરિકામાં 5 વર્ષની બાળકીનું વજન 18 કિલો હોવું જોઈએ. એવામાં અભ્યાસમાં શાકાહારી બાળકો મોટાભાગના એશિયાના હોવાના કારણે તેમના વજનને લઈને આ પરિણામ આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.