તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરુરિયાતના સમાચાર:રાતે સૂતા પહેલાં બ્રશ કરો તો પણ સવારે મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમને હેલિટોસિસ હોઈ શકે છે; બચવા માટે આ 6 ટિપ્સ અપનાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંમાં રહેલા બેક્ટેરિયા લાળ સાથે મળી ભોજન અને પ્રોટીન તોડે છે
  • આ પ્રક્રિયામાંથી જે ગેસ નીકળે છે તેને કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવે છે
  • માઉથવોશનો ઉપયોગ કરી દુર્ગંધની માત્રા ઓછી કરી શકાય છે

ઘણી વાર લોકો ફરિયાદ કરે છે કે તેઓ સવારે ઉઠે છે તો તેમનાં મોંમાંથી દુર્ગંધ મારે છે. રાતે ભલે બ્રશ કરી સૂતા હોય તો પણ સવારે ઉઠ્યા બાદ દુર્ગંધ મારે છે. રાતે એવું તો શું બને છે જેથી સવારે મોંમાંથી દુર્ગંધ આવે છે. મોંમાં હંમેશાં કેટલાક બેક્ટેરિયા રહે છે. રાતે મોમાં થુકનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું થઈ જવાને કારણે બેક્ટેરિયાની સંખ્યા વધે છે અને તેને કારણે વાસ મારે છે.

આશરે 6થી 9 કલાકની ઊંઘ લેવાથી તમારું મોં સૂકાઈ જાય છે. રાતે આપણી લાળવાળી ગ્રંથિઓ ઓછી માત્રામાં લાળ ઉત્પન્ન કરે છે. તેને લીધે મોં વધારે સૂકાઈ જાય છે. આ પરિસ્થિતિમાં કેટલાક બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. બેક્ટેરિયા સલ્ફરવાળા વેસ્ટ મટિરિયલ બનાવે છે અને તેને કારણે મોંમાંથી વાસ મારે છે.

આ કારણે મોંમાંથી દુર્ગંધ આવે છે

  • જ્યારે આપણે કશુંક ખાઈએ છીએ ત્યારે મોંમાં રહેલા બેક્ટેરિયા લાળ સાથે મળી ભોજન અને પ્રોટીન તોડે છે. આ પ્રક્રિયામાં જે ગેસ નીકળે છે તે શ્વાસની દુર્ગંધનું કારણ બને છે. એમિનો એસિડ અને પ્રોટીનના પાચનથી બેક્ટેરિયાને એનર્જી મળે છે. કેટલાક એમિનો એસિડમાં સલ્ફર જોવા મળે છે. બેક્ટેરિયા તેનો ઉપયોગ કરે છે. બેક્ટેરિયાની પાચન ક્રિયામાં સલ્ફર સિવાય કેટલાક દુર્ગંધ મારતા ગેસ નીકળે છે. રિસર્ચમાં જોવા મળ્યું કે શ્વાસની દુર્ગંધમાં અનેક વસ્તુ હોય છે. તે આ પ્રમાણે હોઈ શકે છે: કેડાવરીન (ડેડબોડીની વાસ), હાઈડ્રોજન સલ્ફાઈડ (સડેલા ઈંડાંની વાસ, આઈસોવેલેરિક એસિડ (પરસેવાથી રેબજેબ થયેલાં પગની વાસ), મિથાઈલમેર્કાપ્ટેન (મળની વાસ), પટ્રીશાઈન (ગળતાં માંસની વાસ) અને ટ્રાઈમિથાઈલએમિન (સડેલી માછળીની વાસ).
  • રાતે સૂતા પહેલાં બ્રશ કરી અને જીભ સાફ કરીએ તો દુર્ગંધની માત્રા ઓછી કરી શકાય છે. મોમાં રહેલા બેક્ટેરિયા રાતે જ્યારે બંધ જગ્યામાં ભેજ જુએ છે તો તે વૃદ્ધિ કરતાં 600થી પણ વધારે કમ્પાઉન્ડ બનાવી લે છે.
  • ઘણા લોકો માઉથવોશનો ઉપયોગ કરે છે. તેમાં રહેલા ઝાઈલિટ્રોલ, ટ્રિકલોઝાન અને અસેન્શિયલ ઓઈલ થોડા સમય માટે બેક્ટેરિયાને કન્ટ્રોલ કરે છે. પરંતુ થોડા સમય પછી તેની અસર જોવા મળતી નથી. તેથી સવારે દુર્ગંધ મારે છે. પરંતુ જો આ દુર્ગંધ તીવ્ર હોય તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ કારણ કે આ સ્થિતિ હેલિટોસિસની હોઈ શકે છે. દાંતમાં કેવિટી, પેઢાંમાં સડો અને ટોન્સિલ હોય તો પણ આ પ્રકારની દુર્ગંધ મારે છે.

