વર્લ્ડ બ્લડ ડોનર ડે:જે લોકોએ ટેટુ કરાવ્યું હોય તે પણ કરી શકે છે રક્તદાન, પુરુષો કરતા મહિલાઓ બ્લડ ડોનેટ કરવામાં મોખરે

22 દિવસ પહેલા
 • કૉપી લિંક

આજે એટલે કે 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 1.4 કરોડ યુનિટ લોહીની જરૂરિયાત છે. પરંતુ તેની સામે માત્ર 1.1 કરોડ બ્લડ યુનિટ જ મળે છે. હાલમાં જ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5નો રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં 15-49 વર્ષની વયજૂથની 57% મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આમ છતાં દેશમાં રક્તદાન કરતી મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના રિપોર્ટ અનુસાર, દેશમાં પુરુષો કરતાં વધુ મહિલાઓ રક્તદાન કરવા ઇચ્છુક છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 52% મહિલાઓ અને 48% પુરુષોએ રક્તદાન કરવાની ઈચ્છા દર્શાવી છે. પ્રથમ વખત રક્તદાતાઓમાં બે તૃતીયાંશ મહિલાઓ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, વિશ્વના 33% રક્તદાતા સ્ત્રીઓ છે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના ડાયરેક્ટર ડૉ. વનશ્રી સિંહના જણાવ્યા અનુસાર, જ્યારે કોલેજ અને કોર્પોરેટ સેક્ટરમાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ત્યાં રક્તદાન કરવા આવતા રક્તદાતા પૈકી 40% મહિલાઓ હોય છે. જો કે, બ્લડ ડોનેટ કરતા પહેલાં કરવામાં આવેલ ફિટનેસ ટેસ્ટ પછી આ આંકડો ઓછો થઇ જાય છે.

કોણ કરી શકે છે બ્લડ ડોનેટ?
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોઈપણ સ્વસ્થ પુરુષ કે મહિલા રક્તદાન કરી શકે છે. પુરૂષો દર ત્રણ મહિનાના અંતરે અને સ્ત્રીઓ ચાર મહિનાના અંતરે નિયમિતરક્તદાન કરી શકે છે.

 • રક્તદાન કરનારની ઉંમર 18થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 • 45 કિલોથી ઓછું વજન ન હોવું જોઈએ.
 • રક્તદાતાનું તાપમાન અને પલ્સ નોર્મલ હોવા જોઈએ.
 • બ્લડ પ્રેશર પણ સામાન્ય હોવું જોઈએ.
 • હિમોગ્લોબીન 12.5 ગ્રામથી ઓછું ન હોવું જોઈએ.
 • કોલેરા, ટાઇફોઇડ, ડિપ્થેરિયાની રસી લીધાના 15 દિવસ બાદ રક્તદાન કરી શકાય છે.

કોણે બ્લડ ડોનેટ ન કરવું જોઈએ?

 • કોઈપણ કેન્સરની સારવાર લેતા હોય અથવા લીધી હોય.
 • ગંભીર બીમારી અથવા એલર્જી હોય.
 • ડાયાબિટીસ છે અને ઇન્સ્યુલિન લઈ રહ્યા છે.
 • માસિક દરમિયાન અને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ બ્લડ ડોનેટ ન કરવું જોઈએ.
 • સ્તનપાન કરાવતી માતાઓ.

ટેટુ કરાવનાર પણ કરી શકે છે બ્લડ ડોનેટ
નોઈડાની માનસ હોસ્પિટલના ફિઝિશિયન ડૉ.નમન શર્માનું કહે છે કે, રક્તદાનને લઈને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ હોય છે, જ્યારે આવું થતું નથી. જાણો માન્યતા અને તેની વાસ્તવિકતા

માન્યતા: રક્તદાન કરવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી થઇ જાય છે.
હકીકત : 48 કલાકમાં આટલું લોહી શરીરમાં ફરી બની જાય છે.

માન્યતા : જેમણે ટેટુ કરાવ્યું છે તેઓ રક્તદાન કરી શકતા નથી.
હકીકત : ટેટુ કરાવ્યાને એક વર્ષ થઈ ગયું હોય તો રક્તદાન કરી શકો છો.

માન્યતા: શાકાહારી લોકોમાં રક્તદાન કર્યા પછી નબળાઈ આવી જાય છે.
સત્ય : એવું થતું નથી. જે લોકો હેલ્ધી ડાયટ લે છે તેમને કોઈ પણ પ્રકારની નબળાઈ આવતી નથી.

ડો.નમન શર્મા જણાવે છે કે, રક્તદાન કરતાપહેલાં સારી ઉંઘ અને હેલ્ધી ફૂડ લો. કોઈપણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. તો જે લોકોને લોહીની જરૂર હોય, તેઓએ ચોક્કસ ધોરણ હેઠળ સંચાલિત બ્લડ બેંકમાંથી જ લોહી લેવું જોઈએ, કારણ કે ત્યાં બ્લડના એચઆઈવી સહિતના ઘણા ટેસ્ટ કરવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારનો ચેપ લોહી દ્વારા બીમાર વ્યક્તિ સુધી ન પહોંચે.

લોહી ચઢાવતી વખતે શરદી અને તાવ આવે તે સારું નથી.
લોહી ચઢાવ્યા પછી શરીર પર ખંજવાળ, તાવ, લાલ ચકમાં જોવા મળે છે. લોહીની ઘણી બોટલ ફેફસામાં સમસ્યા ઊભી કરી શકે છે. જો કે, જો કોઈ વ્યક્તિને લોહી ચઢાવવા દરમિયાન તીવ્ર શરદી સાથે તાવ આવે, તો તરત જ લોહી ચઢાવવાનું બંધ કરી અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

બ્લડ ડોનેટ કરવાથી ઘણાં ફાયદા થાય છે

 • રક્તદાન કરવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
 • કેન્સર થવાનું જોખમ ઘટી શકે છે.
 • લીવરની બીમારીઓમાં રાહત મળે છે.
 • વજન ઘટાડવામાં મદદ કરે છે.