લોકો જ્યાં સુધી તમે બીમાર ના પડે ત્યાં સુધી ફિઝિકલ ટેસ્ટ ના કરાવે. હોસ્પિટલ પહોંચીને તુરંત જ મશીનથી બ્લડપ્રેશર માપીને રિપોર્ટ જાણી લેવો, બસ તપાસની આ પ્રક્રિયા જ અનેક પ્રકારની બીમારીઓમાં વધારો કરી રહી છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ હાઇપરટેન્શનના સેક્રેટરી ડૉ.થોમસ અંગારે દિવ્ય ભાસ્કરના રિતેશ શુક્લા સાથેની વાતચીતમાં બ્લડપ્રેશર ચેક કરવાનાં સાચાં ઉપાયો, બચવાનાં ઉપાયો અને તેના સમાધાન અંગેની માહિતી આપી હતી. ચાલો આ માહિતી પર એક નજર ફેરવીએ.
પ્રશ્ન : જીવનશૈલી બદલવા છતાં તમારે આજીવન દવા લેવાની શું જરૂર છે?
જવાબ : હાઈપરટેન્શનના મોટાભાગના દર્દીઓને તો ખ્યાલ પણ નથી હોતો કે તે બીમાર છે. આનાં બે કારણો છે, એક તો આ બીમારીના લક્ષણો તુરંત બહાર આવતાં નથી અને બીજું એ કે બ્લડપ્રેશર ચેક કરવાની પ્રક્રિયા યોગ્ય હોતી નથી. હાઈપરટેન્શનના કારણે મૂળભૂત રીતે હૃદય, મગજ, ધમનીઓ અને કિડનીને લગતી બીમારીઓ થાય છે. જ્યારે કિડની ફેલ થવાની હોય કે સ્ટ્રોક આવે ત્યારે ખબર પડે છે કે, હાઈપરટેન્શન હતું. વર્ષ 2010થી ગરીબ દેશોમાં હાઈપરટેન્શનનું પ્રમાણ ઘણું વધી ગયું છે અને સાથે જ કિડની અને સ્ટ્રોકની સમસ્યા પણ વધી ગઈ છે.
પ્રશ્ન: હાઈપરટેન્શનની તપાસ કરવાની સાચી રીત કઈ છે?
જવાબ : ડૉક્ટર પાસે પહોંચીને તુરંત જ બ્લડપ્રેશર ના માપવું જોઈએ. ડૉક્ટર પાસે આવ્યા પછી વ્યક્તિએ કમ સે કમ 5 મિનિટ સુધી શાંતિથી બેસવું જોઈએ. બ્લૈડર હળવું હોવું જોઈએ. તપાસ દરમિયાન વાતચીત કરવાનું ટાળવું. ત્યારબાદ ૫ મિનિટના અંતરે બ્લડપ્રેશર ૩ વખત માપવું જોઈએ. તપાસ દરમિયાન આજુબાજુ કોઈપણ પ્રકારનો શોરબકોર ના હોવો જોઈએ. ત્રણવાર તપાસ કર્યા બાદ જે એવરેજ આવે તેને યોગ્ય માનવું જોઈએ, તેની સાથે ECG પણ થવું જોઈએ.
પ્રશ્ન: આ બીમારીના કારણો શું છે?
જવાબ: દાયકાઓના રિસર્ચ બાદ પણ 90 ટકા કેસમાં ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો બીમારી પૈતૃક હોય તો જોખમ વધુ રહે છે. હવા કે અવાજ અથવા તો બંને પ્રદૂષણ આસપાસ રહેવાથી આ બીમારી વધુ પડતી થાય છે. બ્લડપ્રેશર 120/70 થી 130/80 ની વચ્ચે સામાન્ય હોય છે. જો 130/80થી વધુ હોય તો તે પ્રી-હાઈપર ટેન્શન સ્ટેજમાં હોય છે. તમારે 140/90 કે તેથી વધુની સ્થિતિમાં દવા લેવાની જરૂર પડે છે. આજીવન દવા લો નહીંતર આ બીમારી હૃદય, મન, કિડની સુધી પહોંચી જશે.
પ્રશ્ન: દર્દીઓએ તેમની જીવનશૈલીમાં શું પરિવર્તન લાવવું જોઈએ?
જવાબ: તાજા ફળો અને શાકભાજી ખાઓ, સ્મોકિંગથી દૂર રહો, તેલ-ચરબીથી દૂર રહો, વ્યાયામ-યોગ કરો, 8 કલાક ઊંઘો, નિરાશાથી બચો, ખુશ રહો, મેદસ્વીતાને નિયંત્રણમાં રાખો અને જો તમે પાતળા હો તો પણ ધ્યાન રાખો.
પ્રશ્ન: પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ આ સમસ્યા થાય છે, આનું કારણ શું છે?
જવાબ: પુરુષોની તુલનામાં મહિલાઓ બ્લડપ્રેશરના ટેસ્ટ ખુબ જ ઓછાં કરાવે છે. તેથી, તેમને મોડેથી ખબર પડે છે. આ કારણે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં પણ વધુ પડતો સમય લાગે છે. આ ઉપરાંત આખા વિશ્વમાં એક વિચિત્ર ટ્રેન્ડ પણ જોવા મળે છે કે જ્યારે પતિને કોઈ બીમારી હોય ત્યારે પત્ની તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે, પરંતુ જો પત્નીને કોઈ બીમારી હોય તો પતિ એ જ રીતે પત્નીનું ધ્યાન રાખતો નથી. આ વિચારધારાને બદલવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.