વૈજ્ઞાનિકોનો દાવો:ભારતમાં ત્રીજી લહેર માટે ઓમિક્રોનનો 'સબ વેરિઅન્ટ' જવાબદાર, ડેલ્ટા સાથે મળી લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • INSACOGના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, અત્યારની લહેર માટે ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ BA.1 જવાબદાર
  • વાઈરસના મૂળ વેરિઅન્ટના પરિવારના સભ્યને સબ વેરિઅન્ટ કહેવાય છે

કોરોના વાઈરસના 'ડેલ્ટા' વેરિઅન્ટે બીજી લહેરમાં કહેર વરસાવ્યા બાદ હવે 'ઓમિક્રોન'ને કારણે દેશમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. સોમવારે સતત પાંચમા દિવસે કોરોના વાઈરસના 1 લાખથી વધુ કેસ દેશમાં નોંધાયા છે. કોવિડ પોઝિટિવ ક્લિનિકલ સેમ્પલનાં જીનોમ સિક્વન્સિંગ પર કામ કરી રહેલા INSACOG (ઈન્ડિયન SARS-CoV-2 જિનેટિક્સ કોન્સોર્ટિયમ)ના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ લહેર માટે ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ BA.1 જવાબદાર છે. આ ડેલ્ટા વેરિઅન્ટ સાથે મળી લોકોને સંક્રમિત કરી રહ્યો છે.

સબ વેરિઅન્ટ
વાઈરસના મૂળ વેરિઅન્ટના પરિવારના સભ્યને સબ વેરિઅન્ટ કહેવાય છે. સરળ ભાષામાં સમજીએ તો ઓમિક્રોન (B.1.1.529) કોરોના વાઈરસનો એક મૂળ વેરિઅન્ટ છે. આ વેરિઅન્ટના 3 સબ વેરિઅન્ટ્સ છે: BA.1, BA.2 અને BA.3. આ સબ વેરિઅન્ટ્સ પણ ઓમિક્રોનની જેમ ઝડપથી સંક્રમણ ફેલાવે છે.

ભારતમાં સબ વેરિઅન્ટ્સ કહેર વરસાવી રહ્યા છે
દેશમાં કોરોના સંક્રમણ 4-5 ગણી ઝડપે ફેલાઈ રહ્યું છે. તેનું કારણ BA.1 સબ વેરિઅન્ટ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં INSACOGના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ક્લિનિકલ સેમ્પલ્સના જીનોમ સિક્વન્સિંગમાં મૂળ ઓમિક્રોન વેરિઅન્ટને બદલે BA.1ની હાજરી જોવા મળી છે. BA.1 ઓમિક્રોનનો સભ્ય છે. તેથી આવા કેસ ઓમિક્રોન પોઝિટિવ જ ગણાશે.

હાલ મહારાષ્ટ્ર સહિતના પ્રદેશમાં BA.1 ડેલ્ટા વેરિઅન્ટ સાથે મળી લોકોને સંક્રમિત કરી રહ્યો છે. કેટલાક સેમ્પ્લમાં BA.2ની પણ હાજરી જોવા મળી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ભારતમાં અત્યાર સુધી BA.3નો કોઈ કેસ જોવા મળ્યો નથી.

ઓમિક્રોન ચિંતાજનક વેરિઅન્ટ
WHOના રિપોર્ટ પ્રમાણે ઓમિક્રોનના BA.1 અને BA.2 સબ વેરિઅન્ટ દુનિયાભરમાં ફેલાઈ રહ્યા છે. 24 નવેમ્બરે સાઉથ આફ્રિકામાં પ્રથમ વખત તેનો કેસ નોંધાયો હતો. આ વેરિઅન્ટ અત્યાર સુધી 110 દેશમાં પગપેસારો કરી ચૂક્યો છે. WHOએ 26 નવેમ્બરે ઓમિક્રોનને 'વેરિઅન્ટ ઓફ કન્સર્ન' અર્થાત ચિંતાજનક વેરિઅન્ટ જાહેર કર્યો છે.

દેશમાં 24 કલાકમાં 1.67 લાખ કેસ
દેશમાં ઘણા દિવસથી કુલ કેસનો આંકડો 1 લાખને પાર જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1.67 લાખ નવા કેસ નોંધાયા છે તો સામે 69,798 દર્દીઓ સાજા થયા છે. 277 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં 97,475નો વધારો થયો છે. હાલ કુલ 8 લાખ કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. 11 દિવસ પહેલાં આ આંકડો 1 લાખનો હતો.

અન્ય સમાચારો પણ છે...