જે માતા-પિતા દિવસમાં 4 કલાક મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરે છે, તેમનું તેમના બાળકો પ્રત્યેનું વર્તન બદલી જાય છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ વૉટરલૂના સંશોધન વિદ્વાનોએ 5 થી 18 વર્ષની વયના બે બાળકોના 549 માતા-પિતાનો સર્વે કર્યો હતો. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે માતા-પિતા ફ્રી સમયમાં કે પછી આરામ કરતી વખતે ફોન કે અન્ય ડિજિટલ માધ્યમોના સંપર્કમાં આવે છે, તે પોતાના બાળકો પ્રત્યે ચીડિયા થઈ જાય છે. તે તેમના બાળકોને ઠપકો આપતા રહે છે અને વધુ બૂમો પાડે છે. આ સર્વેમાં જાણવા મળ્યું કે, મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરનારા 75 ટકા માતા-પિતાને પણ ડિપ્રેશન હતું.
કોરોનામાં ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ વધ્યો
આ સંશોધન કોરોનાકાળ દરમિયાન થયું હતું. એવું જાણવા મળ્યું હતું કે, સ્ક્રીનનો સમય અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. સરેરાશ, માતા-પિતા દિવસમાં 3 થી 4 કલાક ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરે છે. યુનિવર્સિટી ઓફ વૉટરલૂના ક્લિનિકલ સાયકોલોજીના વિદ્વાન, મુખ્ય લેખક જાસ્મિન ઝાંગે જણાવ્યું હતું કે, ‘એક પરિવાર તરીકે, માતા-પિતા અને બાળક બંનેની વર્તણૂક મહત્વ ધરાવે છે, તેથી અમને જાણવા મળ્યું છે કે, માતા-પિતાની વર્તણૂક પર પણ નકારાત્મક અસર પડે છે.’
ડિજિટલ ડિવાઇસના વધેલા સ્ક્રીન ટાઇમ અને વર્તનમાં કડવાશ વચ્ચે આ જોડાણ જોવા મળ્યું હતું. રિસર્ચ ટીમને એવું પણ જાણવા મળ્યું હતું કે, જ્યારે પરિવારના સભ્યો વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયામાં ઘટાડો થયો ત્યારે માતા-પિતામાં પેરેંટિંગને લગતી ખરાબ આદતો બહાર આવવા લાગી હતી.
સામાજિક રીતે વધુ સક્રિય રહો
રિસર્ચ લીડર પ્રો. જાસ્મિન ઝાંગે કહ્યું કે, જે માતા-પિતા સોશિયલ મીડિયા પર દિવસમાં એક કે બે કલાક વિતાવે છે, તે બાળકો પ્રત્યે વધુ સકારાત્મક વર્તન કરે છે. તેમણે કહ્યું કે, માતા-પિતાએ સામાજિક રીતે વધુ સક્રિય રહેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.