પેટ તમારું બીજું મગજ છે:પ્રોબાયોટિક્સ છે સ્વાસ્થ્યની સંજીવની, આંતરડામાં તમારા 100 લાખ કરોડ મિત્રો રહે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

માથાનો દુખાવો, શરીરનો દુખાવો કે હળવો તાવ આ ત્રણેયમાંથી કંઈપણ થાય એટલે આપણે તુરંત જ દવાઓ પી લઈએ છીએ. દવાઓ લેવાની આ આદત ભારતીયોમાં એકદમ સામાન્ય છે. મોટાભાગના કિસ્સામાં આવી આ પ્રકારની દવાઓ ડૉક્ટરની સલાહ વગર જ લેવામાં આવતી હોય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ એન્ટિબાયોટિક દવાઓ ખાનારો દેશ છે. 135 કરોડ લોકોની વસ્તી ધરાવતા આ દેશની જો વાત કરીએ તો વર્ષ 2019માં 500 કરોડ ભારતીયોએ એન્ટિબાયોટિક દવાઓ ખાધી હતી.

આ આંકડો કોરોના આવ્યો તે પહેલાંનો છે. કોરોનાના કારણે આ દવાઓના વપરાશમાં વધારો થયો છે. હેલ્થ મેગેઝિન 'લાન્સેટ'ના તાજેતરના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. આ એન્ટિબાયોટિક્સમાં 'એઝિથ્રોમાઈસિન' ટેબ્લેટ ટોચ પર છે. મોટાભાગની એન્ટિબાયોટિક્સને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એટલે કે ભારત સરકાર તરફથી મંજૂરી મળી ન હતી. એન્ટિબાયોટિકની આડઅસરોથી બચવા માટે ભોજનમાં પ્રોબાયોટિક્સનો સમાવેશ કરવો મહત્ત્વપૂર્ણ છે.

જેમ કે નામથી જ ઓળખાઈ આવે છે કે, એન્ટિબાયોટિક દવાઓનો અર્થ એ છે કે, એવી દવાઓ કે જે બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે.બેક્ટેરિયા જન્મથી જ આપણા આખા શરીરમાં હાજર હોય છે. ફેસ, સ્કિન, રેસ્પિરેટ્રી સિસ્ટમ કે ડાઈજેશન સિસ્ટમ તેની હાજરી દરેક જગ્યાએ હોય છે. તો શું આ બેક્ટેરિયાને દૂર કરવા જરુરી છે?

સારા બેક્ટેરિયાને પ્રોબાયોટિક્સ કહેવામાં આવે છે
બેક્ટેરિયા કે વાઇરસ સાંભળતાં જ લાગે છે કે, બીમારીની વાત થઈ રહી છે પણ દરેક બેક્ટેરિયા આપણને નુકસાન નથી પહોંચાડતા. કેટલાક બેક્ટેરિયા આપણા મિત્રો હોય છે અને કેટલાક આપણને નુકસાન પહોંચાડે છે. બંને પ્રકારના બેક્ટેરિયા આપણા શ્વસનતંત્ર અને પાચનતંત્રમાં (પેટમાં) 'ચેક એન્ડ બેલેન્સ' તરીકે કામ કરે છે. હવે તમે વિચારતા હશો કે, આપણા શરીરમાં સારા બેક્ટેરિયા શું કરે છે? જો તમે કોઈ બીમારીને કારણે વધુ એન્ટિબાયોટિકની દવાઓ લીધી હોય તો તેના નુકસાનને ઘટાડવા માટે પ્રોબાયોટિક્સ ઉપયોગી છે. આ પ્રોબાયોટિક્સ ખોરાક અને ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ દ્વારા લઈ શકાય છે. પ્રોબાયોટિક્સમાં આ સારા બેક્ટેરિયા હોય છે અને પ્રોબાયોટિક્સનું શ્રેષ્ઠ ઉદાહરણ, જે દરેકના ઘરમાં હોય છે, તે દહીં છે.