કેટલાક લોકોના મોમાંથી વધારે દુર્ગંધ કેમ મારે છે?
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકોના મોંમાંથી સામાન્ય વાતચીત દરમિયાન પણ વાસ મારે છે. મોં યોગ્ય રીતે સાફ ન કરવું અને તમારા શ્વાસ લેવાની રીત પણ એક મોટું કારણ હોઈ શકે છે. જે લોકો નાકથી નહિ મોંથી શ્વાસ લે છે અથવા જે લોકો નસકોરાં લે છે તેમને આ સમસ્યા વધારે હોઈ શકે છે. આ સિવાય જો તમે કોઈ પ્રકારની દવા લો છો અથવા એલર્જી છે અથવા ધૂમ્રપાન કરો છો કરો છો તો મોંમાંથી વાસ મારી શકે છે. આમ થવા પર એક વાર ડૉક્ટરની સલાહ લો.

હેલિટોસિસ
મેડિકલની ભાષામાં મોંમાંથી દુર્ગંધની સ્થિતિને હેલિટોસિસ કહેવાય છે. મોં યોગ્ય રીતે સાફ ન કરવા પર અને ખાનપાનની ખોટી રીતને કારણે આ કન્ડિશન થાય છે. આ કન્ડિશનથી બચવા માટે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો.

દરરોજ જીભ સાફ કરો
મોંમાંથી દુર્ગંધ જીભ, દાંત અને પેઢાં પર રહેલા બેક્ટેરિયાના પ્લેકને કારણે થાય છે. તેથી જીભ દરરોજ સાફ કરવી જોઈએ અને દિવસમાં 2-3 વાર બ્રશ કરો.

દાંતની સફાઈ માટે ટૂલ-સેટ રાખો
દાંત પર બ્રશ, જીભની સફાઈ માટે મેટલ અથવા પ્લાસ્ટિકનું ટંગ ક્લીનર અને ડેન્ટલ ફ્લોસ મિક્સ કરીને સંપૂર્ણ ટૂલ સેટ બનાવો. આ સેટ તમારી પાસે હોવો જોઈએ જેથી મોંની સફાઈ સારી રીતે થઈ શકે.

બે દાંતોની વચ્ચેની જગ્યાને સારી રીતે સાફ કરો
જો તમારો ખોરાક દાંત વચ્ચે ફસાઈ જાય છે, તો વધારે ધ્યાન રાખવું જોઈએ. કંઇપણ ખાધા પછી કોગળા જરૂરથી કરવા અને સવાર-સાંજ દાંતને સારી રીતે બ્રશ કરો.

રાત્રે ઊંઘમાંથી ઉઠીને પાણી પીતા રહો
ડ્રાઈ માઉથ અથવા ઝેરોસ્ટોમેયા નામની આ બીમારીમાં લાળના પ્રવાહ પર અસર પડે છે. લાળની ઊણપના કારણે મોંમાં વધારે બેક્ટેરિયા પેદા થઈ શકે છે અને દુર્ગંધનું કારણ બની શકે છે. ઘણા લોકોમાં નાકની જગ્યાએ મોંથી શ્વાસ લેવાની આદત હોય તો પણ આવું થાય છે. તેથી ઊંઘમાંથી ઉઠીને પાણી જરૂરથી પીવું.

ચ્યુઇંગ ગમ ચાવવી
જો ઘરેથી બહાર છો અને બ્રશ કરવા જેવા ઉપાય નથી કરી શકતા તો તરત મદદ માટે ચ્યુઇંગ ગમ પાસે રાખવી. તેની તીવ્ર સુંગધ મોંની દુર્ગંધને દબાવી દે છે અને લાળની સાથે ભળીને સુગંધ પેદા થાય છે.

હેલ્ધી ફૂડ ખાઓ
તાજા ફળ અને શાકભાજી ખાવાથી દાંત અને પેઢાં સ્વસ્થ બને છે તેથી ખાવામાં તેનું પ્રમાણ વધારવું. પેટ સાફ રાખવા દિવસમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરવો.