આજના જમાના પ્રમાણે માથાનો દુઃખાવો સામાન્ય વાત થઇ ગઈ છે. દરેક માણસને ક્યારેક તો માથાનાં દુઃખાવાનો સામનો કરવો પડે છે. તો દુનિયામાં અને આપણી આજુબાજુ ઘણાં એવા લોકો છે જે નિયમિત રીતે માથાનાં દુઃખાવાનો સામનો કરે છે. હાલમાં જ નોર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીનાં વૈજ્ઞાનિકોએ દર્દીઓનાં ડેટાને લઈને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
સંશોધનમાં સામે આવ્યું છે કે, દુનિયાની 52 % વસ્તી દર વર્ષે કોઈને કોઈ પ્રકારનાં માથાનાં દુઃખાવાથી પરેશાન હોય છે. જેમાં માઈગ્રેન, સામાન્ય માથાનોં દુઃખાવો, ચિંતાથી થતો માથાનો દુઃખાવો હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ 1961થી 2020 સુધીના માથાનાં દુઃખાવાનાં ડેટામાં સંશોધન કર્યું હતું.
માઈગ્રેનથી 14 % તો ચિંતાથી થતા માથાનાં દુખાવાથી 26% લોકો પરેશાન
વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જણાવ્યું હતું કે, દુનિયામાં વસ્તીના 14% લોકો માઈગ્રેનથી પીડિત છે. તો 26% લોકોને ચિંતાનાં કારણે માથાનાં દુઃખાવાની સમસ્યા થઇ જાય છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે, વિશ્વમાં દરરોજ 15.8% લોકો માથાનાં દુઃખાવાની સમસ્યા સામે ઝઝૂમે છે.
મહિલાઓમાં માથાનાં દુઃખાવાની સમસ્યા વધારે
સંશોધકોના જણાવ્યા અનુસાર, પુરુષોની સરખામણીએ મહિલાઓમાં માથાનાં દુઃખાવાનું પ્રમાણ વધારે હોય છે. દુનિયાભરમાં 17% મહિલાઓને માઈગ્રેનની સમસ્યા છે તો પુરુષોમાં આ પ્રમાણ ફક્ત 8.5% જ છે. લગભગ 6% મહિલાઓને માથાનો દુઃખાવો સતત 15 દિવસથી વધારે સમય સુધી રહે છે. તો પુરુષોમાં આ પ્રમાણ 2.9% જ છે. 2019માં ગ્લોબલ બર્ડન ઓફ ડીઝીઝ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે માઈગ્રેન એ વિશ્વભરમાં વિકલાંગતાનું બીજું મુખ્ય કારણ છે અને 50 વર્ષથી ઓછી વયની સ્ત્રીઓમાં વિકલાંગતાનું સૌથી મોટું કારણ છે.
માઈગ્રેન થવા પાછળ આ કારણો પણ છે જવાબદાર
દર વર્ષે માઈગ્રેનની સમસ્યામાં વધારો થતો જાય છે. રિસર્ચ કરનાર સંશોધકોનું કહેવું છે આ પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. આ માનસિકથી લઈને શારીરિક, પર્યાવરણીય, બિહેવિયરલ અને મનોવૈજ્ઞાનિક સુધીના કારણો હોઈ શકે છે. જોકે, આ પાછળ ટેક્નોલોજીનો વિકાસ પણ મહત્વનો ભાગ ભજવે છે. આજે વધુને વધુ લોકો ટેકનોલોજીની મદદથી ડોકટરો સાથે તેમની સમસ્યાઓ શેર કરી રહ્યા છે અને આરોગ્ય નિષ્ણાંતો પણ નવી ટેકનોલોજી દ્વારા દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.