આપણા આંતરડામાં રહે છે 100 લાખ કરોડ બેક્ટેરિયા
દરેક બીમારીની શરૂઆત પેટથી જ થાય છે. ઘણીવાર તમે આ વાત સાંભળી હશે. આ વાત પણ સાચી છે. જો તમારું પેટ તંદુરસ્ત નથી તો પછી કશું જ યોગ્ય નથી. માનવ શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે. હાવર્ડ હેલ્થના એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, આપણા પાચનતંત્રની અંદર જ લગભગ 10 કરોડ બેક્ટેરિયા છે, જેને 'માઇક્રોબાયોમ' કહેવામાં આવે છે. બેક્ટેરિયાનું ઘર એટલે કે આપણું પેટ જ આપણને તમામ બીમારીઓથી બચાવે છે. આ રોગપ્રતિકારક શક્તિનો 70 ટકા ભાગ આપણા પેટ સાથે જોડાયેલો હોય છે. આ જ કારણ છે કે પેટને 'બીજું મગજ' કહેવામાં આવે છે.

તો ચાલો હવે તમને એન્ટિબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સના કામ વિશે જણાવીએ.
એન્ટિબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સનું કામ શું છે?
એન્ટિબાયોટિક્સ એવી દવાઓ છે કે, જે શરીરમાં રહેલા બેક્ટેરિયાના ચેપને દૂર કરે છે પણ તે સાથે મળીને કેટલાક સારા બેક્ટેરિયાને પણ મારી નાખે છે એટલા માટે ડૉક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક્સ ન લેવી જોઈએ. એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને મારી નાખે છે, જ્યારે પ્રોબાયોટિક્સ એ જીવંત બેક્ટેરિયા છે. તેમાં જોવા મળતા 'લેક્ટોબેસિલસ' અને 'બિફિડોબેક્ટેરિયમ' બેક્ટેરિયા આપણને સ્વસ્થ રાખે છે. તે કોઈપણ બીમારી સામે લડવામાં આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

તેથી જ આપણું પેટ બીજું મગજ છે
હવે તેને આ રીતે સમજો. કરોડો અને અબજો સૂક્ષ્મ જીવો આપણા આંતરડામાં રહે છે. જેમાં વાઈરસ,બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય છે. તેથી આંતરડાના માઇક્રોબાયોમ એટલે કે પેટના બેક્ટેરિયાનું કામ આપણા શરીરમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવાનું, વિટામિન અને અન્ય હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું, કોલેસ્ટ્રોલને સંતુલિત કરવાનું, કેલરીને નિયંત્રિત કરવાનું છે. આ ઉપરાંત તેનું કામ બીમાર કરનારા બાહ્ય સૂક્ષ્મજીવો સામે લડવાનું અને આપણા ચેતાતંત્ર તથા મગજ સાથે વાતચીત કરવાનું પણ છે. તેથી, અમે તમને ઉપર કહ્યું છે તેમ પેટ એ આપણું બીજું મગજ છે એમ કહેવું ખોટું નહીં ગણાય.

પેટ અને મગજ એકબીજાં સાથે કેવી રીતે જોડાયેલા છે?
પેટ અને મગજ વચ્ચેના જોડાણને તબીબી ભાષામાં 'ગટ બ્રેઇન એક્સિસ' કહેવામાં આવે છે. આ શબ્દ તમારા માટે ભલે નવો હોય તો પણ જ્યારે પણ તમે તણાવમાં રહ્યા હો અને ભૂખ ન લાગતી હોય અથવા જ્યારે કોઈને મળવાનો વિચાર પેટમાં ગલગલિયાં થવા લાગે, તે જ 'ગટ બ્રેઇન એક્સિસ' છે. સેલિબ્રિટી ગટ હેલ્થ કોચ પાયલ કોઠારીનું કહેવું છે કે, 'જેવું આપણે ખાઈએ છીએ તેવો આપણો 'મૂડ' હોય છે. પેટ અને મગજનું સીધું જોડાણ એકસાથે આપણા પાચનતંત્ર અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે એટલે જ કહેવાય છે કે, 'જેવો ખોરાક ખાશો, એવું જ મન રહેશે'

પેટના સ્વાસ્થ્યની દૃષ્ટિએ ભારતીયોની હાલત ખરાબ છે
ગયા વર્ષે 'વર્લ્ડ ડાઇજેસ્ટિવ હેલ્થ ડે' નિમિત્તે આઇટીસીએ તેની આટા બ્રાન્ડ માટે ગ્રાહકોની જીવનશૈલી અને ખાવાની ટેવો પર એક સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈની 538 માતાઓને સામેસ કરવામાં આવી હતી. આ તમામ મહિલાઓ 25થી 45 વયજૂથની વર્કિંગ, બિઝનેસ-વુમન અને હોમ-મેકર્સ હતી. તેમાંથી 56 ટકા લોકોએ સ્વીકાર્યું કે, 'તેમના પરિવારમાં પાચન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે.' આ સાથે જ અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે, 'ગેસ, એસિડિટી અને અપચો એ ત્રણ મુખ્ય સમસ્યા છે જેનાથી 50 ટકાથી વધુ પરિવારો પરેશાન છે.'

આરોગ્ય પર વધુ ખર્ચ કરવા માટે ભારતીયો તૈયાર
ફૂડ કંપની 'બેનીઓ' દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, 2/3 ભારતીયો પોતાના ભોજનમાં શાકભાજી, ફળ અને એવા અનાજ સામેલ કરે છે, જેથી તેમનું પાચનતંત્ર યોગ્ય રહે. આ ઉપરાંત 'બેનીઓ'ના સર્વેમાં જાણવા મળ્યું છે કે, 77 ટકા ભારતીય ગ્રાહકો સ્વાસ્થ્ય માટે ખાવા-પીવા પાછળ વધુ પૈસા ખર્ચવા તૈયાર છે. લોકોમાં પેટ અને પાચનની સમસ્યા અંગે જાગૃતિ વધી છે, જે બાદ પ્રોબાયોટિક્સની માગ પણ વધી છે. કોવિડ બાદ લોકોના ખાવાની રીતમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારનારા ખોરાકને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે.

દરેક આથાવાળો ખોરાક પ્રોબાયોટિક્સ નથી હોતો
તમે જાણો છો કે, પ્રોબાયોટિક્સ આથાવાળા ખોરાકમાં જોવા મળે છે. હવે તમારા મનમાં એ પ્રશ્ન જરૂર ઊઠતો હશે કે, દહીં હેલ્ધી છે તો પછી અથાણાં અને બ્રેડ જેવી આથાવાળી ખાદ્ય ચીજો હેલ્ધી કેમ નથી? તો આ પ્રશ્ન માટે અમે બનારસની સરકારી હોસ્પિટલમાં MD તરીકે ફરજ બજાવતા ડૉ. શ્રીતેષ મિશ્રા સાથે વાત કરી હતી. ડૉક્ટરનું કહેવું છે કે, દહીંમાં આથો આવે તે નેચરલ છે. જ્યારે અથાણાં કે બ્રેડમાં પ્રિઝર્વેટિવ્સ (કેમિકલ્સ)નો ઉપયોગ થાય છે, જેના કારણે તેમાં સોડિયમનું પ્રમાણ પણ વધારે હોય છે. વળી તેમાં જુદા-જુદા પ્રકારની ફંગસ અને બેક્ટેરિયા પણ હોય છે. જેના કારણે અથાણાં અને બ્રેડ જેવા આથાવાળા ખોરાકને હેલ્ધી કહી શકાય નહીં.

પ્રોબાયોટિક્સ એ પ્રિબાયોટિક્સનો આહાર છે
આપણા શરીરમાં રહેતા પ્રોબાયોટિક્સ માટે પ્રિબાયોટિક્સ જરૂરી છે. હવે તમે કહેશો કે આ બંને નામ સાંભળવામાં સરખા છે પણ આ બંનેનું કામ અલગ છે. પ્રીબાયોટિક્સ ખોરાકમાં ફાઇબર અથવા કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે આપણું શરીર પચાવી શકતું નથી. તે પેટમાં રહેતા બેક્ટેરિયાનો ખોરાક છે. વળી, તે આપણને ખોરાકના પાચનમાં પણ મદદ કરે છે. એકંદરે, પ્રિબાયોટિક્સ અને પ્રોબાયોટિક્સ એકબીજાને સારા બેક્ટેરિયાનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. એકનો અભાવ બીજાના સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે.

