નેશનલ કેન્સર અવેરનેસ ડે:કેન્સરનું જોખમ ઓછું કરવું છે તો આ 8 વાતોનું ધ્યાન રાખો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 30 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવાથી બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, કોલોન કેન્સરનું જોખમ ઘટે છે
  • ધૂમ્રપાન અને આલ્કોહોલથી કેન્સરનું જોખમ બમણું થાય છે

ઈન્ડિયન કેન્સર સોસાયટીના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં આગામી 10 વર્ષમાં આશરે 1.5 કરોડ લોકોને કેન્સર થઈ શકે છે. તેમાંથી 50% લોકોનાં કેન્સરની સારવાર થઈ શકશે નહિ. અર્થાત આગામી દશકમાં દેશમાં કેન્સર એક મોટી સમસ્યા બની શકે છે, પરંતુ નાની નાની વાતોનું ધ્યાન રાખીને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. દર વર્ષે 7 નવેમ્બરે નેશનલ કેન્સર અવેરનેસ ડે ઉજવવામાં આવે છે. કેન્સરથી બચવા માટે આ 8 વાતોનું ધ્યાન રાખો...

ભોજનમાં મીઠાંનું પ્રમાણ ઓછું કરો
કેન્સર કાઉન્સિલના રિસર્ચ પ્રમાણે, વધારે પ્રમાણમાં મીઠાંનું સેવન કરવાથી પેટ અને અન્નનળીના કેન્સરનું જોખમ 50% સુધી વધી જાય છે. અથાણું, સૉસ, ફરસાણ જેવા પ્રોસેસ્ડ ફૂડમાં મીઠું વધારે પ્રમાણમાં હોય છે. તેનાથી દૂર રહેવું. દરરોજ ડાયટમાં મીઠાંની માત્રા 5 ગ્રામથી વધારે ન હોવી જોઈએ.

સવારે તડકામાં બેસો
ઈન્સ્ટિટ્યુટ ફોર કેન્સર રિસર્ચની એક સ્ટડી અનુસાર, વિટામિન-D કેન્સર સામે રક્ષણ આપવામાં મદદગાર છે. તેથી સવારે 10 વાગ્યા પહેલાં સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. તેનાથી બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, કોલોન સહિતનાં કેન્સરથી બચી શકાય છે. વધારે પડતા સૂર્યપ્રકાશથી ચામડીનું કેન્સર પણ થઈ શકે છે. તેથી સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી તડકામાં ન રહેવું.

પ્લાસ્ટિકમાં ભોજન ન લો
પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કેન્સરનું કારણ બની શકે છે. પ્લાસ્ટિકની પોલિથીનમાં રાખેલી ગરમ આઈટેમ્સનું સેવન કરવાથી તેની આશંકા વધી જાય છે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે પ્લાસ્ટિકમાં બિસ્ફિનોલ A (BPA) નામનું કેમિકલ હોય છે, જે કોશિકાઓની સંરચનામાં ફેરફાર કરી કેન્સરનું જોખમ વધારે છે.

રેડ મીટનું ઓછું સેવન કરો
રેડ મીટ જેમ કે મટન અને બીફ તેમજ પ્રોસેસ્ડ મીટનું સેવન કરવાથી કોલોન કેન્સરની આશંકા વધી જાય છે. વધારે પડતા પ્રોસેસ્ડ મીટનું સેવન કરવાથી પેટનાં કેન્સરનું જોખમ વધે છે. તેથી તેનું ઓછું સેવન કરવું જોઈએ.

વજન નિયંત્રણમાં રાખો
વધારે પડતું વજન ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારી માટે જ નહિ બલકે કેન્સર માટે પણ જવાબદાર છે. ઈન્ડિયન કેન્સર સોસાયટી પ્રમાણે, મેદસ્વિતાથી બ્રેસ્ટ, પેનક્રિયાટિક, મૂત્રાશય, અન્નનળીનું કેન્સર થવાનું જોખમ વધે છે. તેથી રૂટિનમાં 30 મિનિટ વૉક સામેલ કરો. અઠવાડિયાંમાં 5 દિવસ 30 મિનિટ એક્સર્સાઈઝ પણ કરો.

ધૂમ્રપાન-આલ્કોહોલથી દૂર રહો
ધૂમ્રપાનથી ફેફસાં, મોં, મૂત્રાશય, સર્વિક્સ, અન્નનળી અને ગળાંનાં કેન્સરનું જોખમ વધે છે. જો ધૂમ્રપાન સાથે આલ્કોહોલનું સેવન પણ કરો છો તો કેન્સરની આંશકા બમણી થઈ જાય છે. તેથી ધૂમ્રપાન, આલ્કોહોલ અને તમાકુથી દૂર રહેવું.

8 કલાકની ઊંઘ લો
ઊંઘ અને કેન્સર સાથે સીધો સંબંધ છે. દિવસભરની વ્યસ્તતા બાદ એક વયસ્કે ઓછામાં ઓછા 7 કલાક અને મેક્સિમમ 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. 8 કલાકની ઊંઘ લેવાથી ઈમ્યુનિટી સારી બને છે. તે વિવિધ જાતના સંક્રમણ અને ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે, જે કેન્સરનું મુખ્ય કારણ છે.

કેન્સર સ્ક્રીનિંગ કરાવો
કેન્સરના લક્ષણ જણાતા સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. સમયસર કેન્સરની જાણ થતાં તેની ગંભીર અસરથી બચી શકાય છે. સામાન્ય રીતે બ્રેસ્ટ, સર્વાઈકલ, પ્રોસ્ટેટ, મોં અને મોટાં આંતરડાંનાં કેન્સરના કેસ વધુ જોવા મળે છે. આ તમામ કેન્સરની તપાસ નાના શહેરોમાં પણ થાય છે. તેની તપાસ સરળ હોય છે અને તે મોંઘી પણ નથી હોતી.

અન્ય સમાચારો પણ છે...