કેન્સરના દર્દીઓમાં વધારો:50 વર્ષથી નાની ઉંમરના લોકો લાઇફસ્ટાઇલ, સ્થૂળતા અને ખાવાની ખરાબ ટેવને કારણે બીમારીનો શિકાર બને છે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં કેન્સરનાં દર્દીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ, ભારતમાં પણ દર વર્ષે લગભગ 13 લાખ લોકો કેન્સરના શિકાર બની રહ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સંશોધનમાં ખબર પડી હતી કે છેલ્લાં 5 વર્ષમાં દેશમાં 12%ના દરથી કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે, પરંતુ સૌથી મોટો પડકાર નાની ઉંમરે કેન્સરનો શિકાર થવું છે.

નેચર જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, નાની ઉંમરે કેન્સરની બીમારી થવા પાછળનું કારણ આપણી લાઇફસ્ટાઇલ છે. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના ડેટા અનુસાર, બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને થાઈરોઈડ કેન્સર થવું 50 વર્ષની ઉંમર પહેલાં સૌથી સામાન્ય વાત થઇ ગઇ છે. ભારતમાં બ્રેસ્ટ કેન્સર, મોઢાના કેન્સર, ગર્ભાશય અને ફેફસાંના કેન્સરના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

ફાસ્ટ ફૂડનો વધતો ક્રેઝ
એવું નથી કે આપણા દેશમાં જ ફાસ્ટ ફૂડનું ચલણ વધ્યું છે, પરંતુ દુનિયાભરમાં પણ લોકો પારંપરિક ખોરાકને છોડીને ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે, જેને કારણે જ કેન્સરના દર્દીઓમાં ધરખમ વધારો થયો છે. કેન્સર થવા પાછળનું એક કારણ તીખો- તળેલો, વાસી અથવા વારંવાર એક જ તેલમાં બનાવવામાં આવેલો ખોરાક છે. તો પ્લાસ્ટિકની પ્લેટમાં જમવાથી કે વધુ મીટ ખાવાથી પણ કેન્સરનું જોખમ વધી શકે છે.

સ્થૂળતા
આજના સમયમાં સ્થૂળતા સામાન્ય બીમારી છે. એનાથી અનેક બીજી બીમારીઓ થઈ શકે છે. આ પૈકી એક બીમારી કેન્સર છે. વિશ્વના વિકસિત દેશોમાં સ્થૂળતાની સમસ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અમેરિકા સ્થૂળતાથી સૌથી વધુ લોકો પરેશાન છે. તો વિશ્વમાં સૌથી વધુ કેન્સરના દર્દીઓ અમેરિકામાં છે. સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે વજનને કંટ્રોલ કરવું જરૂરી છે.

તમાકુ
તમાકુનું દરરોજ સેવન કરવામાં આવે તો કેન્સરની શક્યતા નકારી શકાતી નથી. વધુ તમાકુ ખાવાથી મોઢાના કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. ભારતમાં કોઈપણ પ્રકારના કેન્સરથી પીડિત 10 પૈકી 7 દર્દી મૃત્યુ પામે છે. જે લોકો નાની ઉંમરે જ આલ્કોહોલ પીવાનું શરૂ કરે છે તે લોકોમાં કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.

માઇક્રોબાયોમ
માઇક્રોબાયોમ (વાઇરસ, બેક્ટેરિયા અને ફૂગ)એ કેન્સરનું કારણ છે કે નહીં એ અંગે છેલ્લા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ નવા સંશોધન પરથી ખબર પડે છે કે હેપેટાઇટિસ અને HPV જેવા વાઇરલ ઇન્ફેકશનને કારણે કેન્સર થઈ શકે છે. જે લોકોનાં પરિવારજનોમાં કોઈને પણ કેન્સર હોય તો તે લોકોને નાની ઉંમરે કેન્સરનું જોખમ વધારે હોય છે.

શારીરિક ગતિવિધિઓને કારણે પેટના કેન્સરનું જોખમ
નેચર જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, જે લોકોની લાઇફસ્ટાઇલમાં કોઈ તકલીફ હોય, ભાગદોડ વધારે હોય છે, પરંતુ કસરત, યોગા, રમત માટે સમય નથી મળતો તો આપણે કેન્સર જેવી બીમારીને આમંત્રણ આપી રહ્યા છીએ. જે લોકો સતત નાઇટ શિફ્ટમાં કામ કરે છે તે લોકોમાં કેન્સરના જોખમનું પ્રમાણ વધી જાય છે. જે મહિલાઓ 35 વર્ષની ઉંમર સુધી બાળકોને સ્તનપાન કરાવતી ન હતી તેમને પણ નાની ઉંમરે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધી ગયું હતું. કોલ્ડ ડ્રિંક્સ અને અન્ય પીણાં, જેમાં વધુ સોડા અને ખાંડ ઉમેરવામાં આવે છે એનાથી પણ કેન્સરનું જોખમ વધે છે. લાંબા સમય સુધી વધુપડતો મસાલેદાર ખોરાક ખાવાથી પેટનું કેન્સર થઈ શકે છે.