કોરોના ઈમ્પેક્ટ:લોકડાઉનને કારણે કેન્સરથી પીડિત દર 7માંથી 1 દર્દીની સર્જરી ટળતાં મૃત્યુના કેસ વધ્યા, ઓછી આવક ધરાવતા દેશમાં સૌથી વધુ અસર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બર્મિંઘમ યુનિવર્સિટીએ ભારત સહિત 61 દેશોમાં રિસર્ચ કર્યું
  • રિસર્ચ પ્રમાણે લોકડાઉનમાં સમયમસર સર્જરી ન થવાને કારણે મૃત્યુના કેસ વધ્યા

કોરોના વાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કેન્સરના દર્દીઓની સારાવાર પર ખરાબ અસર થઈ છે. દર 7માંથી 1 કેન્સર દર્દીની સર્જરી ટળી ગઈ છે. ઓછી આવક ધરાવતા દેશોમાં સ્થિતિ વધારે ખરાબ છે. આ દાવો 'લેન્સેટ ઓન્કોલોજી' નામની મેડિકલ જર્નલના એક રિસર્ચમાં કરવામાં આવ્યો છે.

સર્જરી ન થવા પર મૃત્યુના કેસ વધ્યા
રિસર્ચ પ્રમાણે, કેન્સરના દર્દીઓમાં સર્જરી ટળી જવાથી મૃત્યુની સંખ્યા વધી છે. જો સર્જરી સમયસર થાય તો મૃત્યુ રોકી શકાય છે. આ રિસર્ચ યુકેની બર્મિંઘમ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે. સંશોધકોએ ભારત સહિત 61 દેશોની 466 હોસ્પિટલના 20 હજાર કેન્સરના દર્દીઓ પર રિસર્ચ કર્યું. આ દર્દીઓ 15 સૌથી સામાન્ય કેન્સરથી પીડાતા હતા. તેમાંથી ભારતના 1566 દર્દીઓ હતા.

ઓછી આવક ધરાવતા દેશોની કફોડી સ્થિતિ

રિપોર્ટ પ્રમાણે કોવિડના કારણે દર 7માંથી 1 દર્દીની સર્જરી ન થઈ શકી. ઓછી આવક ધરાવતા દેશોમાં સ્થિતિ વધુ ગંભીર છે. બર્મિંઘમ યુનિવર્સિટીના સંશોધક જેમ્સ ગ્લાસબે જણાવે છે કે, લોકડાઉનમાં લોકોને સંક્રમણથી બચાવવા માટે ઘરની અંદર જ રહેવાની સલાહ અપાઈ, તેવામાં જે દર્દીને સર્જરીની જરૂર હતી તેની સમયસર સર્જરી ન થઈ શકી.

રિસર્ચના પરિણામ બોધપાઠ
જે દર્દીઓની સર્જરી ટળી ગઈ તેઓ સામાન્ય કેન્સરથી પીડાતા હતા. તેમાં કોલોરેક્ટલ, ઈસોફેગલ, ગેસ્ટ્રિક, હેડ એન્ડ નેક, લિવર, પેન્ક્રિયાટિક, પ્રોસ્ટેટ, બ્લેડર, રીનલ અને બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ સામેલ હતા. સંશોધકોનું માનવું છે કે રિસર્ચના આંકડા સરકારને આવી સ્થિતિમાં નવી ગાઈડલાઈન બનાવવાની સમજણ આપશે.

બ્રેસ્ટ કેન્સર સૌથી સામાન્ય
WHOના રિપોર્ટ પ્રમાણે, બ્રેસ્ટ કેન્સર હવે સૌથી સામાન્ય કેન્સર બન્યું છે. છેલ્લાં 20 વર્ષમાં ફેફેસાંનું કેન્સર સૌથી સામાન્ય કેન્સર હતું, પરંતુ હવે તે બીજા નંબરે છે. WHOના કેન્સર એક્સપર્ટ આન્દ્રે ઈલબાવી જણાવે છે કે, 2020માં બ્રેસ્ટ કેન્સરના 23 લાખ કેસ સામે આવ્યા હતા જે કુલ કેન્સરના કેસના 12% છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી વધુ થાય છે.

અન્ય સમાચારો પણ છે...