પ્રોબાયોટિક્સ શબ્દ પ્રથમ વખત ક્યારે પ્રચલિત થયો?
પ્રોબાયોટિક્સ શબ્દનો સૌપ્રથમ વખત ઉલ્લેખ વર્ષ 1953માં કરવામાં આવ્યો હતો. વર્નર કોલાથ નામના જર્મન વૈજ્ઞાનિકે આ શબ્દ રજૂ કર્યો હતો. 'પ્રો' લેટિનમાંથી અને 'બાયો' ગ્રીકમાંથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે 'જીવન માટે' પણ આ શબ્દ 12 વર્ષ પછી 1965માં ડેનિયલ એમ.લીલી અને રોઝાલી એચ.સ્ટિલવેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. બંનેએ 'સાયન્સ' નામના મેગેઝિનમાં પ્રોબાયોટિક્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 1992માં વૈજ્ઞાનિક ફુલરે તેને એક નવી વ્યાખ્યા આપી હતી અને તેના વિશે ખુલીને વાત કરી હતી કે તે એક જીવંત બેક્ટેરિયા છે, જે માનવ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રોબાયોટિક્સ માત્ર પેટ માટે જ નહીં, યોનિમાર્ગના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે
પ્રોબાયોટિક્સ દરેક માટે મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે. મહિલાઓની કેટલીક સમસ્યાઓમાં તે રામબાણ ઈલાજ છે. મિડલ ઇસ્ટ ફર્ટિલિટી સોસાયટી જર્નલના અહેવાલ મુજબ 'લેક્ટોબેસિલસ પ્રોબાયોટિક્સ' યોનિમાર્ગ માઇક્રોબાયોમને જાળવી રાખે છે. તે ગર્ભધારણ કરવામાં પણ મદદ કરે છે. તે ગર્ભાવસ્થા દરમિયાન ચેપ અને મોનોપોઝ સામે પણ રક્ષણ આપે છે, પ્રજનનક્ષમતામાં પણ વધારો કરે છે. પેટની બીમારીઓ પર ગહન અભ્યાસ કરી ચૂકેલ પાયલ કોઠારી કહે છે- એ વાત સાચી છે કે પ્રોબાયોટિક્સ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, વ્હાઇટ ડિસ્ચાર્જ, પીસીઓએસ જેવી સમસ્યાઓને 100 ટકા મટાડે કે ન મટાડે, પરંતુ તે ચોક્કસપણે તેની સામે રક્ષણ આપે છે.

શરીરને પ્રોબાયોટિક્સની જરૂર છે કે નહીં તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
પાયલ કહે છે કે દરેક વ્યક્તિએ પ્રોબાયોટિક્સ લેવા જોઈએ. કોઈની જીવનશૈલી આદર્શ નથી હોતી. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં પણ પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ તણાવ અને પ્રદૂષણ ભરેલા વાતાવરણમાં થાય છે. દરેક સમસ્યા માટે જુદા-જુદા પ્રોબાયોટિક્સની જરૂર પડે છે. સ્ટૂલ ટેસ્ટ (માઇક્રોબાયોમ્સ) કે DNA અથવા રક્ત પરીક્ષણો દ્વારા તમે જાણી શકો છો કે કયા પ્રોબાયોટિક્સની જરૂરિયાત તમારા શરીરને છે.

પ્રોબાયોટિક્સ ગોળીઓ લેવાથી કેટલું ફાયદાકારક છે?
જો તમે ખાણીપીણીની કાળજી લો છો તો પ્રોબાયોટિક્સ પણ કુદરતી રીતે અથવા ગોળીઓના રૂપમાં કામ કરે છે પરંતુ, જો જંકફૂડને પ્રોબાયોટિક સપ્લિમેન્ટ્સ સાથે ખાવામાં આવે, પાણી ઓછું પીવામાં આવે, ઊંઘ યોગ્ય રીતે ન લેવાય, ધૂમ્રપાન કે આલ્કોહોલને રૂટિનમાં સામેલ કરવામાં આવે અને સ્ટ્રેસ રહે તો કશું કામ ન આવે. આ પ્રોબાયોટિક્સ તંદુરસ્ત જીવનશૈલી અપનાવ્યા પછી જ સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે.