‘યે હૈ મોહબ્બતેં’ટીવી સિરિયલથી લોકપ્રિય થયેલ દિવ્યંકા ત્રિપાઠી તાજેતરમાં પોતાનાં વધેલાં વજનને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ હતી. કેટલાક લોકો તેને ગર્ભવતી માનતાં હતાં. આવી સ્થિતિમાં અભિનેત્રીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું, ‘મારું પેટ સ્લિમ નથી એટલે હું ગર્ભવતી છું કે જાડી તે ફરીથી કોઈ પૂછશો નહીં.’ સમાજની વિચારસરણીમાં પાતળી કમર એ આદર્શ છે જ્યારે મોટાપો કલંક. આવી સ્થિતિમાં પાતળાં દેખાવાની ઈચ્છા અમુક લોકોને માનસિક રીતે બીમાર બનાવે છે, જેને ઓબેસોફોબિયા કહેવામાં આવે છે.
શું છે ઓબેસોફોબિયા?
ભોજનને માપી-માપીને જમવું, વારંવાર તમારું વજન ચકાસવું, કમરને વારંવાર માપવી, જો તમને સહેજ પણ મોટી દેખાય તો કલાકો સુધી કસરત કરવી, સવાર-સાંજ માત્ર એટલું જ વિચારો કે જાડાં ન થઈ જાય. આ તમામ લક્ષણો ઓબેસોફોબિયાના છે. તેને ‘પોક્રેસ્કોફોબિયા’તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એન્ઝાઈટી ડિસઓર્ડર (ચિંતા સાથે જોડાયેલી બીમારી) છે. આ બીમારી ઈટિંગ ડિસઓર્ડર સાથે સંબંધિત છે.
ફિટનેસ ઈન્ડસ્ટ્રીએ નકકી કર્યા સુંદરતાનાં સ્ટાન્ડર્ડ
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલનાં મનોચિકિત્સક ડૉ. રાજીવ મહેતાએ જણાવ્યું હતું કે, આજકાલ બ્યુટી એન્ડ ફિટનેસ ઇન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. તે લોકોમાં સુંદરતાનું પ્રમાણ નક્કી કરી રહ્યું છે, જેમ કે બોલીવૂડનાં એકટર જેવું શરીર હોવું, આટલું વજન હોય, આટલી કમર હોય વગેરે. છોકરીઓ પર આની વધુ પડતી અસર થઈ રહી છે. સુંદર દેખાવાની ઈચ્છા તેમને ઓબેસોફોબિયાનો શિકાર બનાવી શકે છે અને તમને ઈટિંગ ડિસઓર્ડર તરફ દોરી શકે છે.
ઓબેસોફોબિયામાં અનેક પ્રકારનાં ઈટિંગ ડિસઓર્ડર
એનોરેક્સિયા નર્વોસા: આમાં લોકોને હંમેશાં વજન વધવાનો ડર લાગતો રહે છે. ઘણી વખત તેને એવું લાગે છે, કે તેનું વજન વધારે છે પણ હકીકતમાં તે કુપોષણનો શિકાર હોય છે. આ પ્રકારનાં દર્દી ખૂબ જ પાતળાં હોય છે. તે હંમેશાં તેમનાં શરીરનાં આકાર અને વજનથી ભ્રમિત રહે છે. તે પોતાની જાતને ખાવાથી દૂર રાખે છે. જો તે રેગ્યુલર કરતાં થોડો પણ વધુ ખોરાક ખાઈ, તો તે બળજબરીથી ઉલટી કરે છે. એનોરેક્સિયામાં જ્યારે શરીરમાં કેલરીની ઉણપ સર્જાય છે ત્યારે માણસનાં સ્નાયુઓ નબળાં પડવા લાગે છે અને ઘણી વખત મલ્ટી ઓર્ગન ફેલ્યોર પણ થાય છે.
