ભગવાન બચાવે કોરોનાથી:લક્ષણો ન હોવા છતાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન, એસિમ્પ્ટોમેટિક સંક્રમણમાં ડેલ્ટાની સરખામણીએ તેની ગતિ 7થી 12 ગણી વધારે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોન્સન એન્ડ જોન્સનનાં રિસર્ચમાં ઓમિક્રોનનો એસિમ્પ્ટોમેટિક ટ્રાન્સમિશન રેટ ડેલ્ટા કરતાં વધારે જોવા મળ્યો
  • રિસર્ચમાં પુરવાર થયું કે વેક્સિન લીધી હોવા છતાં લોકો ઓમિક્રોનનાં કેરિયર બન્યાં

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લીધે દેશમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. દુનિયાભરમાં આ નવાં વેરિઅન્ટે પગપેસારો કર્યો છે. દક્ષિણ આફ્રિકામાં થયેલાં રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કોરોનાનો નવો વેરિઅન્ટ ઝડપથી શા માટે ફેલાય છે તે શોધી કાઢ્યું છે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે જે લોકોમાં ઓમિક્રોનનાં કોઈ પણ લક્ષણો નથી તેઓ આ વાઈરસ ફેલાવાનું કારણ છે. કેટલાક કેસમાં આ જોખમ અન્ય વેરિઅન્ટની સરખામણીએ 7થી 12ગણું છે.

પ્રથમ રિસર્ચમાં કોરોના પોઝિટિવિટી રેટ 31%
વૈજ્ઞાનિકોના પ્રથમ રિસર્ચમાં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં મોટા ભાગના લોકોને કોઈ લક્ષણો જ નહોતા. આ એસિમ્પ્ટોમેટિક દર્દીઓની સંખ્યા કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધારે હતી.

આ રિસર્ચ HIVના દર્દીઓ પર મોડર્ના કંપનીની કોરોના વેક્સિનની અસર જાણવા થયું હતું. રિસર્ચમાં સામેલ 230માંથી 31% લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા. તેમના સેમ્પલ્સનાં જીનોમ સીક્વન્સિંગમાં 56 કેસ ઓમિક્રોનના ડિટેક્ટ થયાં.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કોરોનાના જૂનાં વેરિઅન્ટ્સમાં એસિમ્પ્ટોમેટિક ટ્રાન્સમિશન રેટ 1થી 2.6% હતો જ્યારે ઓમિક્રોનમાં એસિમ્પ્ટોમેટિક ટ્રાન્સમિશન રેટ જૂનાં વેરિઅન્ટ કરતાં 7થી 12ગણો વધારે છે.

વેક્સિન લીધી હોય તો પણ ઓમિક્રોન કેરિયર બનવાનું જોખમ
બીજું રિસર્ચ જોન્સન એન્ડ જોન્સનની કોરોના વેક્સિનની અસર જાણવા માટે કરવામાં આવ્યું. તેમાં જોવા મળ્યું કે બીટા અને ડેલ્ટા વેરિઅન્ટ સયમે એસિમ્પ્ટોમેટિક ટ્રાન્સમિશન રેટ 2.6% હતો જ્યારે ઓમિક્રોનમાં તે 16% હતો.

આ રિસર્ચમાં 577 વેક્સિનેટેડ લોકો સામેલ થયાં હતા. વેક્સિન લીધી હોવા છતાં આ લોકો ઓમિક્રોન વેરિઅન્ટના કેરિયર બન્યા. લક્ષણોની ઓળખ ન થવાથી સંક્રમણ ફેલાવાનું જોખમ વધી ગયું છે.

સંક્રમણનાં કોઈ જ લક્ષણનો નથી તો શું કરશો?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોનની લહેરમાં મોટા ભાગના લોકોને કોઈ લક્ષણો અનુભવાયા નથી. અર્થાત જો તમને ઓમિક્રોનનું સંક્રમણ થયું પણ હશે તો તમે તેનાથી અજાણ રહેશો. આ સ્થિતિમાં સતત માસ્ક પહેરવો, વારંવાર હાથ ધોવા, ભીડથી અળગા રહેવું અને વેક્સિન અથવા બૂસ્ટર ડોઝ જ કોરોનાથી બચવાના ઉપાય છે.

દક્ષિણ આફ્રિકામાં નવેમ્બર મહિનાના છેલ્લાં અઠવાડિયાંમાં કોરોનાના કેસમાં અધધધ વધારો જોવા મળ્યો. 24 નવેમ્બરે ઓમિક્રોનનો પ્રથમ કેસ ડિટેક્ટ થયો. હાલ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસ ઓછા થઈ રહ્યા છે. નવો વેરિઅન્ટ કોરોનાની જૂની લહેરની સરખામણીએ એટલો ઘાતક નથી જોકે તેનું સંક્રમણ ઝડપથી ફેલાય છે.

અન્ય સમાચારો પણ છે...