હેલ્થ ટિપ્સ:વનસ્પતિ-આધારિત માંસ પ્રાણીજન્ય ઉત્પાદનો કરતાં વધુ તંદુરસ્ત અને વધુ ટકાઉ, અભ્યાસમાં થયો ખુલાસો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક નવા અભ્યાસ મુજબ વનસ્પતિ-આધારિત માંસ પ્રાણીજન્ય ઉત્પાદનો કરતાં વધુ તંદુરસ્ત અને વધુ ટકાઉ છે. આ ખોરાક પર્યાવરણ અને લોકો બંને માટે તંદુરસ્ત છે. આ સંશોધનનાં તારણો ફ્યુચર ફૂડ્સ જર્નલમાં પ્રકાશિત થયા હતા. એક નવા અભ્યાસમાં એવી દલીલ કરવામાં આવી છે કે, વનસ્પતિ-આધારિત માંસ એ પ્રાણીજન્ય ઉત્પાદનો મુજબનો સ્વાદ અને અનુભવ મળે તેવી રીતે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. તે લોકોની માંસ અને ડેરીની માગમાં ઘટાડો કરવાનો સૌથી વધુ અસરકારક માર્ગ છે.

યુનિવર્સિટી ઓફ બાથનાં મનોવૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે, છોડ-આધારિત માંસ અને ડેરીના વિકલ્પો તંદુરસ્ત અને વધુ પર્યાવરણીય રીતે ટકાઉ ઉકેલ પૂરો પાડે છે, જે લોકોની પસંદગીઓ અને વર્તણૂકને ધ્યાનમાં લે છે. આ અભ્યાસમાં છોડ-આધારિત ખાદ્યપદાર્થોનાં આરોગ્ય અને પર્યાવરણીય અસરો તેમજ લોકોનાં અભિગમ અંગેના 43 અભ્યાસોની તપાસ કરવામાં આવી હતી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે છોડ આધારિત માંસ અને ડેરી ખાનારાં લગભગ 90 ટકા લોકો હકીકતમાં માંસાહારી અથવા ફ્લેક્સિટેરિયન હતાં. બીજાએ શોધી કાઢ્યું, કે છોડ-આધારિત ઉત્પાદનો સમાન સ્વાદનાં કારણે માંસને બદલવાની શ્રેષ્ઠ તક ધરાવે છે.

અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ છોડ-આધારિત ઉત્પાદનો કે જે પ્રાણી ઉત્પાદનોની જરુરિયાતને બદલવામાં સક્ષમ છે, તે ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનનાં નીચા સ્તરનું કારણ પણ બને છે. એક અભ્યાસ મુજબ જર્મન માંસનાં 5 ટકા વપરાશને વટાણાનાં પ્રોટીનથી બદલવાથી વર્ષમાં આઠ મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે છે. અન્ય એકમાં જાણવા મળ્યું હતું કે, બીફ બર્ગરની તુલનામાં, પ્લાન્ટ-આધારિત બર્ગર 98 ટકા સુધી ઓછાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સાથે જોડાયેલ છે.

અહેવાલનાં લેખકો સૂચવે છે, કે છોડ-આધારિત ઉત્પાદનોમાં સામાન્ય રીતે ખૂબ ઓછી કૃષિલાયક જમીનની જરૂર પડે છે, ઓછાં પાણીની જરૂર પડે છે અને પ્રાણીજન્ય ઉત્પાદનો કરતાં ઓછું પ્રદૂષણ થાય છે. અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે, છોડ-આધારિત ઉત્પાદનો પ્રાણી ઉત્પાદનોની તુલનામાં વધુ પ્રમાણમાં પોષકતત્વો ધરાવે છે. યુકેનાં ન્યુટ્રિશન પ્રોફાઇલિંગ મોડેલ પર આધારિત છોડ-આધારિત વિકલ્પોનાં માત્ર 14 ટકા ઉત્પાદનોની તુલનામાં પરંપરાગત માંસ ઉત્પાદનોનાં 40 ટકા ઉત્પાદનોને 'ઓછા તંદુરસ્ત' વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું, કે છોડ-આધારિત માંસ વજન ઉતારવા અને શરીરને મજબૂત બનાવવામાં પણ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. ખાદ્ય ઉત્પાદકો વનસ્પતિ આધારિત આહારમાં ખાદ્ય ફૂગ, સૂક્ષ્મજીવો અથવા સ્પિરુલિના જેવાં ઘટકો ઉમેરી શકે છે, જે એમિનો એસિડ, વિટામિન-બી અને વિટામિન-ઈ જેવાં ગુણધર્મોને વેગ આપે છે. આ બદલાવ વધુ પોષક સુધારણા તરફ દોરી જાય તેવી સંભાવના છે.

યુનિવર્સિટી ઓફ બાથનાં ડૉ. ક્રિસ બ્રાયન્ટે જણાવ્યું હતું કે, ‘અમે જોઈ રહ્યા છીએ કે, વધુને વધુ છોડ-આધારિત ઉત્પાદનો કેવી રીતે ગ્રાહકો સુધી પહોંચે? ત્રણ આવશ્યક તત્વો સ્વાદ, કિંમત અને સગવડ એ પ્રાણી ઉત્પાદનોની માગને ઓછી કરવા સક્ષમ છે. આ સમીક્ષા જબરજસ્ત પુરાવા દર્શાવે છે, કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, પાણીનાં ઉપયોગ અને જમીનનાં ઉપયોગની દ્રષ્ટિએ પ્રાણી ઉત્પાદનોની તુલનામાં છોડ-આધારિત ઉત્પાદન વધુ ટકાઉ હોવાની સાથે-સાથે આરોગ્યલક્ષી લાભોની વિશાળ શ્રેણી ધરાવે છે. તાજેતરનાં વર્ષોમાં છોડ-આધારિત ઉત્પાદકોએ જે અવિશ્વસનીય પ્રગતિ કરી છે તેમ છતાં, તેમનાં સ્વાદમાં અને તેની રાંધવાની રીતમાં સુધારો કરવાની વિશાળ સંભાવના છે. ઘટકો અને પ્રક્રિયાઓ સાથે નવીનતા લાવવાની પ્રબળ સંભવિતતા પણ છે, જેથી તેમનાં પોષકતત્વોનાં ગુણધર્મોમાં સુધારો કરી શકાય. ઉદાહરણ તરીકે, વિટામિનનું પ્રમાણ વધારીને.