બુલીમિયા નર્વોસા: આમાં વ્યક્તિ થોડું-થોડું કરીને વધારે પડતું ખાઈ લે છે અને પછી તે બળજબરીથી ઉલ્ટી કરે છે અથવા રેચક (રેચક અને મૂત્રવર્ધક પદાર્થો) ખાવાનું શરૂ કરે છે. રેચક પદાર્થ ખાધા પછી શરીરમાંથી મળ નીકળવા લાગે છે. આ સિવાય અમુક લોકો વધારે પડતી કસરત કરવા લાગે છે.
કરિયર અને સંબંધોનો અંત આવી જાય છે
મનોચિકિત્સક ડૉ. રાજીવ મહેતાનાં જણાવ્યા પ્રમાણે ઓબેસોફોબિયા એ દર્દીની પ્રોફેશનલ, પર્સનલ લાઇફ અને રિલેશનશિપનો અંત લાવી શકે છે. વાસ્તવમાં આ સમયે વ્યક્તિને ડિપ્રેશન અને ચિંતા ચારેય તરફથી ઘેરી લે છે. જ્યારે કોઈ વ્યક્તિ હંમેશાં વજન વધારવાનો અને ખાવા-પીવાનો વિચાર કરે છે, ત્યારે તે બીજી વસ્તુઓ પર ધ્યાન આપી શકતો નથી. કેટલાક લોકો પર આ વાતોનું એવું પ્રભુત્વ થવા લાગે છે, કે તે આત્મહત્યા પણ કરી લે છે. આવા લોકોનાં મનમાં હંમેશાં એક જ ડર રહે છે, કે જો તે જાડાં થઈ જશે તો ખરાબ દેખાશે.
જો તમે એનોરેક્સિયા નર્વોસા નામનાં ઈટિંગ ડિસઓર્ડરનો શિકાર બન્યાં તો તમે કુપોષિત થઈ શકો છો અને તેનાથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે અને જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. આવા દર્દીઓને કાઉન્સેલિંગની સાથે સાથે દવાઓ લેવાની પણ જરૂર પડે છે.
10,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે
નેશનલ ઇટિંગ ડિસઓર્ડર ઓર્ગેનાઇઝેશને એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસ મુજબ દુનિયામાં 9 ટકા લોકો ઈટિંગ ડિસઓર્ડરનો શિકાર છે. આ કારણોસર 6% લોકો ઓછું વજન ધરાવે છે. દર વર્ષે આ કારણે 10,200 લોકો પોતાનો જીવ ગુમાવે છે. દર 52 મિનિટે 1 વ્યક્તિનું ઈટિંગ ડિસઓર્ડરનાં કારણે મોત થાય છે. આ સાથે જ 26 ટકા લોકો આ બીમારીનાં કારણે આત્મહત્યા પણ કરી લે છે.
આ બીમારી મહિલાઓમાં વધુ જોવા મળે છે
નેશનલ ઈટિંગ ડિસઓર્ડર ઓર્ગેનાઈઝેશને અમેરિકા, યુરોપ અને યુકેના લોકો વચ્ચે આ સર્વે કર્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે 0.3-0.4 ટકા મહિલાઓ અને 0.1 ટકા પુરુષો એનોરેક્સિયા નર્વોસાથી પીડાય છે. બુલિમિઆ નર્વોસાનાં દર્દીઓમાં 1.0% સ્ત્રીઓ અને 0.1% પુરુષો છે.
94 ટકા દર્દીઓ ડિપ્રેશનથી પીડાય છે
ઈન્ટરનેશનલ જનરલ ઓફ ઇટિંગ ડિસઓર્ડર્સે વર્ષ 2009માં એક અભ્યાસ હાથ ધર્યો હતો. એવું જાણવા મળ્યું હતું, કે 5 માંથી 1 મહિલા ઈટિંગ ડિસઓર્ડરની સારવાર મેળવે છે. હોસ્પિટલમાં દાખલ થયેલ 36.8 ટકા મહિલાઓ પોતાને જ નુકસાન પહોંચાડે છે. આ સાથે જ 94 ટકા દર્દીઓ ડિપ્રેશનથી પીડિત છે અને 56 ટકા દર્દીઓ ચિંતાથી પીડિત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.