ડિપ્રેશન અને ચિંતા અંગે હાલ એક યુનિવર્સિટી દ્વારા એક રીસર્ચ કરવામાં આવ્યું હતું અને આ રિસર્ચમાં એક ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસા મુજબ જો તમે કમ સે કમ એક અઠવાડિયા જેટલા સમયગાળા માટે સોશિયલ મીડિયાથી બ્રેક લો તો તમારા ડિપ્રેશન અને ચિંતામાં ઘટાડો થઇ શકે છે. ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પરથી સાત દિવસ સુધી બ્રેક લેનારા લોકોમાં અવિશ્વસનીય બદલાવ સામે આવ્યા છે. યુનિવર્સિટી ઑફ બાથના એક અભ્યાસ મુજબ આ લોકોમાં ડિપ્રેશન અને ચિંતાનું પ્રમાણ સાવ નિમ્ન સ્તરે હતું. સંશોધકોએ 18 થી 72 વર્ષની વયના 154 લોકોના નમૂનાને બે ગૃપમાં વિભાજિત કર્યા હતા, જેમાંથી એક ગૃપ પર સોશિયલ મીડિયા યુઝ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે બીજા ગૃપ પર નહોતો.
આ અભ્યાસમાં ભાગ લેનાર લોકોએ અઠવાડિયામાં સરેરાશ આઠ કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. આ અભ્યાસમાં ભાગ લેનાર લોકોની ચિંતાનું સ્તર, ડીપ્રેશન અને તેમની ખુશીનું સ્તર આ ત્રણ બાબતોને આધાર સ્વરુપે લઈને તેમની સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી. તેમની ખુશીનું સ્તર માપવા માટે "હું ભવિષ્ય વિશે આશાવાદી છું" અને "હું સ્પષ્ટપણે વિચારી રહ્યો છું" જેવા નિવેદનો સાથે તેમના કરારને રેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ડીપ્રેશનને માપવા માટે ઉમેદવારોને એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે, "છેલ્લા બે અઠવાડિયા દરમિયાન તમે કેટલી વાર આનંદ અનુભવ્યો અને કેટલો સમય તમે પરેશાન હતા?" જનરલ એન્ગ્ઝાયટી ડિસઓર્ડર સ્કેલનો ઉપયોગ કરીને ચિંતાના સ્તર પર નજર રાખવામાં આવી હતી, વ્યક્તિ કેટલી વાર ગભરાટ અથવા ચિંતા અનુભવે છે અને પરેશાન થાય છે?
ડૉ. જેફ લેમ્બર્ટ, યુનિવર્સિટી ઓફ બાથના મત મુજબ, 'જો તમે દર અઠવાડિયે સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલિંગ કરતા હોવ અને તમને લાગતું હોય કે તેનાથી તમને નકારાત્મક અસર થઈ રહી છે, તો ઘટાડો કરવો એ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.' આ અભ્યાસમાં જે લોકોએ સોશિયલ મીડિયાથી એક અઠવાડિયાનો બ્રેક લીધો હતો The Warwick-Edinburgh Mental Well-being સ્કેલ પર તેમની સુખાકારી 46 થી વધીને 55.93 ની સરેરાશ સુધી નોંધાઈ હતી. દર્દીની આરોગ્ય પ્રશ્નાવલી-8માં આ જૂથમાં ડિપ્રેશનનું સ્તર 7.46થી ઘટીને 4.84 થયું હતું જ્યારે સ્કેલ પર ચિંતા 6.92થી ઘટીને 5.94 થઈ હતી. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ફોર હેલ્થના મુખ્ય લેખક ડો. જેફ લેમ્બર્ટે જણાવ્યું હતું કે આ ફેરફાર ડિપ્રેશન અને સુખાકારીમાં મધ્યમ સુધારો અને ચિંતામાં થોડો સુધારો દર્શાવે છે.
ડૉ. લેમ્બર્ટે જણાવ્યું હતું કે: "આ અભ્યાસમાં ભાગ લેનારા ઘણા લોકોએ સોશિયલ મીડિયાથી દૂર રહેવાથી મૂડમાં આવેલા સકારાત્મક બદલાવ અને ચિંતાના પ્રમાણમાં નોંધાયેલા ઘટાડા અંગે જાણ કરી હતી." આ અભ્યાસ સૂચવે છે કે, જીવનમાં ઘણીવાર કોઈ વસ્તુ પર મુકવામાં આવેલો નાનકડો એવો વિરામ પણ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. તેમણે આગળ કહ્યું: "અલબત્ત, સોશિયલ મીડિયા એ જીવનનો એક ભાગ છે અને ઘણા લોકો માટે, તે કોણ છે અને તે અન્ય લોકો સાથે કેવી રીતે વાતચીત કરે છે તેનો તે અનિવાર્ય ભાગ છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુકેના પુખ્ત વયના લોકોની સંખ્યા 2011 માં 45% થી વધીને 2021 માં 71% થઈ ગઈ છે અને 16 થી 44 વર્ષની વયના લોકોની સંખ્યા 97% પર પહોંચી ગઈ છે, એવું અભ્યાસમાં જાણવા મળ્યું હતું. "સ્ક્રોલિંગ" એ સૌથી સામાન્ય પ્રવૃત્તિ છે કે, જે સોશિયલ મીડિયા યુઝર્સ કરે છે. સંશોધનના તારણો જણાવે છે કે, નિયમિતપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ તમને હતાશા અને અસ્વસ્થતાના ઊંચા દર સાથે જોડે છે, પરંતુ હજુ સુધી એ સાબિત થયું નથી કે સોશિયલ મીડિયાના ઉપયોગથી માનસિક સમસ્યાઓ થાય છે. સંશોધકોને આશા છે કે, ભવિષ્યમાં હજુ પણ આગળ સોશિયલ મીડિયાના ઉપયોગને રોકવાની અસરોનો અભ્યાસ થશે. સોશિયલ મીડિયા બ્રેકના ફાયદા કાયમી અસર કરે છે કે કેમ? તે જોવા માટે હજુ પણ આગળ આ પ્રકારના અભ્યાસ હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.