કોરોનાનાં નવાં વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં પગપેસારો કર્યો છે. આ નવાં વેરિઅન્ટને લઈ અવનવી વાતો સામે આવી રહી છે. બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. રવિન્દ્ર ગુપ્તા જણાવે છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ માઈલ્ડ છે તે એક માત્ર 'ઈવોલ્યુશનરી ભૂલ' છે. ડૉક્ટરે ચેતવણી આપતાં કહ્યું છે કે કોરોના વાઈરસને હળવામાં લેવો એ આપણી ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે. કારણ કે આગામી સમયનો વેરિઅન્ટ ઓમિક્રોન જેટલો માઈલ્ડ હશે કે કેમ તેની કોઈ ગેરન્ટી નથી.
ભૂલથી ઓમિક્રોન માઈલ્ડ બન્યો
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં ડૉ. ગુપ્તાએ જણાવ્યું કે, લોકોનું એવું માનવું છે કે કોઈ પણ વાઈરસ સમય સાથે નબળો પડતો જાય છે, પરંતુ કોરોનાના કેસમાં આ ધારણા ન રાખી શકાય. વાઈરસ ઘણા સમય પછી નબળો પડે છે. કોરોના વાઈરસ એક નવો વાઈરસ છે. તેને નબળો સમજવાની ભૂલ ન કરવી જોઈએ.
ડૉ. ગુપ્તા જણાવે છે કે, કોરોનાનો ઓરિજિનલ સ્ટ્રેન SARS-CoV-2 હજુ પણ દુનિયાભરના લોકોને સંક્રમિત કરી રહ્યો છે. હાલ તે માઈલ્ડ બને તેવો ઈરાદો નથી. તેથી કહી શકાય કે ઓમિક્રોન ભૂલથી માઈલ્ડ વેરિઅન્ટમાં ડેવલપ થયો છે. મ્યુટેશન્સ થતાં સમયે તેનામાં એવા ફેરફાર થયા કે તે ફેફસાંને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકતો નથી. તે ભૂલથી ઓછો ઘાતક બની ગયો છે. તેથી તે 3-4ગણી ઝડપે ફેલાઈ રહ્યો છે.
ભવિષ્યમાં નવાં વેરિઅન્ટ આવશે તે નક્કી
ડૉ. ગુપ્તાએ ચેતવણી આપતાં કહ્યું કે, ઓમિક્રોન પછી કોરોનાના બીજા ઘણા વેરિઅન્ટ આવશે. હાલ ઓમિક્રોન માઈલ્ડ છે તે આપણા માટે સારા સમાચાર છે, પરંતુ ભવિષ્યમાં નવાં વેરિઅન્ટ આપણા માટે માઠા સમાચાર સાબિત થઈ શકે છે.
ઓમિક્રોન કોરોનાની કુદરતી વેક્સિન નથી
કેટલાક વૈજ્ઞાનિકો ઓમિક્રોન વેરિઅન્ટને કોરોનાની કુદરતી વેક્સિન સમજી રહ્યા છે આ વાત પર ડૉ. ગુપ્તાએ નિવેદન આપ્યું કે આવો વિચાર ખોટો છે. લોન્ગ ટર્મમાં આ વેરિઅન્ટ આપણાં શરીરને કેટલુ નુકસાન કરશે તે કોઈને ખબર નથી. તેથી આવું કોઈ અનુમાન લગાવી ન શકાય.
વેક્સિન જ ઉપાય
ડૉ. ગુપ્તાના મત પ્રમાણે, કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય વેક્સિન છે. ઓમિક્રોન સંક્રમણ ફેલાઈ રહ્યું છે જોકે તે એટલું ગંભીર નથી. આ સમયનો સદુપયોગ વેક્સિનેશન માટે કરવો જોઈએ. ઈમ્ચુનિટી મજબૂત કરવા માટે બૂસ્ટર ડોઝ લેવો પણ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.