રાજુ શ્રીવાસ્તવના મૃતદેહની વર્ચ્યુઅલ ઑટોપ્સી થઈ:શરીરમાં એકપણ ચીરો પાડ્યા વગર પોસ્ટમોર્ટમ થયું, જાણો આ ટેક્નિક કેવી રીતે કામ કરે છે?

3 દિવસ પહેલા

બુધવારે પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું. 58 વર્ષના રાજુ શ્રીવાસ્તવ નિધનના 42 દિવસ પહેલાંથી જ હૃદયનો હુમલો આવવાના કારણે દિલ્હી AIIMSમાં દાખલ થયા હતા. આખરે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે દેહ છોડ્યો અને ગુરુવારે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન પણ થઈ ગયો. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના પ્રમુખ ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે, રાજુ શ્રીવાસ્તવના શબનું પોસ્ટમોર્ટમ ‘વર્ચ્યુઅલ ઑટોપ્સી’ ટેકનિકથી કરવામાં આવ્યુ હતું. આ પ્રક્રિયા નોર્મલ પોસ્ટમોર્ટમથી ધરમૂળથી અલગ છે. ચાલો, આ પ્રક્રિયા વિશે જાણીએ.

શું છે વર્ચ્યુઅલ ઑટોપ્સી?
વર્ચ્યુઅલ ઑટોપ્સીને ‘વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ’ કે ‘વર્ટોપ્સી’ પણ કહેવામાં આવે છે. તેમાં શબની સંપૂર્ણ તપાસ મશીનની મદદથી કરવામાં આવે છે. આ પ્રોસેસમાં શરીરમાં એકપણ ચીરો પાડવામાં આવતો નથી. ફોરેન્સિક ડૉક્ટર્સ હાઈટેક ડિજિટલ એક્સ-રે અને MRI મશીનનો ઉપયોગ કરે છે. આ પ્રોસેસથી ધાર્મિક લાગણીઓ દુભાવાનું કોઈ જોખમ પણ રહેતું નથી અને નિધનના કારણ વિશે સારો એવી માહિતી મળી જાય છે.

વર્ચ્યુઅલ ઑટોપ્સીમાં શરીરને અડક્યા વગર જ આખા શરીરનું સ્કેન કરવામાં આવે છે.
વર્ચ્યુઅલ ઑટોપ્સીમાં શરીરને અડક્યા વગર જ આખા શરીરનું સ્કેન કરવામાં આવે છે.

ડૉ. ગુપ્તાએ જણાવ્યું કે, વર્ચ્યુઅલ ઑટોપ્સીથી પોસ્ટમોર્ટમ કરવામાં ઓછો સમય લાગે છે અને સમયની બચત થતાં અંતિમ સંસ્કાર માટે પણ શબને વહેલું મોકલી શકાય છે. રાજુ શ્રીવાસ્તવના કેસમાં વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, જ્યારે તે AIIMSમાં દાખલ થયા ત્યારે તે ભાનમાં નહોતા. તે ટ્રેડમિલ પર દોડતાં-દોડતાં પડ્યા છે કે નહી એ વાત હજુ પણ સ્પષ્ટ થઈ રહી નહોતી. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પોલીસ જે-તે વ્યક્તિના નિધન પછી પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લે છે.

વર્ચ્યુઅલ ઑટોપ્સીથી પોસ્ટમોર્ટમ કરવામાં 30 મિનિટ લાગે છે. તેમાં a= ટ્રેકર, b= સ્ક્રીન, c= લેસરવાળું સર્જિકલ લોકેટર, d= બોડી માર્કર, e= ફૂટ સ્વિચ
વર્ચ્યુઅલ ઑટોપ્સીથી પોસ્ટમોર્ટમ કરવામાં 30 મિનિટ લાગે છે. તેમાં a= ટ્રેકર, b= સ્ક્રીન, c= લેસરવાળું સર્જિકલ લોકેટર, d= બોડી માર્કર, e= ફૂટ સ્વિચ

આ ટેકનિક કામ કેવી રીતે કરે છે?
ડૉ. ગુપ્તા કહે છે કે, ‘વર્ચ્યુઅલ ઑટોપ્સી એક રેડિયોલોજીકલ પરીક્ષણ છે. તેમાં જેને આપણે આંખોથી જોઈ ન શકીએ તેવા ફ્રેક્ચર, લોહીની ગાંઠો અને ઈજાઓ પણ દેખાઈ જાય છે. આ પ્રોસેસની મદદથી બ્લીડિંગની સાથે-સાથે હાડકાંમાં હેરલાઇન કે ચિપ ફ્રેક્ચર જેવાં નાનાં-નાનાં ફ્રેક્ચર પણ સરળતાથી જાણી શકાય છે. તેને એક્સ-રે તરીકે રાખી શકાય છે, જે આગળ વધીને કાયદાકીય પુરાવો બની શકે છે.’

AIIMS દિલ્હી દક્ષિણ-પૂર્વ એશિયાની એકમાત્ર એવી હોસ્પિટલ છે કે, જે વર્ચ્યુઅલ ઑટોપ્સી કરે છે.
AIIMS દિલ્હી દક્ષિણ-પૂર્વ એશિયાની એકમાત્ર એવી હોસ્પિટલ છે કે, જે વર્ચ્યુઅલ ઑટોપ્સી કરે છે.

દેશમાં વર્ચુઅલ ઑટોપ્સી ક્યારે શરૂ થઈ?
ભારતમાં વર્ચ્યુઅલ ઑટોપ્સીની શરૂઆત વર્ષ 2020માં થઈ હતી. વર્ષ 2019માં રાજ્યસભામાં તે સમયના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું હતું કે,‘વ્યક્તિના મૃત્યુ પછી પરિવારના લોકો સામાન્ય પોસ્ટમોર્ટમ કરાવવામાં અચકાતા હોય છે, ત્યારે વર્ચ્યુઅલ ઓટોપ્સી સમય અને પૈસા બંનેની બચત કરે છે. સામાન્ય પોસ્ટમોર્ટમમાં 2.5 કલાકનો સમય લાગે છે, જ્યારે 30 મિનિટમાં વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ ખતમ થઈ જાય છે. આ પ્રોજેક્ટ માટે AIIMSને 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. અહીં દર વર્ષે 3000 પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. કેસની જટિલતાના આધારે અમુક પોસ્ટમોર્ટમની પ્રોસેસમાં 3 દિવસનો સમય પણ લાગે છે. AIIMS દિલ્હી દક્ષિણ-પૂર્વ એશિયાની એકમાત્ર એવી હોસ્પિટલ છે કે, જે વર્ચ્યુઅલ ઑટોપ્સી કરે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.