World Thalassemia Day 2022:બ્લડ ડિસઓર્ડરનો એક પ્રકાર છે થેલેસેમિયા, જાણો કેટલું ખતરનાક હોઈ શકે છે?

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

'વિશ્વ થેલેસેમિયા દિવસ' દર વર્ષે ૮ મેના રોજ ઉજવવામાં આવે છે. થેલેસેમિયા એક બ્લડ ડિસઓર્ડર છે કે, જે બાળકોને તેમના માતા-પિતા પાસેથી મળે છે એટલે કે તેને આનુવંશિક રોગ માનવામાં આવે છે. જન્મના થોડા મહિના પછી જ થેલેસેમિયાના લક્ષણો દેખાવા લાગે છે. આ સ્થિતિમાં શરીરમાં લાલ રક્તકણોની ઉણપ ખૂબ જ ઝડપી હોય છે. સામાન્ય રીતે શરીરમાં લાલ રક્તકણોની ઉંમર લગભગ 120 દિવસ હોય છે, પરંતુ થેલેસેમિયાગ્રસ્ત દર્દીના શરીરમાં લાલ રક્તકણોની ઉંમર માત્ર 20 દિવસ જ હોય છે. આવી સ્થિતિમાં દર 20થી 25 દિવસ બાદ આ દર્દીઓએ બહારથી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો આ રોગની યોગ્ય સારવાર ના મળે તો તે મૃત્યુનું કારણ પણ બની શકે છે. લોકોને આ રોગ પ્રત્યે જાગૃત કરવા માટે દર વર્ષે ૮ મેના રોજ 'વિશ્વ થેલેસેમિયા દિવસ' મનાવવામાં આવે છે. અહીં આ દિવસનો ઇતિહાસ અને આ રોગથી સંબંધિત મહત્વપૂર્ણ બાબતો છે.

વર્લ્ડ થેલેસેમિયા દિવસનો ઇતિહાસ
વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી સૌથી પહેલાં વર્ષ 1994માં કરવામાં આવી હતી. થેલેસેમિયા ઈન્ટરનેશનલ ફેડરેશનના પ્રમુખ અને સ્થાપક રહી ચૂકેલા જ્યોર્જ એન્ગલજોસે આ દિવસની શરૂઆત આ રોગથી પીડાતા તમામ દર્દીઓ અને તેમના માતા-પિતાના સન્માનમાં કરી હતી, પોતે એટલાં બીમાર હોવા છતાં પણ તેમણે કયારેય જીવન જીવવાની આશા છોડી નહીં. તેનો હેતુ લોકોને આ રોગ પ્રત્યે જાગૃત કરવાનો છે.

થેલેસેમિયા બે પ્રકારના હોય છે
થેલેસેમિયા માઇનોર અને મેજર એમ બે પ્રકારના હોય છે. જ્યારે પતિ-પત્નીમાંથી કોઈ એકના રંગસૂત્રોને નુકસાન થાય છે, ત્યારે બાળકને માઇનોર થેલેસેમિયા થાય છે. માઇનોર થેલેસેમિયામાં દર્દી સામાન્ય લોકોની જેમ જીવન જીવી શકે છે, પરંતુ જ્યારે પતિ-પત્ની બંનેના રંગસૂત્રોને નુકસાન થાય છે ત્યારે બાળકને મેજર થેલેસેમિયા થાય છે. આવી સ્થિતિમાં તેણે વારંવાર બહારથી લોહી લેવાની જરૂર પડે છે.

થેલેસેમિયાના લક્ષણો

  • દરેક સમયે નબળાઈ અનુભવવી
  • થાક લાગવો
  • પેટમાં સોજો આવવો-
  • યુરિનમાં તકલીફ
  • ત્વચામાં પીળાશ આવવી
  • નખ, આંખો અને જીભ પર પીળાશ આવવી

આ બધા લક્ષણોથી બાળકનો વિકાસ અટકી જાય છે.

જટિલતા
મેજર થેલેસેમિયા શરીરમાં અનેક પ્રકારની જટિલતાનું જોખમ વધારે છે. તેનાથી હાડકાંની વિકૃતિ, હૃદય સાથે સંબંધિત બીમારીઓ, હૃદયના ધબકારા વધ-ઘટ થવા, પીલીયા, પ્લીહા જેવી અનેક પ્રકારની સમસ્યાથી તમે પીડાઈ શકો છો.

થેલેસેમિયાનો ઉપચાર
બોન મેરો ટ્રાન્સપ્લાન્ટને થેલેસેમિયાની એકમાત્ર સારવાર માનવામાં આવે છે, પરંતુ કમનસીબે ફક્ત 20 થી 30 ટકા દર્દીઓને જ તેમના પરિવારમાંથી HLA આઇડેન્ટિલ દાતા મળે છે. 70 ટકા દર્દીઓને દાતા મળતા નથી, કારણકે ટ્રાન્સપ્લાન્ટ શક્ય નથી. આવી સ્થિતિમાં સમયાંતરે લોહી ચડાવવામાં ના આવે તો તેની ઘણી આડઅસરો પણ સામે આવે છે.

બચાવની રીત
બાળકને થેલેસેમિયા જેવી ખતરનાક બીમારીથી બચાવવા માટે લગ્ન પહેલા છોકરા-છોકરી માટે બ્લડ ટેસ્ટ ફરજિયાત કરાવવા જોઈએ. જો આ શક્ય ના હોય તો ગર્ભાવસ્થાના 8થી 11 અઠવાડિયાની અંદર DNA ટેસ્ટ કરાવવો જોઈએ.